ધરપકડ:ડિજિટલ એરેસ્ટ કરી રૂ.55 લાખ પડાવનારા 2 હરિયાણાથી પકડાયા
વસ્ત્રાપુરના વૃદ્ધ દંપતીની નરેશ ગોયલ ફ્રોડ કેસમાં સંડોવણી હોવાનું કહી પોલીસની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.55.50 લાખ પડાવનારા 2 આરોપીની સાઈબર ક્રાઈમે હરિયાણાથી ધરપકડ કરી હતી. એકના કરંટ ખાતામાં સાઈબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયા હતા. તપાસમાં આ કરંટ ખાતામાંથી 2 દિવસમાં 7 સાઈબર ફ્રોડના રૂ.1.73 કરોડ ઉપાડી લેવાયા હતા. દંપતીને કોર્ટની નોટિસ તથા ધરપકંડ વોરંટ મોકલી લાઈવ કોર્ટરૂમ બતાવી વેરિફિકેશનના બહાને રૂ.55.50 લાખ પડાવી લેતાં મહિલાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ ધારા બરવાળિયાએ તપાસ આદરી હતી. જેમાં દંપતીના નાણાં એમએસ કવિકડી ટેકનોલોજીસ કંપનીના આઈસીઆઈસીઆઈ બેંકના કરંટ ખાતામાં ટ્રાન્સફર થયા હતા. તે ખાતું હરિયાણા ગુરુગ્રામ રાજીવનગરમાં રહેતા સોનુકુમાર સંતોષ ઠાકુરનું હતું. જેના આધારે સાઈબર ક્રાઈમ ટીમે હરિયાણા જઈ સોનુકુમારની ધરપકડ કરી હતી. જ્યારે આ નાણાં સોનુ કુમાર પાસેથી પ્રદીપ સુરેશપ્રસાદ(દિલ્હી)એ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ બંને આરોપી પાસેથી વસીમખાન નામના માણસે પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે સોનુના ખાતામાં અમદાવાદ, ગાંધીનગના 1- 1 તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, પશ્ચિમ બંગાળના 5 મળી 7 ડિજિટલ એરેસ્ટના રૂ.1.73 લાખ આવ્યા હતા. દિલ્હીની હોટેલમાં રાખીને ફોનમાં એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરાવી તમામ એક્સેસ લઈ લીધા હતા
સોનુના ખાતામાં 7 સાઈબર ફ્રોડના રૂ.1.73 કરોડ આવ્યા હતા. જે વસીમખાને તે પૈસા ટ્રાન્સફર કરવા સોનુ અને પ્રદીપને દિલ્હી બોલાવી લાજપતનગર ફ્રેન્ડસ કોલોનીની એક હોટલમાં 2 દિવસ રાખ્યા હતા. આ બંને જણાં તે પૈસાને સગેવગે ન કરે તે માટે વસીમે સોનુના ફોનમાં એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરાવી તેમાંથી બેંકના ઓટીપીના એક્સેસ પોતાની પાસે લઈ લીધા બાદ 2 દિવસમાં વસીમખાને તે પૈસા જુદાં-જુદાં ખાતાંમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ખાતું ભાડે આપવાના સોનુને 5 લાખ મળ્યા હતા
સોનું 2023 માં ધંધો કરતો હતો. જેથી તેણે આ કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. પરંતુ ધંધામાં નુકસાન જતા ધંધો બંધ કરી દીધો હતો. હાલમાં પૈસાની જરૂર હોવાથી તેણે કરંટ એકાઉન્ટ સાઈબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા ભાડેથી આપ્યું હતું. વસીમખાને 7 સાઈબર ફ્રોડના રૂ.1.73 કરોડ ટ્રાન્સફર કરવા માટે સોનુને રૂ.5 લાખ, પ્રદીપને રૂ.2 લાખ આપ્યા હતા.
Read Original Article →