અમેરિકાની રાહત સામે યુક્રેનનો ડ્રોન પ્રહાર:અમેરિકાએ રશિયાને તેલ વેચાણમાં રાહત આપતા ભડકેલા યુક્રેનનો રશિયન ઓઇલ રિફાઇનરીઓ પર ભીષણ ડ્રોન હુમલો
અમેરિકાએ રશિયાને પોતાનું તેલ વેચવા માટે રાહત આપી હતી. પરંતુ તેનાથી ભડકેલા યુક્રેને રશિયન તેલ ડેપો પર હુમલો કર્યો છે. યુક્રેને શનિવારે વહેલી સવારે રશિયાની ઘણી મોટી ઓઇલ રિફાઇનરીઓ અને ઊર્જા સ્થળો પર ડ્રોન હુમલા કર્યા, જેના કારણે ઘણી જગ્યાએ આગ લાગી ગઈ અને અફરાતફરી મચી ગઈ. યુક્રેનના ડ્રોન ફોર્સ કમાન્ડર રોબર્ટ 'માદ્યાર' બ્રોવદીએ ટેલિગ્રામ પર માહિતી આપતા કહ્યું કે આ હુમલાઓમાં રશિયાના સમરા ક્ષેત્રની નોવોકુઇબિશેવ્સ્ક અને સિઝરાન રિફાઇનરીને નિશાન બનાવવામાં આવી. આ ઉપરાંત, ક્રાસ્નોડાર ક્ષેત્રના તિખોરેત્સ્ક ઓઇલ ટર્મિનલ, બાલ્ટિક સાગરના વ્યાસોત્સ્ક પોર્ટ અને કબજા હેઠળના ક્રિમિયાના સેવાસ્તોપોલમાં સ્થિત ઓઇલ ડેપો પર પણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલાઓના થોડા કલાકો પહેલા અમેરિકાએ રશિયાને વધુ એક મોટી રાહત આપી હતી. અમેરિકી ટ્રેઝરીએ રશિયાને પ્રતિબંધો છતાં દરિયાઈ માર્ગે તેલ વેચવાની મંજૂરી આપતી છૂટછાટ લંબાવી હતી. યુક્રેને આ નિર્ણય પર સખત પ્રતિક્રિયા આપી છે. બ્રોવદીએ તેને ‘સિનિસિઝમ’ એટલે કે બેવડો અભિગમ ગણાવ્યો અને કહ્યું કે આવા નિર્ણયોની કિંમત ‘યુક્રેનિયન જીવો’થી ચૂકવવી પડે છે. CNNના રિપોર્ટ અનુસાર, રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓની સીધી પુષ્ટિ કરી નથી, પરંતુ તેણે દાવો કર્યો કે તેની એર ડિફેન્સ સિસ્ટમે રાતોરાત 258 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા. રશિયાના ઓઈલ ડેપો પર થયેલો હુમલો જોકે, રશિયાના વિવિધ પ્રાદેશિક અધિકારીઓએ આ હુમલાઓની અસરની પુષ્ટિ કરી છે. સમરા ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું કે ઔદ્યોગિક સ્થળો પર હુમલા નોંધાયા છે અને કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ક્રાસ્નોડાર ક્ષેત્રમાં આવેલા તિખોરેત્સ્ક ઓઇલ ડેપોમાં આગ લાગી હતી, જેને બુઝાવવા માટે 200થી વધુ કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર બ્રિગેડની ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. જ્યારે લેનિનગ્રાડ ક્ષેત્રના વ્યસોત્સ્ક પોર્ટ પર પણ ડ્રોન હુમલા બાદ આગ લાગવાની જાણ થઈ હતી, જેને બાદમાં કાબૂમાં લેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે અમેરિકા વૈશ્વિક તેલ કિંમતોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસને આ છૂટ એટલા માટે આપી છે જેથી બજારમાં તેલનો પુરવઠો જળવાઈ રહે, ખાસ કરીને ઈરાન સંકટને કારણે વધેલા દબાણ વચ્ચે. અમેરિકી અધિકારીઓ અનુસાર, આ છૂટ 16 મે સુધી લાગુ રહેશે અને તેનાથી લગભગ 10 કરોડ બેરલ રશિયન તેલનો પુરવઠો પ્રભાવિત થશે. જોકે, આ નિર્ણય પર પહેલા પણ વિવાદ રહ્યો છે, કારણ કે પશ્ચિમી દેશોએ યુક્રેન યુદ્ધ માટે મળતી ફંડિંગને રોકવા માટે રશિયાના ઊર્જા નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હતા.
Read Original Article →