દ્વારકેશ પોડકાસ્ટના ચાહક ટેક દિગ્ગજો:ઝકરબર્ગને કહી દીધું હતું- ફરીથી રેકોર્ડ કરવું પડશે, હુઆંગ-નડેલા કલાકો સુધી ચર્ચા કરે છે

International5/3/2026, 11:27:41 AM
દ્વારકેશ પોડકાસ્ટના ચાહક ટેક દિગ્ગજો:ઝકરબર્ગને કહી દીધું હતું- ફરીથી રેકોર્ડ કરવું પડશે, હુઆંગ-નડેલા કલાકો સુધી ચર્ચા કરે છે
AIની જાદુઈ દુનિયામાં જ્યાં મોટા-મોટા દિગ્ગજો પણ ટેકનોલોજીના ઘોંઘાટમાં ખોવાઈ જાય છે, ત્યાં દ્વારકેશ પટેલ સિલિકોન વેલીના AI સમુદાયનો સૌથી મહત્વપૂર્ણ અવાજ બનીને ઉભર્યા છે. 25 વર્ષીય ભારતીય મૂળના દ્વારકેશના પોડકાસ્ટને પ્રતિ એપિસોડ સરેરાશ 20 લાખ વાર સાંભળવામાં આવે છે. માર્ક ઝકરબર્ગ, સત્ય નડેલા અને જેન્સન હુઆંગ જેવા દિગ્ગજ CEO તેમની સાથે કલાકો સુધી ચર્ચાઓ કરે છે. લોકપ્રિયતા એવી છે કે તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થાય છે. પટેલ ઇન્ટરવ્યુ માટે ઊંડો અભ્યાસ કરે છે અને AIની જટિલ ભાષાને નવી શૈલીમાં રજૂ કરે છે. કંટાળાથી શરૂ થયેલી સફર દ્વારકેશના પોડકાસ્ટની સફર 2020માં એક કોલેજ હોસ્ટેલના રૂમમાંથી શરૂ થઈ હતી. કોરોના મહામારી દરમિયાન જ્યારે બધું જ ઠપ થઈ ગયું હતું, ત્યારે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થી દ્વારકેશ કંઈક અલગ કરવાની શોધમાં હતા. તેમણે પોતાની જિજ્ઞાસાના જોરે નિષ્ણાતોને ઈમેલ કરવાનું શરૂ કર્યું. આજે ‘દ્વારકેશ પોડકાસ્ટ’ની અલગ ઓળખ છે. એન્થ્રોપિકના મુખ્ય સંચાર અધિકારી સાશા ડી મેરિગ્ની કહે છે, ‘લોકો તેમને ફક્ત કોમેન્ટેટર નથી માનતા, તેઓ AI સમુદાયના અભિન્ન અંગ છે.’ ઇન્ટરવ્યુ માટે એ જ મહેમાનોને પસંદ કરે છે, જેમની પાસેથી કંઈક નવું શીખવા મળે દ્વારકેશ એક ઇન્ટરવ્યુ માટે બે અઠવાડિયા સુધી રિસર્ચ કરે છે. ફ્લેશ કાર્ડ બનાવે છે. વિષયોને સમજવા માટે ઇકોનોમિક્સ, ફિઝિક્સ સુધીના ટ્યુટર હાયર કરે છે. તેમની શાખ એવી છે કે તેમણે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગને પણ ઇન્ટરવ્યુ ફરીથી રેકોર્ડ કરવા માટે કહી દીધું હતું. એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગ અને ઓપનએઆઈના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ઇલ્યા સુત્સ્કેવર જેવા દિગ્ગજો સાથે ટેક્નીકલી બારીકીઓ પર ચર્ચા કરે છે. દ્વારકેશના પોડકાસ્ટમાં રોકાણકારો કરોડો રૂપિયા લગાવવા તૈયાર છે, પરંતુ તેઓ તેને સ્વતંત્ર રિસર્ચ કંપની કે નેટવર્કની જેમ ચલાવવા માંગતા નથી. તેઓ પોતાના કન્ટેન્ટનું એડિટિંગ પોતે જ જુએ છે અને એ જ મહેમાનોને પસંદ કરે છે, જેમની પાસેથી તેમને કંઈક નવું શીખવા મળે. દ્વારકેશ જટિલ મુદ્દાઓ પર કલાકો સુધી વાત કરે છે જ્યાં મુખ્યપ્રવાહનું મીડિયા અવારનવાર AI વિશે ભય કે છીછરી વાતો કરે છે, ત્યાં દ્વારકેશ ‘ક્વાડ્રેટિક અટેન્શન કોસ્ટ’ અને ‘કેવી વેક્ટર્સ’ જેવા જટિલ તકનીકી શબ્દો પર કલાકો સુધી વાત કરે છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી ટાયલર કોવેન તેમને ‘AI યુગના નંબર-1 ઇતિહાસકાર’ ગણાવે છે. તેઓ AIના એવા ભવિષ્યની વાત કરે છે, જ્યાં મશીનો માણસની જેમ સતત શીખી શકશે, જોકે, તેઓ તેની વચ્ચે આવતી ટેકનીકલી અડચણો વિશે પણ સવાલો ઉઠાવે છે.
Read Original Article →