'11 મહિના થયા છતાં ટાટા ગ્રુપ તરફથી વળતર મળ્યું નથી':ફિલ્મમેકરના પત્નીએ કહ્યું-'નોકરીનું વચન આપ્યું પણ જવાબ આપતા નથી', અમદાવાદ પ્લેન ક્રેશના પીડિત પરિવારના આક્ષેપ
12 જૂન 2025ના અમદાવાદમાં બનેલી AI 171 પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આડે હવે મહિનો પણ બાકી નથી ત્યારે પીડિત પરિવારો ન્યાયની માંગ સાથે લડત લડી રહ્યા છે. અનેક રજૂઆતો અને અનેક પત્ર લખવા છતાં યોગ્ય ન્યાય ન મળ્યો હોવાનો આક્ષેપો કરી રહ્યા છે. તેમાં પણ ઘણાં પરિવારને તો વળતર મળ્યું નથી તો કેટલાક પરિવારજનને નોકરી આપવાની ખાતરી આપવા છતાં યોગ્ય જવાબ અપાયો નથી. સોલા ભાગવત ખાતે કેટલાક પીડિત પરિવારોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે વળતરની સાથે સાથે જે જગ્યાએ દુર્ઘટના બની ત્યાં એક વર્ષ પૂર્ણ થાય ત્યારે જમીન શુદ્ધિકરણ અને અલગ અલગ ધર્મના લોકો ધાર્મિક વિધિ કરી શકે તે માટેની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી છે. TATA અને સરકાર દ્વારા અપાયેલા તમામ વાયદાઓ પૂરા થવાની પીડિત પરિવારો હજુ પણ રાહ જોઈ રહ્યા છે. તેમજ મૃતક પરિવારો સહિત અનેક લોકો હજુ પણ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શક્યા નથી. જોકે સરકારે એક મહિનામાં રિપોર્ટ જાહેર કરવાની વાત કરી છે. પરંતુ પીડિત પરિવારો તેની સાથે સાથે બ્લેક બોક્સના ડેટા જાહેર કરવાની પણ માંગ કરી રહ્યા છે. ‘ટાટા ગ્રુપના કેટલાક લોકોએ એજ્યુકેશન પ્રમાણે નોકરીની ખાતરી આપી હતી’
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ફિલ્મમેકર મહેશ જીરાવાલાના પત્ની એવા વડોદરાના હેતલબેન પ્રજાપતિએ જણાવ્યું કે, મારા પતિ પાલડી એક મિટિંગ માટે ગયા હતા અને જે પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યાં મેઘાણીનગરમાં પ્લેન ક્રેશનો બનાવ બન્યો હતો. ઘટના બની તે સમયે પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારનો સપોર્ટ કરવામાં આવ્યો ન હતો. અમે તપાસ કરી ત્યારે ખબર પડી કે DNA મેચ થયા છે અને તમારા પતિનું મોત થયું છે. જે બાદ અમારા ઘરે એરલાઇનના કેટલાક લોકો અને ટાટા ગ્રુપમાંથી મળવા માટે આવ્યા હતા. જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે તો મદદ કરવાની તે લોકોએ ખાતરી આપી હતી. તેમજ એજ્યુકેશન પ્રમાણે મને નોકરી આપવાની પણ ખાતરી આપી હતી. ‘અનેક વખત મેલ કરીએ છીએ છતાં જવાબ આપતા નથી’
હેતલ પ્રજાપતિએ વધુમાં ઉમેર્યું કે, નોકરીની ખાતરી આપ્યા બાદ 11 મહિના થયા હોવા છતાં અનેક વખત મેલ કરીએ છીએ છતાં પણ જવાબ આપવામાં આવતો નથી. તેમજ મારો અકસ્માત થતા ત્રણ મહિના ઘરમાં રહેવું પડ્યું હતું. જેથી હવે એરલાઇન અને ટાટા ગ્રુપ કોઈપણ પ્રકારના જવાબ આપતા નથી. 'ટાટા ગ્રુપ તરફથી કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી'
પ્લેન ક્રેશમાં દીકરો ગુમાવનાર મોહમ્મદ રફિકભાઈએ જણાવ્યું હતું કે, પ્લેન દુર્ઘટનામાં મારા દીકરાનું મૃત્યુ થયું હતું. પરંતુ 11 મહિના થયા છતાંય ટાટા ગ્રુપ તરફથી કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી. તેમજ કોઈપણ પ્રકારનો જવાબ પણ આપવામાં આવતો નથી. મેલ કરીએ તો તેનો પણ યોગ્ય જવાબ અમને મળી રહ્યો નથી. તેમજ અમારો ફોન પણ હવે ઉપાડવામાં આવતો નથી. અમારી માંગ છે કે મને ન્યાય મળે અને યોગ્ય વળતર આપવામાં આવે. તેમજ ઘટના કઈ રીતે બની હતી તેનો યોગ્ય જવાબ પણ મળવો જોઈએ. 'બ્લેક બોક્સના ડેટા માટે અનેકવાર મેલ કર્યા પણ રીપ્લાય આવતો નથી'
સામાજિક કાર્યકર કવિરાજે જણાવ્યું હતું કે, 12 જુન 2026 ના પ્લેન ક્રેશની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે. એક મહિના કરતાં પણ ઓછો સમય હવે બાકી રહ્યો છે. જેથી પીડિત પરિવારો એવું ઈચ્છે છે કે જ્યાં દુર્ઘટના બની હતી ત્યાં જમીન શુદ્ધિકરણ અને ધાર્મિક કાર્યક્રમ કરવાની માગણી કરી રહ્યા છે. અનેક વખત બ્લેક બોક્સનો ડેટા આપવા માટે મેલ કરવામાં આવ્યા છે પરંતુ રીપ્લાય આપવામાં આવતો નથી.
પ્લેન ક્રેશ બાદ ગાયબ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનો મૃતદેહ પરિવારને સોંપી દેવાયો હતો. DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે એ મૃતદેહ ફિલ્મમેકરનો છે, પરંતુ પોલીસને આ કપરી પરિસ્થિતિમાં પણ સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબરના આધારે વાહન ઓળખી, સીસીટીવી તથા અન્ય બીજા અનેક પુરાવો એકત્રિત કરી પરિવારને એ મૃતદેહ ફિલ્મમેકરનો જ હોવાનું મનાવવામાં સફળતા મળી હતી. સળગી ગયેલા એક્ટિવાનાં એન્જિન-ચેસીસ નંબરના આધારે વાહન ઓળખ્યું
અમદાવાદ શહેર પોલીસ ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વધુ તપાસ કરી. સળગી ગયેલાં વાહનો બાબતે મેઘાણીનગર પીએસઆઈ ચાવડા તથા સ્ટાફ મારફત તપાસ કરવામાં આવતાં બનાવવાળી જગ્યાએ એક એક્ટિવા સળગી ગયેલી હાલતમાં જણાઈ આવ્યું હતું, જેના એન્જિન અને ચેસીસનંબર આધારે ચેક કરવામાં આવતાં આ વાહન મરણ જનાર મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયું હતું.(વાંચો સંપૂર્ણ અહેવાલ) શું છે મામલો?
12 જૂનની બપોરે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. આ દરમિયાન મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું. જેમાં 275 લોકોના મોત થઈ ગયા હતા. એમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક હતા. આમાં 103 પુરુષ, 114 મહિલા, 11 બાળક અને 2 નવજાત શિશુનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું.
Read Original Article →