5 મહિના સુધી જોયા અખ્તરની ઓફિસ લૂંટાતી રહી!:ત્રણ લોકોએ મળીને 66 હાર્ડ ડિસ્ક ગાયબ કરી, ઓફિસ બોયે 15 હજારમાં વેચી દીધો કરોડોનો ડેટા

Entertainment5/26/2026, 7:35:35 AM
5 મહિના સુધી જોયા અખ્તરની ઓફિસ લૂંટાતી રહી!:ત્રણ લોકોએ મળીને 66 હાર્ડ ડિસ્ક ગાયબ કરી, ઓફિસ બોયે 15 હજારમાં વેચી દીધો કરોડોનો ડેટા
બોલિવૂડના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસર ઝોયા અખ્તર અને રીમા કાગતીના પ્રોડક્શન હાઉસ ‘ટાઈગર બેબી ડિજિટલ LLP’માંથી કરોડો રૂપિયાનો કિંમતી ડેટા ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈના બાંદ્રા વેસ્ટ સ્થિત ઓફિસમાંથી ફિલ્મો અને વેબ સિરીઝના ડેટા ધરાવતી 66 હાર્ડ ડિસ્ક રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. આ મામલે બાંદ્રા પોલીસે મોહમ્મદ શાહિદ, અઝીમ ખાન અને રિતેશ નામના શખ્સો સામે એફઆઈઆર (FIR) નોંધી મુખ્ય આરોપી શાહિદની ધરપકડ કરી લીધી છે. કરોડોની કિંમતનો ડેટા ચોરાયો! ચોરાયેલી 66 હાર્ડ ડિસ્કની બજાર કિંમત અંદાજે 13 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે, પરંતુ તેમાં રહેલા ડેટાની કિંમત અમૂલ્ય છે. આ હાર્ડ ડિસ્ક 16 TBથી લઈને 72 TB સુધીની હાઇ ક્વોલિટી સ્ટોરેજ ડિવાઈસ હતી. પ્રોડક્શન હાઉસ પાસે કુલ 119 હાર્ડ ડિસ્ક હતી, જેમાંથી 66 ડિસ્ક ગાયબ છે. આ ચોરીનો ખુલાસો 21 મેના રોજ થયો હતો જ્યારે ઓફિસના કર્મચારીઓ કામ માટે હાર્ડ ડિસ્ક શોધી રહ્યા હતા. કબાટો ખાલી જોતા કંપનીએ આંતરિક તપાસ શરૂ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 'મેડ ઈન હેવન' અને 'ગોસ્ટ સ્ટોરીઝ' જેવી મોટી સિરીઝનો ડેટા ગાયબ કંપનીની એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ અને એચઆર એડમિનિસ્ટ્રેટર મેહજબીન મુશ્તાક શેખની ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે. ગાયબ થયેલી હાર્ડ ડિસ્કમાં સુપરહિટ વેબ સિરીઝ 'મેડ ઈન હેવન', 'ગોસ્ટ સ્ટોરીઝ', 'નાયકા અભિયાન' અને 'ગાંધી મની' જેવા મોટા પ્રોજેક્ટ્સના રો-ફૂટેજ, બેકઅપ ફાઈલો અને મહત્વનો ડેટા સામેલ હતો. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે જો આ અનરિલીઝ્ડ ડેટા ઓનલાઈન લીક થઈ જાય, તો પ્રોડક્શન હાઉસને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ઓફિસ બોય જ નીકળ્યો 'ઘરભેદુ', 15-20 હજારમાં વેચી દીધી ડિસ્ક પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલો આરોપી મોહમ્મદ શાહિદ આ જ ઓફિસમાં 'ઓફિસ બોય' તરીકે કામ કરતો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી હાર્ડ ડિસ્કની દેખરેખ રાખતો હતો. પૂછપરછ દરમિયાન શાહિદે કબૂલાત કરી છે કે તેણે છેલ્લા 5 મહિનામાં ધીમે-ધીમે કરીને આ હાર્ડ ડિસ્ક ચોરી કરી હતી. શાહિદે પોલીસને જણાવ્યું કે તેણે બોરીવલીના રહેવાસી રિતેશ નામના વ્યક્તિને 24 હાર્ડ ડિસ્ક આશરે 15,000થી 20,000 રૂપિયા પ્રતિ ડિસ્કના ભાવે વેચી દીધી હતી. જો કે, બાકીની હાર્ડ ડિસ્ક ક્યાં છે તે અંગે તે હજુ સ્પષ્ટ માહિતી આપી શક્યો નથી. બાંદ્રા પોલીસ હાલ આ રેકેટમાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે. ઝોયા અખ્તરના પ્રોડક્શન હાઉસ વિશે ટાઇગર બેબી ફિલ્મ્સ એક ભારતીય ફિલ્મ પ્રોડક્શન કંપની છે જેની માલિકી ફિલ્મ નિર્માતાઓ ઝોયા અખ્તર અને રીમા કાગતી છે. આ કંપનીની સ્થાપના ઓક્ટોબર 2015માં થઈ હતી અને તેણે રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ગલી બોય’ સાથે શરૂઆત કરી હતી. આ પ્રોડક્શન હાઉસે ‘મેડ ઇન હેવન’ જેવા લોકપ્રિય વેબ શોને પણ ટેકો આપ્યો છે. ઝોયા અખ્તર ઘણીવાર ભાઈ ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે સહયોગ કરે છે અને સાથે મળીને તે ‘દહાદ’, ‘ખો ગયે હમ કહાં’, ‘ધ આર્ચીઝ’, ‘સુપરબોય ઓફ માલેગાંવ’ સહિતના પ્રોજેક્ટ્સનું કો-પ્રોડક્શન કર્યું છે.
Read Original Article →