સોલામાં ‘મિની એજ્યુકેશન સિટી’ તૈયાર:રૂ.102 કરોડના ખર્ચે બનેલી હોસ્ટેલમાં 1600 વિદ્યાર્થી રહી શકશે, સ્ટડી ઝોન પણ બનાવાયો

Gujarat5/25/2026, 12:00:00 AM
સોલામાં ‘મિની એજ્યુકેશન સિટી’ તૈયાર:રૂ.102 કરોડના ખર્ચે બનેલી હોસ્ટેલમાં 1600 વિદ્યાર્થી રહી શકશે, સ્ટડી ઝોન પણ બનાવાયો
સોલામાં પાટીદાર સમાજ દ્વારા વિશાળ શિક્ષણ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી 13 માળની હોસ્ટેલનું 29મીએ લોકાર્પણ થશે. તેમાં 1600થી વધુ વિદ્યાર્થીને ઓછા દરે રહેવાની સુવિધા મળશે. સોલા કેમ્પસમાં ચાલી રહેલા મેગા પ્રોજેક્ટમાં હોસ્ટેલ ઉપરાંત મંદિર અને શૈક્ષણિક સંકુલને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ ‘એજ્યુકેશન-સોશિયલ હબ’ તૈયાર કરાઈ રહ્યું છે. અંદાજે રૂ. 102 કરોડના ખર્ચે બની રહેલી હોસ્ટેલમાં દીકરા અને દીકરીઓને આધુનિક સુવિધાઓ અપાશે. હોસ્ટેલમાં સ્ટડી ઝોન, ડાઇનિંગ, કોમન એરિયા અને અન્ય જરૂરી સુવિધાઓ સાથે 2 માળ પાર્કિંગ માટે રખાયા છે. ટ્રસ્ટના કહેવા પ્રમાણે પ્રવેશ પ્રક્રિયામાં પાટીદાર વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાથમિકતા અપાશે. આ સમગ્ર પ્રોજેક્ટ 22 વીઘા જમીન પર વિકસિત થઈ રહ્યો છે. સાથે જ અહીં 60 કરોડના ખર્ચે મા ઉમિયાનું મંદિર, NRI ભવન, ગેસ્ટ હાઉસ, પાર્ટી પ્લોટનું નિર્માણ ચાલી રહ્યું છે. વધતા ભાડા અને રહેઠાણ સંકટ વચ્ચે આ હોસ્ટેલ હજારો વિદ્યાર્થીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે એવી સમાજમાં ચર્ચા છે. PGના વધતા ભાડા વચ્ચે મોટી રાહત | અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે PG અને ખાનગી હોસ્ટેલના ભાડા સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ઓછા ખર્ચે સુરક્ષિત અને સુવિધાસભર રહેઠાણ ઉપલબ્ધ કરાવતી આ હોસ્ટેલ મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદ સમાન ગણાઈ રહી છે.
Read Original Article →