શેર બજારમાં રોકાણના નામે ઠગાઈ:SEBIનો લેટર બતાવી 74 લાખનું રોકાણ કરાવી પરત ન આપતા ફરિયાદ
શહેરમાં ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા આધેડ વયના વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ આધેડને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને રોકાણ કરાવવાના બહાને 74 લાખ પડાવ્યા છે.આધેડને વિશ્વાસ અપાવવા SEBIનો લેટર પણ મોકલ્યો હતો. આ અંગે આધેડે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ICICI સિકયુરિટી નામના ગ્રુપમાં એડ કરાયો
સાબરમતીમાં રહેતા 52 વર્ષીય આધેડ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. અજાણ્યા વ્યક્તિએ આધેડને વોટ્સએપમાં ICICI સિકયુરિટી નામના ગ્રુપમાં એડ કર્યો હતો. આ ગ્રુપમાં શેર બજારમાં રોકાણ કરવા માટેની ટિપ્સ આવતી હતી.આધેડે થોડા સમય સુધી ગ્રુપમાં નજર રાખી હતી. ગ્રુપના સભ્યો થયેલા નફાનો ફોટો ગ્રુપમાં મૂકતા હતા જેથી આધેડને પણ રોકાણ કરવાની ઈચ્છા થતા તેમણે ગ્રુપના એડમિન તરફથી આપેલી એપ્લિકેશન ડાઉનલોડ કરીને વિગત ભરી હતી. ટુકડે ટુકડે 74 લાખ રૂપિયાનું રોકાણ કર્યું
આધેડને વિશ્વાસમાં લેવા ગઠિયાઓએ SEBIનો બનાવટી લેટર મોકલ્યો હતો જે જોઈને આધેડને વિશ્વાસ આવી ગયો હતો.શરૂઆતમાં આધેડે એપ્લિકેશનમાં 10 હજારનું રોકાણ કર્યું હતું જેની સામે 5 હજાર નફો બતાવતા હતા જેથી આધેડે વધુ વિશ્વાસ આવતા એક મહિનામાં ટુકડે ટુકડે 74 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રોકાણ કર્યા બાદ મૂડી અને નફો ઉપાડવા ગયા ત્યારે એક અઠવાડિયા જેટલો સમય બતાવતો હતો. આધેડે અઠવાડિયા સુધી રાહ જોયા બાદ પૈસા ન ઉપડતા છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →