બ્રિટિશ રેડિયો સ્ટેશને કિંગ ચાર્લ્સ IIIની માફી માગી:‘રેડિયો કેરોલાઇન’એ ભૂલથી કિંગ ચાર્લ્સ IIIના અવસાનની જાહેરાત કરી દીધી, કમ્પ્યુટર ક્ષતિના લીધે “ડેથ ઓફ અ મોનાર્ક” પ્રક્રિયા એક્ટિવેટ થઈ હતી

International5/21/2026, 8:34:55 PM
બ્રિટિશ રેડિયો સ્ટેશને કિંગ ચાર્લ્સ IIIની માફી માગી:‘રેડિયો કેરોલાઇન’એ ભૂલથી કિંગ ચાર્લ્સ IIIના અવસાનની જાહેરાત કરી દીધી, કમ્પ્યુટર ક્ષતિના લીધે “ડેથ ઓફ અ મોનાર્ક” પ્રક્રિયા એક્ટિવેટ થઈ હતી
બ્રિટનના રેડિયો સ્ટેશન ‘રેડિયો કેરોલાઇન’ એ ટેકનિકલ ખામીના કારણે ભૂલથી કિંગ ચાર્લ્સ III ના અવસાનની જાહેરાત કરી દીધી. બાદમાં સ્ટેશને પ્રસારણ ફરી શરૂ કરીને કિંગ અને શ્રોતાઓની માફી માંગી હતી. રેડિયો કેરોલાઇનના સ્ટેશન મેનેજર પીટર મૂરે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, મુખ્ય સ્ટુડિયોમાં કોમ્પ્યુટર એરરના કારણે “ડેથ ઓફ અ મોનાર્ક” (રાજાના અવસાનની) પ્રક્રિયા ભૂલથી એક્ટિવેટ થઈ ગઈ હતી. તેમણે ઉમેર્યું કે, આ પ્રક્રિયા બ્રિટનના તમામ રેડિયો સ્ટેશનોમાં કટોકટીની સ્થિતિ (ઇમરજન્સી) માટે તૈયાર રાખવામાં આવે છે. આ ખોટી જાહેરાત બાદ રેડિયો સ્ટેશન થોડા સમય માટે બંધ થઈ ગયું હતું. આનાથી જ ટીમને ટેકનિકલ ખામીની ખબર પડી, જેના પછી સામાન્ય પ્રસારણ ફરી શરૂ કરવામાં આવ્યું અને ઓન-એર માફી માંગવામાં આવી. પીટર મૂરે કહ્યું, “અમે કિંગ અને અમારા શ્રોતાઓની થયેલી અગવડતા બદલ માફી માંગીએ છીએ.” 1964માં શરૂ થયેલું રેડિયો કેરોલાઇન બ્રિટન ઉપરાંત બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ સહિતના ઘણા દેશોમાં પ્રસારણ કરે છે. આ સ્ટેશન ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. જે દિવસે આ ખોટી જાહેરાત થઈ, તે દિવસે કિંગ ચાર્લ્સ III અને ક્વીન કેમિલા ઉત્તરી આયર્લેન્ડના બેલફાસ્ટના પ્રવાસે હતા. બકિંગહામ પેલેસના જણાવ્યા અનુસાર, બંનેએ થોમ્પસન ડોકમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કિંગ ચાર્લ્સે ફેબ્રુઆરી 2024માં જણાવ્યું હતું કે તેમને કેન્સર છે. જોકે, ડિસેમ્બરમાં જાહેર કરેલા વીડિયો સંદેશમાં તેમણે કહ્યું હતું કે સારવારની સકારાત્મક અસર થઈ રહી છે અને આ વર્ષે તેમની ટ્રીટમેન્ટ ઓછી કરવામાં આવશે.
Read Original Article →