સાઉથ એક્ટર દિલીપ રાજનું હાર્ટ એટેકથી નિધન:47 વર્ષના એક્ટરને ગોવા ટ્રિપમાં છાતીમાં દુખાવો થયો, બેંગ્લુરું પાછા ફરીને ટેસ્ટ કરાવવાના હતા
સાઉથના લોકપ્રિય એક્ટર દિલીપ રાજનું મંગળવારે સવારે નિધન થયું છે. 47 વર્ષીય એક્ટરના નિધનનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવી રહ્યું છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, એક્ટરને બેંગ્લોરમાં આવેલા તેમના ઘરે સવારે છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો. પરિવાર દ્વારા તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉકટરોએ તેમને મૃત જાહેર કર્યા. રિપોર્ટ અનુસાર, થોડા દિવસો પહેલા જ દિલીપ રાજ ગોવા ટ્રિપ પર ગયા હતા. ટ્રિપ દરમિયાન એક્ટરને વારંવાર છાતીમાં દુખાવો થયો હતો. ત્યારે તેમણે તેને ગંભીરતાથી લીધું ન હતું. તેઓ ઘરે પાછા ફરીને ટેસ્ટ કરાવવાના હતા. પરંતુ તે પહેલા જ એક્ટરનું નિધન થયું. એક્ટરના નિધનના સમાચાર મળ્યા બાદ તેમની સાથે ફિલ્મ ‘મોકટેલ 3’માં જોવા મળેલી એક્ટ્રેસ શ્વેતા પ્રસાદે સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું, “દિલીપ રાજના નિધનના ચોંકાવનારા સમાચાર સાંભળીને ઊંઘ ખુલી. હજુ પણ વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે. અમારી દરેક વાતચીત તેમની પત્ની અને બંનેના એકબીજા પ્રત્યેના પ્રેમ વિશે જ થતી હતી.” દિલીપ રાજને બે દીકરીઓ પણ છે. 2 સપ્ટેમ્બર 1978ના રોજ દિલીપ રાજનો જન્મ બેંગ્લોરમાં થયો હતો. ડાન્સમાં રુચિ હોવાને કારણે તેઓ કોલેજના દિવસોમાં જ ડાન્સ ગ્રુપનો ભાગ બની ગયા હતા. આગળ તેમણે સપોર્ટિંગ એક્ટર તરીકે કન્નડ સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા. ટીવીમાં સફળતા મેળવ્યા પછી દિલીપે 2005ની ફિલ્મ ભાઈ ફ્રેન્ડથી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. તેમણે લગભગ 24 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં મિલાના, યુ ટર્ન, ટ્રેડમિલનો સમાવેશ થાય છે.
Read Original Article →