AIથી ખર્ચ અડધો કરવા જતાં ટેક કંપનીઓ દેવાળિયું ફૂંકવાની અણીએ!:એન્જિનિયરોના પગાર કરતાં AIનું બિલ વધ્યું; માઇક્રોસોફ્ટ-ઉબરને મોટો ઝટકો લાગ્યો

International5/27/2026, 12:30:00 AM
AIથી ખર્ચ અડધો કરવા જતાં ટેક કંપનીઓ દેવાળિયું ફૂંકવાની અણીએ!:એન્જિનિયરોના પગાર કરતાં AIનું બિલ વધ્યું; માઇક્રોસોફ્ટ-ઉબરને મોટો ઝટકો લાગ્યો
છેલ્લા બે વર્ષથી ટેક ઇન્ડસ્ટ્રીમાં એક સૂત્ર ગુંજી રહ્યું છે... 'AI ટૂંક સમયમાં સોફ્ટવેર એન્જિનિયરોની જગ્યા લઈ લેશે અને કંપનીઓનો ખર્ચ અડધો થઈ જશે.' આ વચને શેરબજારને આસમાને પહોંચાડી દીધું, કંપનીઓએ મોટા પાયે છટણી કરી અને કરોડો રૂપિયા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કર્યા. પરંતુ, જ્યારે આ ટૂલ્સને કામ પર લગાવવામાં આવ્યા, ત્યારે જે ઇન્વોઇસ સામે આવ્યું, તેણે દિગ્ગજ કંપનીઓને હચમચાવી દીધી. 1 લાખ એન્જિનિયરોને 'ક્લાઉડ કોડ'નો એક્સેસ આપ્યો' સૌથી મોટો ઝટકો માઇક્રોસોફ્ટને લાગ્યો. કંપનીએ એન્થ્રોપિક (AI ક્ષેત્રે કામ કરતી અમેરિકાની અગ્રણી અને શક્તિશાળી AI રિસર્ચ અને ટેકનોલોજી કંપની)માં 48 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને તેના 1 લાખ એન્જિનિયરોને 'ક્લાઉડ કોડ'નો એક્સેસ આપ્યો. ‘ક્લાઉડ કોડ’ એન્થ્રોપિક કંપનીનું એક સ્પેશિયલ AI ટૂલ છે, જે સૉફ્ટવેર એન્જિનિયરોને ખૂબ જ ઝડપથી કમ્પ્યુટર કોડ લખવામાં, ભૂલો (બગ્સ) સુધારવામાં અને મોટી એપ્લિકેશન્સ બનાવવામાં મદદ કરે છે. કંપનીઓને ઉત્પાદકતા વધવાની આશા હતી, પરંતુ AIએ જનરેટ કરેલા દરેક શબ્દ પર ફરજિયાત બિલ ચૂકવવાની મજબૂરીએ ખર્ચને બેકાબૂ બનાવી દીધો. આ કારણોસર જૂન સુધીમાં તમામ લાઇસન્સ રદ કરવામાં આવ્યા અને એન્જિનિયરોને માઇક્રોસોફ્ટના ઇન-હાઉસ ટૂલ પર શિફ્ટ થવું પડ્યું. માત્ર 2 કલાકના ડેમોમાં ₹1.1 લાખ ઉડ્યા ઉબર (ઓનલાઇન ટેક્સી સર્વિસ કંપની)એ ડિસેમ્બર 2025માં તેના 5,000 એન્જિનિયરોને 'ક્લાઉડ કોડ' આપ્યો. 84% ડેવલપર્સ તેનો ઉપયોગ કરવા લાગ્યા અને 70% કોડ AIમાંથી આવવા લાગ્યા. પરિણામે, એન્જિનિયરો દર મહિને 47 હજારથી 1.9 લાખ રૂપિયાનું વ્યક્તિગત બિલ બનાવવા લાગ્યા. એક CTO એ તો બે કલાકના ડેમોમાં 1.1 લાખ રૂપિયા ખર્ચ કરી દીધા. એપ્રિલ સુધીમાં જ ઉબરે 2026નું આખું AI બજેટ ખતમ કરી દીધું. કર્મચારીઓના પગાર કરતાં AIનો ખર્ચ વધ્યો આખી દુનિયામાં એઆઈ માટે વપરાતા સૌથી એડવાન્સ જીપીયુ બનાવતી એકમાત્ર કંપની અને વૈશ્વિક એઆઈ ચિપ માર્કેટ પર 80% થી વધુ કંટ્રોલ ધરાવતી કંપની એનવીડિયા એ પણ સ્વીકાર્યું કે, તેમની ટીમ માટે કમ્પ્યુટિંગનો ખર્ચ કર્મચારીઓના પગાર કરતાં વધી ગયો છે. ખરેખર, સામાન્ય AI લગભગ મફત થઈ ગયું છે, પરંતુ ગંભીર કોડિંગ માટે ઉપયોગમાં લેવાતા ટોપ-ટિયર AIના ભાવ સતત વધી રહ્યા છે. ઓપનએઆઈએ નવું મોડેલ બમણા ભાવે રજૂ કર્યું, જ્યારે એન્થ્રોપિકે ટેક્સ્ટ ગણવાની રીત બદલી નાખી, જેનાથી બિલ વધવા લાગ્યું છે. AIમાં આગળ વધવાની લ્હાયમાં હજારો કર્મચારીઓને છૂટા કરાયા ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં કર્મચારીઓની છટણી પર નજર રાખતી લેઓફ ડોટ એફવાયઆઈ (વેબસાઇટ) અનુસાર, આ વર્ષે 98 કંપનીઓએ 92 હજારથી વધુ કર્મચારીઓ ઘટાડવાનો ઇરાદો જાહેર કર્યો છે. માઇક્રોસોફ્ટે અમેરિકામાં પોતાના 7% કર્મચારીઓને, ખાસ કરીને સીનિયર અધિકારીઓને વહેલા નિવૃત્તિનો પ્રસ્તાવ આપ્યો છે, જ્યારે મેટાએ પોતાના 10% (8 હજાર) કર્મચારીઓ ઘટાડવાની જાહેરાત કરી છે. AIના વધતા પ્રભાવ પર માઈક્રોસોફ્ટની મોટી ચેતવણી AI ના વધતા પ્રભાવ અને છટણી વચ્ચે, માઇક્રોસોફ્ટ (MS) AIના CEO મુસ્તફા સુલેમાને મોટી ચેતવણી આપી હતી. તેમના મતે, '12-18 મહિનામાં ઓફિસોની મોટાભાગની વ્હાઇટ કોલર નોકરીઓની જગ્યા AI લઈ લેશે. આ અસર માત્ર સોફ્ટવેર એન્જિનિયરો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ વકીલો, એકાઉન્ટન્ટ્સ, પ્રોજેક્ટ મેનેજરો અને માર્કેટિંગ પ્રોફેશનલ્સ પણ તેની ઝપેટમાં આવશે.' સુલેમાને કહ્યું કે, 'કમ્પ્યુટર પર કરવામાં આવતા લગભગ તમામ કામ દોઢ વર્ષમાં ઓટોમેટેડ થઈ જશે. 2-3 વર્ષમાં AI એજન્ટો મોટી સંસ્થાઓના કામકાજને વધુ સારી રીતે સંભાળશે. આ ટૂલ્સ સમય જતાં પોતાને અપડેટ કરશે અને સ્વતંત્ર નિર્ણયો લેશે.' સુલેમાન અનુસાર, 'ભવિષ્યમાં AI મોડેલ બનાવવું બ્લોગ લખવા જેટલું સરળ હશે.' 'ઓરેકલ'એ 30,000 કર્મચારીઓને રાતોરાત છૂટા કરી દીધા હતા ઉપરાંત 1 એપ્રિલ 2026ના રોજ દુનિયાના છઠ્ઠા સૌથી અમીર ઉદ્યોગપતિ લેરી એલિસનની ટેક કંપની 'ઓરેકલ'એ લગભગ 30,000 કર્મચારીઓને છૂટા કરી દીધા હતા, જેમાં ભારતના 12,000 કર્મચારીઓનો સમાવેશ થતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની ટૂંક સમયમાં છટણીનો બીજો રાઉન્ડ પણ શરૂ કરી શકે છે. કર્મચારીઓને સવારે 6 વાગ્યે ઇનબોક્સમાં ટર્મિનેશન લેટર મળ્યા હતા. તેમાં લખ્યું હતું કે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. થોડી જ મિનિટોમાં તેમની સિસ્ટમ એક્સેસ બંધ કરી દેવામાં આવી હતી. 'બીબીસી'ના એક રિપોર્ટમાં સિનિયર કર્મચારીઓના હવાલાથી જણાવાયું હતું કે, કંપની AIમાં ભારે રોકાણ કરી રહી છે, જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. ઓરેકલ આંતરિક રીતે AI ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે. તેની મદદથી ઓછા કર્મચારીઓ વધુ કામ કરી શકે છે. બેઝોસ બોલ્યા- આ સંકટ નથી ‘AI બબલ’ના ડરને નકારી કાઢતા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે કહ્યું કે, 'આ સંકટ નથી, પરંતુ ‘સદીમાં એકવાર મળતી સૌથી મોટી તક’ છે.' જ્યારે, સોફ્ટબેંકના પ્રમુખ માસાયોશી સન 9.5 લાખ કરોડ રૂપિયાનું નવું AI ફંડ ‘પ્રોજેક્ટ ઇઝા નાગી’ લોન્ચ કરી રહ્યા છે. તેમનો તર્ક છે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ થોડા વર્ષોમાં માનવીય મગજ કરતાં 10 ગણું વધુ સ્માર્ટ બની જશે. AIમાં બિગ ટેકનું મહારોકાણ...એન્થ્રોપિકની બાદશાહત માઇક્રોસોફ્ટ, ગૂગલ, મેટા અને એમેઝોન આ વર્ષે AI ઇન્ફ્રા પર રેકોર્ડ 69 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. ગાર્ટનર અનુસાર, વૈશ્વિક AI ખર્ચ 240 લાખ કરોડ રૂપિયા થઈ જશે. માઇક્રોસોફ્ટનો AI બિઝનેસ 3.53 લાખ કરોડના રન રેટ (અંદાજિત નફો) પર છે, જ્યારે ગૂગલનો ક્લાઉડ બેકલોગ 43.93 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. એન્થ્રોપિકે આ વર્ષે 2.86 લાખ કરોડના બે ફંડિંગ રાઉન્ડ પૂરા કર્યા, જેનાથી વેલ્યુએશન 86 લાખ કરોડ થઈ ગયું છે. જ્યારે રિલાયન્સ ગ્રુપ 7 વર્ષમાં ભારતના AI ઇન્ફ્રા પર ₹10 લાખ કરોડનું રોકાણ કરશે. એક કોલ અને AI કાયદો ધ્વસ્ત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ એવા સરકારી આદેશ પર હસ્તાક્ષર કરવાના હતા, જેના હેઠળ સરકારને શક્તિશાળી AI મોડેલના લોન્ચિંગ પહેલાં 90 દિવસ સુધી તેની સુરક્ષા તપાસનો અધિકાર મળતો. આ માટે ટેક દિગ્ગજો (ઓલ્ટમેન, પિચાઈ, નડેલા) વોશિંગ્ટન પહોંચી ચૂક્યા હતા. પરંતુ છેલ્લી ઘડીએ, ટ્રમ્પના પૂર્વ સલાહકાર અને 449 AI કંપનીઓમાં ભાગીદાર ડેવિડ સાક્સે રાષ્ટ્રપતિને ફોન કર્યો અને દલીલ કરી કે નિયમોથી AI ડેવલપમેન્ટ ધીમું પડશે અને ચીન બાજી મારી જશે. મસ્ક-ઝકરબર્ગે પણ આ જ દબાણ બનાવ્યું. પરિણામે ટ્રમ્પે આદેશ રદ કરી દીધો. ચોંકાવનારી વાત એ છે કે કાયદો સ્વૈચ્છિક હતો, તેમ છતાં ટેક દિગ્ગજોએ માત્ર 12 કલાકમાં મહિનાઓની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ પલટાવી દીધી. નોલેજ પાર્ટ- AI બબલ શું છે? 'AI બબલ' (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ફુગ્ગો) એ અર્થશાસ્ત્ર અને ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતો શબ્દ છે, જેનો અર્થ થાય છે કે, કોઈ નવી ટેકનોલોજીની વાસ્તવિક ક્ષમતા કરતાં બજારમાં તેની પાછળ અતિશય વધારે પડતો દેખાડો, ઉત્સાહ અને હાઇપ ઊભો કરવામાં આવ્યો છે, જેના કારણે તેમાં આંધળું રોકાણ થઈ રહ્યું છે.
Read Original Article →