પત્નીને મહિને 30 હજાર ભરણપોષણ ચૂકવવા કોર્ટનો હુકમ:પત્નીના કહ્યા મુજબ પતિ એડવોકેટ અને કમાણી લાખોમાં, છતાં પત્નીને ભરણપોષણ ચૂકવવામાં ઠાગાઠૈયા
અમદાવાદની સિટી મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક પત્ની દ્વારા તેના એડવોકેટ પતિ અને સાસરીયા પક્ષ વિરૂદ્ધ દાખલ કરાયેલા ઘરેલું હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ) ના કેસમાં કોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. કોર્ટે તમામ પાસાઓની કાનૂની ચકાસણી કર્યા બાદ પત્નીને વચગાળાના ભરણપોષણ પેટે દર મહિને ₹30,000 ચૂકવવાનો પતિને આદેશ કર્યો છે. આ કેસમાં પત્નીએ વકીલાત કરતા પતિની માસિક લાખો રૂપિયાની કમાણી અને કરોડોની મિલકતો હોવાના ચોંકાવનારા દાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. 10 વર્ષથી દંપતી અલગ, દીકરીના ભરણપોષણની જવાબદારી પત્ની પર
કેસની વિગતો મુજબ, અરજદાર મહિલાના લગ્ન વર્ષ 2010માં થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેઓએ એક દીકરીને જન્મ આપ્યો હતો. જો કે, કૌટુંબિક અણબનાવના કારણે પતિ-પત્ની છેલ્લા 10 વર્ષથી એકબીજાથી અલગ રહે છે અને દીકરીના ઉછેર તેમજ ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી પત્ની એકલી જ સંભાળી રહી છે. અગાઉ પણ કોર્ટે પત્નીને માસિક ₹15,000 ભરણપોષણ ચૂકવવાનો હુકમ કર્યો હતો. પરંતુ પત્નીનો આક્ષેપ છે કે પતિ આ રકમ ભરપાઈ કરતો નથી અને જ્યારે તેની સામે કોર્ટના વોરંટની બજવણી કરવા માટે કોઈ જાય છે, ત્યારે તે કાયદાનો રક્ષક હોવા છતાં મારપીટ પર ઉતરી આવે છે. વકીલ પતિ મુંબઈમાં લક્ઝુરિયસ ફ્લેટ અને 5 દુકાનો ધરાવે છે: પત્નીનો આક્ષેપ મહિલાએ કોર્ટ સમક્ષ પોતાના પતિની આર્થિક સક્ષમતા સાબિત કરવા માટે તેની કમાણી અને પ્રોપર્ટીના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા: આ તમામ કમાણીના આધારે પત્નીએ પોતાની લાઈફસ્ટાઈલ અને જરૂરિયાતોને ધ્યાને રાખીને દર મહિને ₹2.50 લાખનું ભરણપોષણ, મેડિકલ સારવાર ખર્ચ પેટે એકસાથે ₹4.50 લાખ અને પુત્રીના ઉછેર માટે અલગથી રકમ ચૂકવવાની માંગણી કરી હતી. કોર્ટનું મહત્વનું અવલોકન
સામસામે થયેલી દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા બાદ કોર્ટે નોંધ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે અગાઉ થયેલો છૂટાછેડાનો કેસ રદ (ડિસમિસ) થઈ ચૂકેલો છે, એટલે કે કાયદેસર રીતે તેઓ હજુ પણ પતિ-પત્ની જ છે. પતિ આર્થિક રીતે અત્યંત સક્ષમ હોવા છતાં પત્ની અને દીકરી પ્રત્યેની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહ્યો છે. આથી, હાલની પરિસ્થિતિ અને કાનૂની જોગવાઈઓને આધીન રહીને કોર્ટે અરજદાર પત્નીને વચગાળાના રાહત તરીકે દર મહિને ₹30,000 ચૂકવવાનો વકીલ પતિને કડક આદેશ કર્યો છે.
Read Original Article →