હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું વધુ એક જહાજ ડૂબ્યું:ઓમાન તટ પાસે દુર્ઘટના, 14 ક્રૂ મેમ્બર્સને કોસ્ટગાર્ડે બચાવ્યા

International5/14/2026, 6:52:00 PM
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું વધુ એક જહાજ ડૂબ્યું:ઓમાન તટ પાસે દુર્ઘટના, 14 ક્રૂ મેમ્બર્સને કોસ્ટગાર્ડે બચાવ્યા
ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું વધુ એક માલવાહક જહાજ ડૂબી ગયું છે. 'હાજી અલી' નામનું જહાજ 13 મેની સવારે ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેની સાથે ડ્રોન કે મિસાઇલ જેવું કોઈ હથિયાર અથડાયું હતું. દુર્ઘટના બાદ જહાજમાં આગ લાગી ગઈ હતી, જોકે ઓમાન કોસ્ટગાર્ડે તમામ 14 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લીધા છે. ગુજરાતના દ્વારકાના રહેવાસી અને જહાજ માલિક સુલતાન અહમદ અંસારે જણાવ્યું કે, MSV હાજી અલી જહાજ બેરબેરા પોર્ટથી શારજાહ જઈ રહ્યું હતું. સવારે અંદાજે 3:30 વાગ્યે ઓમાનના દરિયાકાંઠા પાસે જહાજ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. ક્રૂ મેમ્બર્સના જણાવ્યા મુજબ, જહાજ સાથે કોઈ વિસ્ફોટક જેવી વસ્તુ અથડાવાનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ જહાજમાં આગ લાગી ગઈ હતી. સ્થિતિ બગડતા તમામ 14 ક્રૂ મેમ્બર્સ લાઈફ બોટની મદદથી જહાજ છોડીને બહાર નીકળી ગયા હતા. આ અગાઉ 7 મેના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલું ગુજરાતના દ્વારકાનું વધુ એક માલવાહક જહાજ MSV AL ફૈઝ નૂરે સુલેમાની-I પણ અમેરિકા અને ઈરાન નેવી વચ્ચે થયેલા ફાયરિંગનો શિકાર બન્યું હતું. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… તેહરાનમાં યુદ્ધ પ્રભાવિત 80% વિસ્તારોનું સમારકામ પૂર્ણ: ઈરાનના સરકારી મીડિયા અનુસાર, રાજધાની તેહરાનમાં યુદ્ધથી પ્રભાવિત અંદાજે 80% વિસ્તારોનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે. યુદ્ધમાં 60 હજારથી વધુ રહેણાંક ઈમારતો પ્રભાવિત થઈ હતી. હોર્મુઝ સંકટથી યુરોપમાં જેટ ફ્યુઅલની ભારે અછત: IEA અનુસાર, માર્ચમાં યુરોપને દરરોજ 3.3 લાખ બેરલ જેટ ફ્યુઅલ મળી રહ્યું હતું, જે એપ્રિલમાં ઘટીને માત્ર 60 હજાર બેરલ રહી ગયું છે. લેબનાનમાં ઈઝરાયેલી હુમલાથી મૃત્યુઆંક 2,896 પર પહોંચ્યો: લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 2,896 લોકોના મોત થયા છે. મૃતકોમાં 200થી વધુ બાળકો સામેલ છે. અમેરિકા IRGC નેટવર્કની જાણકારી આપનારને 15 મિલિયન ડોલર આપશે: અમેરિકી વિદેશ વિભાગે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના ફન્ડિંગ અને નાણાકીય નેટવર્કની જાણકારી આપવા બદલ 15 મિલિયન ડોલરના ઈનામની જાહેરાત કરી છે. રિપોર્ટ- સાઉદી અરેબિયાએ માર્ચમાં ઈરાન પર ગુપ્ત હુમલા કર્યા: રોયટર્સે અમેરિકી અને ઈરાની અધિકારીઓના હવાલાથી દાવો કર્યો છે કે માર્ચમાં સાઉદી અરેબિયાએ ઈરાન પર જવાબી ગુપ્ત હુમલા કર્યા હતા. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાં જુઓ…
Read Original Article →