ડ્રગ્સનું વ્યસન છોડાવવામાં હની સિંહને ટાલ પડી ગઈ:વિગ પહેરતો હોવાનો ખુલાસો; બાયપોલર ડિસઓર્ડરની સારવાર દરમિયાન 7 વર્ષ સુધી ઘરમાં ગોંધાઈ રહ્યો

Entertainment5/27/2026, 10:18:12 AM
ડ્રગ્સનું વ્યસન છોડાવવામાં હની સિંહને ટાલ પડી ગઈ:વિગ પહેરતો હોવાનો ખુલાસો; બાયપોલર ડિસઓર્ડરની સારવાર દરમિયાન 7 વર્ષ સુધી ઘરમાં ગોંધાઈ રહ્યો
ગાયક અને રેપર યો યો હની સિંહે તેના સ્વાસ્થ્ય અને અંગત જીવન વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં, તેણે ખુલાસો કર્યો કે બાયપોલર ડિસઓર્ડર અને ડ્રગના વ્યસન સામેની લડાઈ દરમિયાન ભારે દવાઓની આડઅસરોને કારણે, તેને સંપૂર્ણપણે ટાલ પડી ગઈ છે અને હવે તે વિગ પહેરે છે. માનસિક તણાવના દિવસો યાદ કરતાં, હની સિંહે જણાવ્યું કે, તે સાત વર્ષ સુધી ઘરમાં જ રહ્યો હતો, જેમાંથી ત્રણ વર્ષ તેણે ફક્ત તેના બેડરૂમમાં જ વિતાવ્યા હતા. હવે, તે બીમારીમાંથી સાજો થઈ ગયો છે અને ઇન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું છે. દવાઓની આડઅસરને કારણે બધા વાળ ખરી પડ્યા દિલ્હીમાં જન્મેલા 43 વર્ષીય હૃદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહ તાજેતરમાં 'AB Talks' પોડકાસ્ટ પર દેખાયો હતો. આ વાતચીતમાં, તેણે પોતાની બીમારી અને તેની સારવારની અસરો વિશે ખૂલીને ચર્ચા કરી. હની સિંહે ખુલાસો કર્યો કે, લાંબા સમય સુધી ભારે દવાઓના કારણે તેનું વજન 105 કિલો થઈ ગયું હતું. આ સારવારની આડઅસરને કારણે તેના માથાના બધા વાળ ખરી પડ્યા હતા. રેપરે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે, તેના માથા પર દેખાતા વાળ અસલી નથી, પરંતુ તે વિગનો ઉપયોગ કરે છે. તેણે સ્વીકાર્યું કે, 2014માં ડ્રગ્સ છોડ્યા પછી પણ, સ્વસ્થ થવાની યાત્રા લાંબી અને પીડાદાયક હતી. 'મને લાગતું હતું કે હું મરી ગયો છું' 2018 અને 2019ના મુશ્કેલ સમયને યાદ કરતાં હની સિંહે કહ્યું કે, તેને સતત એવો ભ્રમ થતો હતો કે તે મરી ગયો છે અને સ્વર્ગ અને નર્કની વચ્ચે ક્યાંક ફસાયેલો છે. જ્યારે તેની માતા તેને ભોજન આપતી, ત્યારે તેને લાગતું કે આ તેનું છેલ્લું ભોજન છે. તેણે કહ્યું કે તે સાત વર્ષથી એક જ દવા લઈ રહ્યો હતો, જેનાથી કોઈ સુધારો દેખાતો ન હતો. આ પછી તેણે ઘરની બહાર નીકળીને ડૉક્ટર બદલવાનું નક્કી કર્યું. નવા ડૉક્ટરે દવાઓના ડોઝમાં ફેરફાર કર્યો અને કેટલીક નવી દવાઓ શરૂ કરી, જેના પછી માત્ર ચાર અઠવાડિયામાં તેની સ્થિતિ સુધરવા લાગી અને તે લોકોને મળવા લાગ્યો. શાહરુખ ખાનના યુએસ પ્રવાસ દરમિયાન આવ્યો હતો પહેલો હુમલો સિંગરે ખુલાસો કર્યો કે, જ્યારે તે તેની કારકિર્દીના શિખર પર હતો, ત્યારે આ બીમારી શરૂ થઈ હતી. તે મુંબઈમાં એક મ્યુઝિક રિયાલિટી શો કરી રહ્યો હતો અને એક્ટર શાહરુખ ખાન સાથે યુએસ પ્રવાસ પર હતો. શિકાગોમાં રહેતા હતા, ત્યારે તેને પહેલીવાર મૃત્યુના ભ્રમિત વિચારો આવવા લાગ્યા. ડરના કારણે તેણે અડધું માથું મુંડાવી દીધું હતું, ત્યારબાદ મેકર્સે તેને ટોપી પહેરવાની સલાહ આપી હતી. જ્યારે શાહરુખ ખાને ફોન કર્યો, ત્યારે તેણે કહ્યું કે તે સીધો સ્ટેજ પર મળશે. પરંતુ ગભરામણ એટલી તીવ્ર હતી કે તેણે માત્ર બે ગીતો ગાયા અને શો અધવચ્ચે છોડી દીધો. સાત વર્ષ સુધી ઘરમાં પુરાઈ રહ્યો, ડરના કારણે બાથરૂમનો દરવાજો પણ ખુલ્લો રાખતો હતો અમેરિકા ટૂર પરથી પાછા ફર્યા બાદ હની સિંહ લગભગ સાત વર્ષ સુધી પોતાના ઘરમાં જ બંધ રહ્યો હતો. તેણે જણાવ્યું કે, તે નહોતો ઈચ્છતો કે તેના ચાહકો તેને તે હાલતમાં જુએ. તેણે મિત્રોને મળવાનું અને ફોન પર વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. તેણે ટીવી અને ઇન્ટરનેટથી પણ સંપૂર્ણપણે અંતર બનાવી લીધું હતું. બાયપોલર ડિસઓર્ડર અને ખરાબ વિચારોના ડરને કારણે તે ત્રણ વર્ષ સુધી પોતાના બેડરૂમમાંથી બહાર નહોતો નીકળ્યો. તેનો ડર એટલો હતો કે, તે નહાતી વખતે પણ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખતો હતો. ગીતો અને મ્યુઝિક આલ્બમ્સ સાથે ધમાકેદાર વાપસી 2010ના દાયકામાં ભારતીય પોપ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર રાજ કરનાર હની સિંહ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને તેણે કમબેક કર્યું છે. બે વર્ષ પહેલાં 2024માં, તેણે તેની નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી 'ફેમસ'માં તેના આ મુશ્કેલ દિવસોની કહાણી પણ વર્ણવી હતી. હવે, તે 'મખના' અને 'મિલેનિયલ' જેવા ગીતો અને 'હની 3.0' અને 'ગ્લોરી' જેવા મ્યુઝિક આલ્બમ્સ દ્વારા મ્યુઝિક ચાર્ટ્સ પર અને ચાહકોમાં પોતાની ઓળખ ફરી સ્થાપિત કરી રહ્યો છે.
Read Original Article →