'હું ચૂપ રહ્યો...પણ હવે હદ થઈ ગઈ':રાજ કુન્દ્રાએ 60 કરોડની છેતરપિંડી કેસમાં મૌન તોડ્યું, ટ્વીટ કરી ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને ક્યારેક ફ્રોડ કેસ તો ક્યારેક અન્ય મામલાઓને કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. તાજેતરમાં જ કપલ પર 60 કરોડની છેતરપિંડીના પણ આરોપો લાગ્યા છે. હવે લાંબી ચૂપકીદી પછી રાજ કુન્દ્રાએ વિવાદો અને કેસ પર સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેનું કહેવું છે કે, જો અદાલત તેને દોષિત ઠેરવે છે, તો તે દરેક સજા માટે તૈયાર છે. 'હું ચૂપ રહ્યો છું… પણ હવે હદ થઈ' રાજ કુન્દ્રાએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, 'ન્યાયમાં વિલંબનો અર્થ છે ન્યાય ન મળવો. હું ચૂપ રહ્યો, મેં સિસ્ટમનું સન્માન કર્યું અને મીડિયા ટ્રાયલ, અટકળો અને ટ્રોલિંગ સહન કર્યું. હવે બહુ થયું. હું એક નિષ્પક્ષ અને અંતિમ નિર્ણય દ્વારા સત્ય ઇચ્છું છું. જો અદાલત મને દોષિત ઠેરવે છે, તો હું દરેક સજાનો સામનો કરીશ. ત્યાં સુધી, મને ઘોંઘાટથી નહીં, ફક્ત ન્યાયથી જજ કરવામાં આવે- રાજ કુન્દ્રા.' શિલ્પા-રાજ પર 60 કરોડની છેતરપિંડીના આરોપ શિલ્પા શેટ્ટી પર ઘણા કેસો નોંધાઈ ચૂક્યા છે, જ્યારે રાજ કુંદ્રા 2021માં પોર્નોગ્રાફી કેસથી ચર્ચામાં રહ્યો હતો. તાજેતરમાં જ શિલ્પા અને રાજ પર એક બિઝનેસમેને 60 કરોડની છેતરપિંડીના આરોપો લગાવ્યા છે. ઓગસ્ટ 2025માં મુંબઈના એક બિઝનેસમેન દીપક કોઠારીએ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં ફરિયાદ નોંધાવી છે. દીપક કોઠારીના જણાવ્યા અનુસાર, તેમની મુલાકાત 2015માં એજન્ટ રાજેશ આર્ય દ્વારા શિલ્પા અને કુંદ્રા સાથે થઈ હતી. તે સમયે બંને બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતા અને શિલ્પા પાસે કંપનીના 87%થી વધુ શેર હતા. ફરિયાદ મુજબ, એક મીટિંગમાં નક્કી થયું કે, શિલ્પા અને રાજ કુંદ્રાની કંપનીને દીપક લોન આપશે. કંપની માટે 75 કરોડ રૂપિયાની લોન માંગી હતી, જેના પર 12% વાર્ષિક વ્યાજ નક્કી થયું. દીપક કોઠારીનો આરોપ છે કે, પછીથી શિલ્પા અને કુંદ્રાએ તેમને કહ્યું કે લોન પર ટેક્સની સમસ્યા આવી શકે છે, તેથી તેને રોકાણ તરીકે બતાવીએ અને દર મહિને રિટર્ન આપીશું. એપ્રિલ 2015માં કોઠારીએ લગભગ 31.95 કરોડ રૂપિયાની પ્રથમ ચુકવણી કરી. ટેક્સ સંબંધિત સમસ્યા ચાલુ રહેતા સપ્ટેમ્બરમાં બીજી ડીલ થઈ અને જુલાઈ 2015થી માર્ચ 2016ની વચ્ચે તેમણે 28.54 કરોડ રૂપિયા વધુ ટ્રાન્સફર કર્યા. કુલ મળીને તેમણે 60.48 કરોડ રૂપિયા આપ્યા, સાથે જ 3.19 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી તરીકે ચૂકવ્યા. કોઠારીનો દાવો છે કે, એપ્રિલ 2016માં શિલ્પાએ તેમને પર્સનલ ગેરંટી પણ આપી હતી, પરંતુ તે જ વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે કંપનીના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું. આ પછી શિલ્પાની કંપની પર 1.28 કરોડ રૂપિયાનું દેવું ન ચૂકવવાનો મામલો સામે આવ્યો. કોઠારીને આની કોઈ જાણકારી નહોતી. તેમણે ઘણી વાર પોતાના પૈસા પાછા માંગ્યા, પરંતુ કોઈ જવાબ અને પૈસા મળ્યા નહીં. પહેલા આ મામલો જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવટ હેઠળ નોંધાયો હતો. કારણ કે રકમ 10 કરોડથી વધુ હતી, તેથી તપાસ આર્થિક અપરાધ શાખા (EOW) ને સોંપવામાં આવી છે. EOW આ કેસની તપાસ કરી રહી છે. શિલ્પાની સાડા 4 કલાક સુધી પૂછપરછ થઈ હતી 7 ઓક્ટોબરે છેતરપિંડીના કેસમાં EOW (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) ની ટીમે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચીને લગભગ સાડા 4 કલાક સુધી પૂછપરછ કરી હતી. શિલ્પા ઉપરાંત રાજ કુંદ્રાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. જ્યારે રાજની ઓક્ટોબર મહિનામાં પૂછપરછ થઈ હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે બેસ્ટ ડીલને દીપક કોઠારી દ્વારા આપવામાં આવેલી રકમને બિપાશા બાસુ, નેહા ધૂપિયા અને પ્રોડ્યુસર એકતા કપૂરને પ્રોફેશનલ ફી તરીકે આપવામાં આવી હતી.
Read Original Article →