સાઉથ એક્ટર ભરત કાંત અને સિનેમેટોગ્રાફરનું મોત:ટ્રક સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત; 'બિગ બોસ' ફેમ આશુ રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું
તેલુગુ એક્ટર ભરત કાંતનું હૈદરાબાદમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું. આ અકસ્માતમાં સિનેમેટોગ્રાફર જી. સાઈ ત્રિલોકનો પણ જીવ ગયો. આ દુર્ઘટના આદિબાટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઉટર રિંગ રોડ (ORR) ના એક્ઝિટ નંબર 12 નજીક થઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પોલીસે જણાવ્યું કે, 'અકસ્માત રવિવારે મોડી રાત્રે થયો હતો, જ્યારે કાર પાછળથી એક ટ્રક સાથે અથડાઈ હતી. ઘટના બાદ પોલીસે કેસ નોંધી લીધો છે અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.' આદિબાટલા પોલીસે જણાવ્યું કે, ‘અકસ્માતના કારણોની તપાસ ચાલુ છે.’ ભરત કાંતે 2021ની ફિલ્મ 'ગ્રામમ' અને 2024ની ફિલ્મ 'ટેનન્ટ'માં કામ કર્યું હતું. ભરત કાંતના નિધન પર આશુ રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું 'બિગ બોસ' ફેમ અને ટીવી એક્ટ્રેસ આશુ રેડ્ડીએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને ભરત કાંતના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ભરત કાંત તેના નજીકના મિત્ર હતા. આશુ રેડ્ડીએ ઇન્સ્ટાગ્રામ પર ભરત સાથેની પોતાની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા. તેણે લખ્યું, 'તારા વિના જે ખાલીપો આવ્યો છે, તે ક્યારેય ભરાશે નહીં. તું હંમેશા મારા હૃદયમાં રહીશ.' તેણે એક અન્ય પોસ્ટમાં લખ્યું, 'મને તારા નિધનના સમાચાર પર વિશ્વાસ નથી થઈ રહ્યો. કાશ આ સાચું ન હોત. આપણે બંનેએ સાથે જે પળો વિતાવી અને જે પ્રેમ તે મને આપ્યો, તેને હું ક્યારેય નહીં ભૂલું. તારા જવાનું દુઃખ ક્યારેય ઓછું નહીં થાય. તું હંમેશા અમારા હૃદયમાં રહિશ.'
Read Original Article →