'હું જેલમાં મરવા માંગતો નથી':ગુજ્જુ ડિરેક્ટર વિક્રમ ભટ્ટે કેદનો કડવો અનુભવ વર્ણવ્યો, કહ્યું-'દિવસો પીડામાં પસાર થયા અને રાતો તાવમાં'

Entertainment4/15/2026, 5:52:43 AM
'હું જેલમાં મરવા માંગતો નથી':ગુજ્જુ ડિરેક્ટર વિક્રમ ભટ્ટે કેદનો કડવો અનુભવ વર્ણવ્યો, કહ્યું-'દિવસો પીડામાં પસાર થયા અને રાતો તાવમાં'
30 કરોડની છેતરપિંડીના આરોપમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી જેલમાં રહેલા ગુજ્જુ ફિલ્મમેકર વિક્રમ ભટ્ટે જેલના પીડાદાયક દિવસોને યાદ કર્યા છે. ફિલ્મમેકરના કહેવા મુજબ, તેને કડકડતી ઠંડીને કારણે તીવ્ર તાવ આવ્યો હતો, તે દર્દથી કણસી રહ્યો હતો, પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીઓ તેને ડોક્ટર પાસે પણ લઈ ન ગયા. જેલના કેદીઓએ જ મદદ કરી હતી. આવા સમયે તે ભગવાનને સતત કહેતો હતો કે તે જેલમાં મરવા માંગતો નથી. વિક્રમ ભટ્ટે જેલના દિવસોને યાદ કરીને સોશિયલ મીડિયા પર લખ્યું કે, પાવર ઓફ પ્રેયર્સ. (પ્રાર્થનાની તાકાત) ઉદયપુર જેલમાં મારી કેદના લગભગ ત્રણ અઠવાડિયા પછી, જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં, એક રાત્રે હું બેરેક નંબર 10 માં તીવ્ર તાવ સાથે ધ્રૂજી ઉઠ્યો. ચાર ધાબળા ઓઢ્યા પછી પણ એવું લાગતું હતું કે, શરીર પર કંઈ જ નથી. પાસે સૂતેલા કેદીઓએ મારા માટે વધુ ધાબળા ભેગા કર્યા. મેં પેરાસિટામોલ લીધી અને વિચાર્યું કે હું ઠીક થઈ જઈશ. પરંતુ એવું ન થયું. સવારે હું જેલની હોસ્પિટલ ગયો. ત્યાં થર્મોમીટર પણ નહોતું. તેમણે ઓક્સિજન તપાસી અને કહ્યું કે બધું બરાબર છે. 'હું પીડામાં કણસતો રહ્યો, પણ મને હોસ્પિટલ ન લઈ જવાયો' ફિલ્મમેકરે આગળ લખ્યું, ‘મેં કહ્યું, આ મજાક છે કે શું? મને એક્સિયલ સ્પોન્ડિલોઆર્થરાઇટિસ છે, જે એક ઓટોઇમ્યુન બીમારી છે, અને મારા માટે તીવ્ર તાવ ખતરનાક હોઈ શકે છે. આખરે ડોક્ટરે મને બહાર હોસ્પિટલ લઈ જવા માટે એક નોટ લખી આપી. પરંતુ કોઈ આવ્યું જ નહીં. પહેલા પોલીસ એક VIPની સુરક્ષામાં વ્યસ્ત હતી. પછી એક આદિવાસી મેળામાં. દિવસોદિવસ હું બેરેકમાં રાહ જોતો રહ્યો. મારા દિવસો પીડામાં પસાર થતા હતા, અને રાતો તાવમાં.’ 'મારા બાળકો, પત્ની અને પિતાને મારી જરૂર છે' ફિલ્મમેકરે ભાવુક થઈને આગળ લખ્યું, 'એક સમય એવો આવ્યો જ્યારે મને સમજાઈ ગયું કે, હું ક્યાંય જઈ રહ્યો નથી. તો મેં તે જ કર્યું, જે હું કરી શકતો હતો. મેં તેલ અને મીઠું ખાવાનું બંધ કરી દીધું, જેટલું બની શકે તેટલું પાણી પીધું, અને બેરેકમાં લાગેલી દેવીની એક મોટી તસવીર સામે બેસી ગયો. અને મેં પ્રાર્થના કરી. મેં કહ્યું, 'જો તમે છો, જો મારી પ્રાર્થનાઓનો ક્યારેય કોઈ અર્થ રહ્યો હોય, તો મને એક ચમત્કાર બતાવો. હું અહીં મરવા માંગતો નથી. મારા બાળકોને મારી જરૂર છે. મારી પત્નીને મારી જરૂર છે. મારા 90 વર્ષના પિતાને મારી જરૂર છે.'' છેવટે ફિલ્મમેકરે લખ્યું, ‘દરરોજ હું પ્રાર્થના કરતો રહ્યો. અને ધીમે ધીમે, કંઈક બદલાવા લાગ્યું. તાવ ઓછો થવા લાગ્યો. પીડા ધીમે ધીમે ઓછી થવા લાગી. દિવસે દિવસે હું સાજો થવા લાગ્યો. એક સવારે મેં દેવી તરફ જોયું અને બસ એટલું કહ્યું, 'મને મારું જીવન પાછું આપવા બદલ આભાર.'' જેલ અધિકારીઓ પર બેદરકારી દાખવવાના આરોપો લગાવ્યા પોતાની પોસ્ટમાં વિક્રમ ભટ્ટે જેલ પ્રશાસન પર બેદરકારી દાખવવાના પણ આરોપો લગાવ્યા છે. તેણે લખ્યું છે કે, ફરિયાદ કર્યાના 15 દિવસ પછી પોલીસકર્મીઓ મને હોસ્પિટલ લઈ જવા આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હું સાજો થઈ ચૂક્યો હતો. આના પર મેં પોલીસકર્મીઓને કહ્યું હતું, 'સાહેબ, તમે લગભગ 15 દિવસ મોડા આવ્યા છો. કદાચ તમે મારા ભૂતને જોવા આવ્યા છો.' 'જ્યારે મેં અધિકારીને પૂછ્યું કે, જો આ ઇમરજન્સી હોત, તો તમે શું કરત? જવાબ મળ્યો, 'ઓહ, ત્યારે અમે તમને જેલ ગાર્ડ્સ સાથે મોકલી દેત.'' આના પર વિક્રમ લખે છે, ‘તેઓ મને પહેલા પણ મોકલી શક્યા હોત. કદાચ તેમણે મોકલ્યો નહીં. અથવા કદાચ ભગવાન મને પહેલા કંઈક શીખવવા માંગતા હતા. એટલે જ્યારે લોકો કહે છે કે, ભગવાન નથી, તો હું દલીલ કરતો નથી. હું બસ સ્મિત કરું છું. કારણ કે કેટલાક ચમત્કારો ફક્ત તેને જ દેખાય છે, જેને તેની સૌથી વધુ જરૂર હોય છે.’ અઢી મહિના જેલમાં રહ્યા, જાણો શું હતો વિવાદ રાજસ્થાનના ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના માલિક ડો. અજય મુરડિયાએ 17 નવેમ્બરે વિક્રમ ભટ્ટ સહિત 8 લોકો વિરુદ્ધ 30 કરોડની છેતરપિંડીની FIR ઉદયપુરમાં નોંધાવી હતી. ડૉ. અજય મુરડિયાનો આરોપ છે કે, એક ઇવેન્ટમાં તેમની મુલાકાત દિનેશ કટારિયા સાથે થઈ હતી. દિનેશ કટારિયાએ તેમને પત્નીની બાયોપિક બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સિલસિલામાં દિનેશ કટારિયાએ 24 એપ્રિલ 2024ના રોજ મુંબઈ સ્થિત વૃંદાવન સ્ટુડિયો બોલાવ્યા હતા. કટારિયાએ તેમને વિક્રમ ભટ્ટ સાથે મળાવ્યા, જ્યાં ભટ્ટ સાથે બાયોપિક બનાવવા પર ચર્ચા થઈ હતી. થોડા દિવસ પછી વિક્રમ અને શ્વેતાંબરી ભટ્ટે ડૉક્ટર અજય મુરડિયાને કહ્યું- 7 કરોડ રૂપિયા અને ફાઇનાન્સ કરીને તેઓ 4 ફિલ્મો 47 કરોડમાં બનાવી શકે છે. આ ફિલ્મોની રિલીઝથી 100 થી 200 કરોડ રૂપિયા સુધીનો નફો થશે. ત્યારબાદ તેમના સ્ટાફમાં અમનદીપ મનજીત સિંહ, મુદિત, ફરઝાના આમિર અલી, અબજાની, રાહુલ કુમાર, સચિન ગરગોટે, સબોબા ભીમાના અડકરીના નામના એકાઉન્ટમાં 77 લાખ 86 હજાર 979 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. આ રીતે 2 કરોડ 45 લાખ 61 હજાર 400 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. જ્યારે ઇન્દિરા એન્ટરટેઇનમેન્ટ દ્વારા 42 કરોડ 70 લાખ 82 હજાર 232 રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું, જ્યારે ચાર ફિલ્મોનું નિર્માણ 47 કરોડમાં કરવાનું નક્કી થયું હતું.
Read Original Article →