કોમનવેલ્થ પહેલાં અમદાવાદને પ્રદૂષણ મુક્ત બનાવવા માસ્ટર પ્લાન:અત્યાધુનિક ‘મોબાઇલ લેબોરેટરી વાન’નું ઉદઘાટન; વાહનો, કન્ટ્રક્શન, ફેક્ટરીથી લઈને ડસ્ટ રોડથી થતાં પ્રદુષણનું સચોટ કારણ જાણી શકાશે

Gujarat6/5/2026, 7:54:52 AM
કોમનવેલ્થ પહેલાં અમદાવાદને પ્રદૂષણ મુક્ત બનાવવા માસ્ટર પ્લાન:અત્યાધુનિક ‘મોબાઇલ લેબોરેટરી વાન’નું ઉદઘાટન; વાહનો, કન્ટ્રક્શન, ફેક્ટરીથી લઈને ડસ્ટ રોડથી થતાં પ્રદુષણનું સચોટ કારણ જાણી શકાશે
ભવિષ્યમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવા વૈશ્વિક રમતગમત મહોત્સવો પૂર્વે અમદાવાદ શહેરને સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇઆઇટી (IIT) કાનપુરના સહયોગથી એક વિશેષ પર્યાવરણીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં કયા ચોક્કસ કારણોસર હવાનું પ્રદૂષણ ફેલાય છે? તેનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે (5 જૂન) 'એડવાન્સ ટેકનોલોજી એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ મોબાઇલ લેબોરેટરી વાન'નું વિધિવત ઉદઘાટન કર્યું છે. આ હાઇટેક વાન કન્સ્ટ્રક્શન સાઇટ્સ, ઔદ્યોગિક એકમો અને રોડ પરની માટી કે ધૂળ જેવા સ્થાનિક સ્ત્રોતોનો ગહન અભ્યાસ કરીને ડેટા આપશે, જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પ્રદુષણને રોકવા માટે ટાર્ગેટેડ કામગીરી કરી શકશે. વાન ઋતુ આધારિત મોનિટરિંગ કરશેઃ ડો. ભાવિન સોલંકી AMCના આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, શહેરમાં હવા પ્રદુષણ કયા કારણોસર થઈ રહ્યું છે, તેની જાણકારી મેળવવા અત્યાધુનિક મોબાઈલ લેબોરેટરી વાન લાવવામાં આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન સાઇટ, ઔદ્યોગિક એકમો, રોડ પરની માટી વગેરે પ્રકારના કારણોનો અભ્યાસ કરવામાં આવશે. આ લેબોરેટરી વાનમાં ત્રણ અલગ-અલગ સેન્સર લગાવવામાં આવ્યા છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ આમ ત્રણેય સિઝનમાં 60 દિવસ એક જ સ્થળ ઉપર આ વાન ઉભી રાખવામાં આવશે. જે વિસ્તારમાં આ વાન ઉભી રહેશે, ત્યાં શેના કારણે વધારે હવા પ્રદુષણ થઈ રહી છે, તેની સચોટ માહિતી મળશે. ‘વાનમાં પ્રદૂષણનો પ્રકાર ઓળખતા 10 જેટલા સેન્સર્સ સજ્જ’ વધુમાં ઉમેર્યું કે, આ લેબોરેટરી વાનમાં અલગ-અલગ 10 જેટલા સેન્સર પણ લગાવવામાં આવ્યા છે, જે સેન્સર કેવી રીતે કયા પ્રકારનું પ્રદૂષણ આ વિસ્તારમાં થઈ રહ્યું છે તેની ઓળખ કરશે અને આવા અલગ અલગ સેન્સર તૈયાર થયા બાદ તેને શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવશે, જેનાથી કયા વિસ્તારમાં, કયા પ્રકારે પ્રદૂષણ થઈ શકશે, તેની માહિતી મળી શકશે. આવા 400 જેટલા સેન્સર તૈયાર કરવાની તૈયારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. પ્રદુષણ પાછળનું સચોટ કારણ જાણી શકાશેઃ ડો. સચ્ચિદાનંદ IIT કાનપુર પ્રોફેસર ડો. સચ્ચિદાનંદ ત્રિપાઠીએ જણાવ્યું કે, અમદાવાદમાં આગામી સમયમાં કોમનવેલ્થ અને ઓલમ્પિક યોજાવા જઈ રહી છે, ત્યારે શહેરમાં હવા પ્રદુષણ કયા કારણોસર થાય છે? તેનું સચોટ કારણ જાણવા આ લેબોરેટરી વાન તૈયાર કરવામાં આવી છે. કન્સ્ટ્રકશન સાઈડ, રોડ પર કોઈ કચરો બાળવાથી, ધૂળ વગેરે અલગ-અલગ કારણોથી આ પ્રદૂષણ ફેલાય છે કે કેમ? તેની માહિતી મેળવવામાં આવશે. ખાસ કરીને હવાની મદદથી તેનું કારણ ચોક્કસ જાણવા મળશે કે, કઈ તરફથી હવા આવી રહી છે અને તેનાથી કેટલી અસર થઈ શકે છે?. સ્માર્ટ સેન્સિંગ અને ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટની રૂપરેખા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા IIT-કાનપુરના સહયોગથી “સ્માર્ટ સેન્સિંગ અને ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ"ની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેકટનો કૂલ સમયગાળો એપ્રિલ, 2026થી ડિસેમ્બેર, 2030 સુધીનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત IIT-કાનપુર દ્વારા 3 તબક્કામાં કામ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબ્બકો ડિસેમ્બેર 2027 સુધી ચાલશે, જેનો આશરે ખર્ચ રૂ. 10.60 કરોડ થાય છે. આ તબક્કામાં મુખ્યત્વે રિયલ-ટાઇમ સોર્સ એપોર્શનમેન્ટ લેબોરેટરી દ્વારા બેઝલાઈન મેપિંગ કરવામાં આવશે. લો-કોસ્ટ સેન્સર આધારિત હાયપર-લોકલ સોર્સ એપોર્શનમેન્ટ માટે મશીન લર્નિંગ મોડલ્સ વિકસાવવામાં આવશે. તારણોનું રિયલ ટાઈમ મૂલ્યાંકન થશે હાલની લો-કોસ્ટ સેન્સર નેટવર્કની ટેક્નિકલ સમીક્ષા અને રિવાઈવલ માટે મૂલ્યાંકન કરવામાં આવશે. હાયપર-લોકલ મોનિટરિંગના સ્કેલ-અપ માટે વ્યૂહાત્મક આયોજન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સંબંધિત વિભાગો સાથે સંકલન દ્વારા ઇન્ટરવેન્શન રચના કરવામાં આવશે. આ પ્રોજેક્ટના મુખ્ય ભાગરૂપે અત્યાધુનિક મોબાઈલ રિયલ-ટાઈમ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરી દ્વારા શહેરમાં હવા પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોનું વૈજ્ઞાનિક અને રિયલ-ટાઈમ મૂલ્યાંકન કરવામાં આવશે, જેના આધારે પ્રદૂષણ નિયંત્રણ માટે વધુ ચોક્કસ, અસરકારક અને પુરાવા આધારિત પગલાં લેવામાં મદદ મળશે. વાનથી પ્રદૂષણના હોટસ્પોટ્સની ઓળખ કરી શકાશે આ પ્રોજેક્ટ અમદાવાદના એર ક્વોલિટી મેનેજમેન્ટને ડેટા આધારિત અને ભવિષ્યલક્ષી બનાવશે. હાઈપર-લોકલ મોનિટરિંગ નેટવર્ક દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણના હોટસ્પોટ્સની ઓળખ કરી શકાશે અને તેના આધારે ટાર્ગેટેડ ઇન્ટરવેન્શન અમલમાં મૂકી શકાશે. રિયલ-ટાઈમ સોર્સ અપોર્શનમેન્ટ અભ્યાસ દ્વારા PM2.5 અને PM10ના મુખ્ય સ્ત્રોતો, જેમ કે વાહનવ્યવહાર, રોડ ડસ્ટ, બાંધકામ પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને બાયોમાસ બર્નિંગનું વૈજ્ઞાનિક નિર્ધારણ થશે, જેના આધારે વધુ અસરકારક કાર્યવાહી યોજના તૈયાર કરી શકાશે. 72 કલાક અગાઉ જ એર ક્વોલિટીની આગાહી કરી આપશે આ ઉપરાંત AI ટેકનોલોજી આધારિત 72 કલાકના એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ મોડલ દ્વારા પ્રદૂષણમાં સંભવિત વધારાની પહેલેથી જાણકારી પ્રાપ્ત થશે, જેથી પાણીનો છંટકાવ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાંધકામ પ્રવૃત્તિઓનું નિયમન તથા અન્ય પૂર્વસચેત નિયંત્રણાત્મક પગલાં સમયસર અમલમાં મૂકી શકાશે. સ્માર્ટ સિટી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર સાથે આ સમગ્ર વ્યવસ્થા સંકલિત હોવાથી વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન, રિયલ-ટાઈમ એલર્ટ, SOP આધારિત કાર્યવાહી અને ટાસ્ક ટ્રેકિંગ સુનિશ્ચિત બનશે. પરિણામે AQIમાં ઋતુ આધારિત સુધારો, હોટસ્પોટ વિસ્તારોમાં પ્રદૂષણની આવર્તનતા અને અવધિમાં ઘટાડો આવશે.
Read Original Article →