''કાલા હિરણ'માં સલમાનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હતો':એક્ટર સોનુ મિશ્રાનો દાવો, 'પહેલાં મને ફિલ્મમાં કાસ્ટ કરાયો હતો, પક્ષપાતી લાગતાં પ્રોજેક્ટ છોડ્યો'
ફિલ્મ ‘કાલા હિરણ’ને લઈને એક્ટર સોનુ મિશ્રાએ દાવો કર્યો છે કે ફિલ્મમાં સલમાન ખાનનો કિરદાર ભજવવા માટે અગાઉ તેને પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેણે પોતે જ પ્રોજેક્ટ છોડી દીધો. યુટ્યુબ ચેનલ 'ઝલકો ચુરુ'ને આપેલા ઇન્ટરવ્યુમાં સોનુએ જણાવ્યું કે, એપ્રિલ 2026માં તેને એક કાસ્ટિંગ ડિરેક્ટરે આ ફિલ્મ માટે સંપર્ક કર્યો હતો. સલમાન ખાન સાથે જોડાયેલો પ્રોજેક્ટ હોવાને કારણે તેણે તરત જ હા પાડી દીધી. જોકે, શૂટિંગ શરૂ થયા પછી તેને લાગ્યું કે ફિલ્મમાં સલમાન ખાનને એકતરફી અને નકારાત્મક રીતે દર્શાવવામાં આવી રહ્યો છે. 'ફિલ્મનું કથાનક પક્ષપાતી હોવાથી પ્રોજેક્ટ છોડ્યો' તેણે કહ્યું, ‘મેં જોયું કે ત્યાં ફિલ્મ બનાવવાના નામે તે મોટા સ્ટાર (સલમાન)ને એકતરફી નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. તે પણ ખૂબ જ નકારાત્મક રીતે. મેં મેકર્સને કહ્યું કે, તમે મને સ્ક્રિપ્ટ બતાવો. મારો કિરદાર શું હશે, તે જણાવો. પરંતુ તેમણે મને કંઈ જણાવ્યું નહીં.’ સોનુએ દાવો કર્યો કે, કોર્ટરૂમ સીન્સ અને વકીલોની દલીલો સાંભળીને તેને લાગ્યું કે ફિલ્મનું કથાનક પક્ષપાતી છે. આ જ કારણોસર તેણે પ્રોજેક્ટથી અલગ થવાનો નિર્ણય કર્યો. સોનુએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, મેકર્સે તેને સોશિયલ મીડિયા પર શેર કરેલા શૂટિંગ વીડિયો હટાવવા કહ્યું હતું. સલમાન ખાન તરફથી મળેલ લીગલ નોટિસ ફાડી નાખી ફિલ્મ 'કાલા હિરણ'ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સલમાન ખાન તરફથી મળેલ લીગલ નોટિસ ફાડી નાખી હતી. અમિત જાનીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં તેમણે કહ્યું, દરેક જણ મને પૂછી રહ્યું છે, મીડિયા, મિત્રો, કે સલમાન ખાનની નોટિસ પર તમારે શું કહેવું છે? આ નોટિસ પર હું શું કહું? છેલ્લા 36 કલાકથી તેમની ડોંગરી, ધારાવી, જોગેશ્વરીના મુસ્લિમ છોકરાઓની ફેન ફોલોઈંગ, તેમના ટૂલકિટે મને જાનથી મારી નાખવા, મુંબઈ આવવા અને માથું વાઢી નાખવાના હજારો મેસેજ મોકલ્યા છે અને તેમના ટૂલકિટ દ્વારા એક મેસેજ, ભલે તે અસલી હોય કે નકલી, મને ખબર નથી, ડી-કંપનીના નામથી મોકલવામાં આવ્યો છે. ડી-કંપની છોડશે નહીં. જાનીએ આગળ કહ્યું કે, 'તો હું કોનો જવાબ આપું? શું હું સલમાન ખાનની ટૂલકિટ દ્વારા અપાયેલી હજારો ગાળો અને ધમકીઓનો જવાબ આપું? શું હું આ નોટિસનો જવાબ આપું?' આ પછી જાનીએ નોટિસ ફાડતા કહ્યું કે, 'આ જ તમારી નોટિસનો જવાબ છે.' તેમણે આગળ કહ્યું, હવે રહી તમારી ધમકીઓ. તમારી જે ધમકી આપતી ટૂલકિટ છે, જે ગેંગ છે, તમારા જે બદતમીઝ ફેન છે, અને ધારાવીમાં ઉછરેલા કહેવાતા ગુંડાઓ છે, અથવા તમારા તે કહેવાતા ફેન જે જોગેશ્વરી અને ડોંગરીમાં રહે છે, અને ડી-કંપની તરફથી જે પ્રકારના મેસેજ આવી રહ્યા છે કે પરિવારને ખતમ કરી દઈશું… નોટિસ, મેં તમને તમારો જવાબ આપી દીધો છે. હવે અમે ડી-કંપનીને જોઈશું. મોકલો, જેને મોકલવા હોય. જ્યારે, આ પહેલા ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરેલા વીડિયોમાં અમિત જાનીએ કહ્યું હતું કે, 'અમારી આખી ફિલ્મ સલમાન ખાનની બાયોપિક નથી. અમારી આખી ફિલ્મ સલમાન ખાનના દૃષ્ટિકોણથી નથી.' તો ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં જાનીએ કહ્યું હતું કે, ''કાલા હિરણ' બિશ્નોઈ સમાજના સંઘર્ષ, તેમના વારસા અને વન્યજીવો પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવે છે. સલમાન ખાન ફિલ્મનો માત્ર એક ભાગ છે.' 'કાલા હિરણ'ને લઈને સલમાને લીગલ નોટિસ મોકલી 'કાલા હિરણ'ને લઈને સલમાન તરફથી લીગલ નોટિસ મોકલવામાં આવી હતી. ન્યૂઝ18ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, 'સલમાન તરફથી લો ફર્મ DSK લીગલે કાસ્ટિંગ ડિરેક્ટર અક્ષય પાંડેને એક લીગલ નોટિસ મોકલી છે. આ નોટિસમાં 'કાલા હિરણ' નામની પ્રસ્તાવિત ફિલ્મના પ્રોડક્શન અને પ્રમોશનને તરત રોકવાની માંગ કરવામાં આવી છે.' 20 જૂને ટીઝર આવવાનું છે સલમાન સાથે સંકળાયેલા કાળા હરણ શિકાર કેસ પર આધારિત ફિલ્મ 'કાલા હિરણ'નું પોસ્ટર ગયા શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મનો ફર્સ્ટ લુક અને ટીઝર 20 જૂને રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં સલમાન અને ગેંગસ્ટર લોરેન્સ વચ્ચેના વિવાદને દર્શાવવામાં આવશે. જોકે, આ માહિતી સામે આવી ન હતી કે તેમાં કોણ લીડ રોલમાં છે. ત્યારે, તેના પોસ્ટરમાં જે અભિનેતા દેખાય છે, તે જાણીતો નથી. 1998માં કાળા હરણના શિકારનો કેસ સામે આવ્યો સલમાન ખાન સાથે સંકળાયેલો કાળિયાર શિકાર કેસ વર્ષ 1998માં સામે આવ્યો હતો, જ્યારે તે રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ-સાથ હૈં'નું શૂટિંગ કરી રહ્યો હતો. સલમાન વિરુદ્ધ કુલ ચાર કેસ નોંધવામાં આવ્યા હતા. આમાં બે ચિંકારા શિકાર કેસ, એક કાંકાણી કાળિયાર શિકાર કેસ અને એક આર્મ્સ એક્ટનો કેસ સામેલ હતો. કાળિયાર શિકાર કેસમાં બિશ્નોઈ સમુદાયની ફરિયાદ પર સલમાન સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસોમાં 12 ઓક્ટોબર 1998ના રોજ સલમાન ખાનની પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. એપ્રિલ 2006માં ચિંકારા શિકાર કેસોમાં સલમાનને સજા સંભળાવવામાં આવી હતી. જાન્યુઆરી 2017માં તેમને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો, જ્યારે, 5 એપ્રિલ 2018ના રોજ કાળિયાર શિકાર કેસમાં તેને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયા દંડની સજા મળી હતી. આ જ કેસમાં બાકીના કલાકારોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પછીથી સલમાનને જામીન મળી ગયા. હાલમાં આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. મે 2026માં થયેલી સુનાવણી બાદ કોર્ટે આગામી સુનાવણી 13 જુલાઈ 2026 માટે નક્કી કરી છે. સલમાન ખાન હાલમાં જામીન પર બહાર છે.
Read Original Article →