ભારતના પહેલા પ્લેબેક સિંગરે આજીવન બુરખો પહેરી 6000 ગીતો ગાયા:પિતાની વિરુદ્ધ જઈ શમશાદ બેગમે હિન્દુ યુવક સાથે લગ્ન કર્યાં; લતા મંગેશકર પણ ચાહક હતાં
આ 1931ની વાત છે, તે દિવસોમાં, ભારત અને પાકિસ્તાન એક હતા, કોઈ સીમાઓ-સરહદો નહોતી. લાહોર, બોમ્બે અને કોલકાતામાં ફિલ્મો બની રહી હતી, રેડિયોનો યુગ આવ્યો હતો, અને કેટલીક સંગીત કંપનીઓ ગીતો રેકોર્ડ કરીને વેચતી હતી. તે દિવસોમાં લાહોરની ઝેનોફોન મ્યુઝિક કંપની ખૂબ જ પ્રખ્યાત હતી. એક બપોરે, એક યુવાન સ્ટુડિયોમાં 12 વર્ષની બાળકીનો હાથ પકડીને આવ્યો. બાળકીએ એકદમ સામાન્ય પોશાક પહેર્યો હતો, જાણે તે કોઈ ગરીબ પરિવારની હોય. તેને જોઈને એવું લાગતું હતું કે, તેને અચાનક કોઈ ઓડિશન માટે ત્યાં લાવવામાં આવી હોય. તેની સાથે આવેલા માણસે સ્પષ્ટતા કરી કે તે બાળકીને તેના પરિવારથી છુપાવીને ત્યાં લાવ્યો હતો. સામે સુપ્રસિદ્ધ સંગીતકાર ગુલામ હૈદર બેઠા હતા, જેમણે લતા મંગેશકરને બ્રેક આપ્યો હતો. હવે ગાવાનો વારો હતો, બાળકીએ ખચકાટ સાથે પોતાનું સ્થાન લીધું, સ્ટુડિયોમાં શાંતિ છવાઈ ગઈ અને બાળકીએ બહાદુર શાહ ઝફરની ગઝલ 'મેરા યાર મુઝે મિલે અગર' ગાવાનું શરૂ કર્યું. બાળકીએ હજુ તો બે લાઇન જ ગાઈ હતી કે ગુલામ હૈદરે ગીત રોકાવી દીધું. બાળકી ડરી ગઈ. મનમાં માત્ર એક જ વિચાર હતો કે, 'ક્યાંક કંઈક ગડબડ તો નથી થઈ ગઈ ને?' ગુલામ હૈદરે નજીકમાં ઉભેલા પોતાના સહાયક તરફ જોયું અને કહ્યું, 'બાળકી સાથે 12 ગીતોનો કોન્ટ્રાક્ટ બનાવી લો.' સાથે જ કહેવામાં આવ્યું કે, બાળકીને એ તમામ લક્ઝરી સુવિધાઓ આપવામાં આવે, જે ટોપ સિંગર્સને આપવામાં આવતી હતી. તે બાળકીએ પ્રતિભા અને ગૂંજતા અવાજથી એવું કમાલ કરી દેખાડ્યું કે તે ભારતની પહેલી પ્લેબેક સિંગર બની અને 'સૈંયા દિલ મેં આના રે…', 'કજરા મોહબ્બત વાલા…' અને મુગલ-એ-આઝમનું પ્રખ્યાત ગીત 'કિસ્મત આઝમાં કર હમ ભી દેખેંગે…' જેવા 6 હજાર ગીતો ગાયા. લગભગ 100 વર્ષ બાદ પણ તેમના ગીતો સાંભળવામાં આવે છે અને તેના રીમિક્સ કરવામાં આવે છે. તે બાળકીનું નામ હતું શમશાદ બેગમ, જેમના ચાહક દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર પણ હતાં. જ્યારે લતા નવા નવા સિંગિંગમાં આવ્યાં, ત્યારે તેમને શમશાદ બેગમની જેમ જ ગાવાની સલાહ આપવામાં આવતી હતી. એક સમય એવો પણ આવ્યો, જ્યારે કિશોર કુમાર જેવા દિગ્ગજ સિંગર પણ ખુશામત કરવા શમશાદની પાછળ પાછળ ખુરશી લઈને ચાલતા હતા. જ્યારે ગાયકોને એક ગીત માટે 100 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, ત્યારે ફિલ્મમેકર્સ શમશાદને 2000 રૂપિયા આપવા તૈયાર હતા. પિતાની શરત હેઠળ, તેણીએ આજીવન બુરખો પહેરીને ગાયું. પ્રતિબંધ તો એટલા હતા કે, યુવાનીના દિવસમાં એક ફોટો પણ ક્લિક કરાવ્યો નહોતો. પિતાનો ગુસ્સો એટલો નડ્યો કે તેમને ફિલ્મોમાં કામ કરવાની જે સારી તકો મળી હતી, તે બધી જ છીનવાઈ ગઈ. આજે શમશાદ બેગમની 107મી જન્મજયંતિ છે. આ ખાસ પ્રસંગે, હિન્દી સિનેમાના ઇતિહાસને મૂર્તિમંત કરનાર અને સામાજિક મર્યાદાઓને પાર કરીને ઇતિહાસ રચનાર ગાયિકા શમશાદ બેગમની વાર્તા વિશે જાણીએ… બાળપણમાં શાળા અને લગ્નોમાં ગાવાથી પ્રતિભાને ઓળખ મળી શમશાદ બેગમનો જન્મ જલિયાંવાલા બાગ હત્યાકાંડના બરાબર એક દિવસ પછી 14 એપ્રિલ, 1919ના રોજ બ્રિટિશ ભારતના લાહોરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારો માને છે કે, શમશાદનો જન્મ લાહોરમાં નહીં પણ અમૃતસરમાં થયો હતો. તેમના પિતા મિયાં હુસૈન બક્ષ મિસ્ત્રી હતા. તેમણે ગરીબીમાં આઠ બાળકોનો ઉછેર કર્યો હતો. શમશાદ જ્યારે માત્ર 10 વર્ષના હતાં, ત્યારે તેમણે લગ્નોમાં ગાવાનું શરૂ કરી દીધું હતું. નાનકડી બાળકીનો અવાજ એટલો શક્તિશાળી હતો કે, દર વખતે તેમને જ ગીત ગાવા માટે આમંત્રણ મળવા લાગ્યા. કેટલાક સંબંધીઓ ખુશ થઈને એક આના આપતા હતા. એક દિવસ શમશાદે સ્કૂલના પ્રોગ્રામમાં કોરસમાં ગીત ગાયું. પ્રિન્સિપાલ અવાજ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પાસે બોલાવીને કહ્યું, 'જોજે, એક દિવસ તું તારા પરિવારનું નામ રોશન કરીશ.' ત્યારબાદ તેમને સ્કૂલ પ્રેયરના હેડ સિંગર બનાવી દીધાં. 12 વર્ષની ઉંમરે 2 પંક્તિઓ સાંભળીને મોટા મ્યૂઝિક ડિરેક્ટરે 12 ગીતો આપ્યા શમશાદનો અવાજ પડોશમાં લોકપ્રિય થઈ રહ્યો હતો, પરંતુ તેમના પિતા મિયાં હુસૈન આનાથી ઘણા ચિડાઈ જતા હતા. તેમને દીકરીનું ગીત ગાવું પસંદ નહોતું. રૂઢિચુસ્ત પરિવારમાં સંગીત સાંભળવા પર પ્રતિબંધ હતો. ઘરમાં રેડિયો પણ નહોતો. પરંતુ 1931માં તેમના કાકા આમિર ગઝલ, કવ્વાલીના મોટા ચાહક હતા. એક દિવસે તેમણે શમશાદને ગાતા સાંભળ્યા અને તેમને પ્રતિભા ઓળખવામાં વાર ન લાગી. જેવી તેમને જાણ થઈ કે, લાહોરમાં ઝેનોફોન મ્યૂઝિક કંપનીના ઓડિશન ચાલી રહ્યા છે, તેઓ પરિવારથી છુપાઈને શમશાદને પોતાની સાથે લઈ ગયા. ઓડિશનમાં પ્રખ્યાત સિંગર ગુલામ હૈદર, જે કંપનીના મોટા મ્યૂઝિક ડિરેક્ટર હતા, તેમણે 12 ગીતોનો કોન્ટ્રાક્ટ આપ્યો. દરેક ગીત માટે 12 રૂપિયા મળશે, તેવું નક્કી થયું. ઘરે પરત ફરીને જ્યારે કાકાએ પિતાને આ સમાચાર આપ્યા, તો તેઓ ખૂબ નારાજ થયા. નારાજગી પરાકાષ્ઠાએ હતી. લાંબી દલિલો બાદ કાકાએ ભાઈ મિયાં હુસૈનને સમજાવ્યું કે આ પ્રતિભા દરેક વ્યક્તિમાં હોતી નથી. જો આખી દુનિયા ગીત ગાઈ રહી છે, તો તને શા માટે વાંધો છે? આખરે તેઓ સંમત તો થયા, પણ શરતો ઉપર. શરત એ હતી કે શમશાદનો ચહેરો કોઈ ન જુએ, તેમણે હંમેશા બુરખો પહેરીને ગીતો ગાવા પડશે. તેઓ ક્યારેય ફોટો ક્લિક નહીં કરાવી શકે અને ન તો તેમની ઓળખ દુનિયાની સામે આવશે. ગાયિકી માટે ઉતાવળા શમશાદ બેગમે દરેક શરતો માની લીધી અને ઝેનોફોન મ્યૂઝિક કંપની સાથે જોડાઈ ગયાં. શમશાદ બેગમના પહેલા થોડા ગીતો તેમના નામ વગર રિલીઝ થયા હતા. જ્યારે આરતી ગાતા, ત્યારે તેમના બદલે સિંગરનું નામ ઉમા દેવી લખવામાં આવતું, અને પંજાબી ગીતોમાં સુરંદિર કૌર. તે સમયે રેકોર્ડિંગ કંપનીઓનું માનવું હતું કે, લોકો પોતાાના ધર્મના લોકોના જ ગીતો સાંભળવાનું પસંદ કરે છે. ઝેનોફોનનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેમને કંપની તરફથી 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા. ઝેનોફોન મ્યુઝિક કંપની સાથેનો કરાર પૂર્ણ કર્યા પછી, તેમને પેશાવર રેડિયોમાં અને પછી દિલ્હીમાં એર ઇન્ડિયા રેડિયોમાં કામ મળ્યું. તેમના ગીતો અને કાર્યક્રમો ખૂબ જ હિટ રહ્યા. પરિવારની વિરુદ્ધ જઈને હિન્દુ યુવક સાથે લગ્ન કર્યાં વર્ષ 1932, શમશાદ 13 વર્ષનાં હતાં, જ્યારે તેમની મુલાકાત પડોશમાં રહેતા કાયદાના વિદ્યાર્થી ગણપત લાલ બટ્ટો સાથે થઈ. બંનેની ઉંમરમાં નોંધપાત્ર તફાવત હતો, પરંતુ વિચાર જલ્દી એક થવા લાગ્યા. શમશાદ અવારનવાર તેમને છુપાઇને મળવા લાગ્યા. આ એ સમય હતો, જ્યારે નાની ઉંમરે જ લગ્ન કરવા પ્રચલિત હતું, ઉપરથી શમશાદનો પરિવાર રૂઢિચુસ્ત હતો. 13 વર્ષની ઉંમરમાં જ તેમના માટે યુવકો શોધવાની શરૂઆત થઈ ગઈ. એક દિવસ પરિવારને શમશાદ અને ગણપત લાલના સંબંધની જાણ થઈ ગઈ. ઘરમાં હોબાળો થયો અને યુવકોની શોધ તીવ્ર બની ગઈ. પિતાની નાનામાં નાની વાત અને શરત માનનારી શમશાદ આ વખતે મક્કમ રહી. તેણે કહી દીધું કે, તે ગણપત સાથે જ લગ્ન કરશે. પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો, તેમ છતાં 1935માં શમશાદે માત્ર 15 વર્ષની ઉંમરે ગણપત લાલ બટ્ટો સાથે લગ્ન કરી લીધાં. હીરોઈન બનવાની ઓફર મળી, પિતાની કડકાઈને લીધે તક ઠુકરાવી વર્ષ 1937માં શમશાદ બેગમના ગીતોના લીધે તેમને લાહોરના ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ મળ્યું. તેમના દરેક ગીતો અને દરેક પ્રોગ્રામ હિટ રહેતા. તે એવો સમય હતો, જ્યારે ફિલ્મો બનવાની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ રેકોર્ડિંગ અને એડિટિંગની તકનીકો હજુ સુધી વિકસિત થઈ નહોતી. તે સમયે હીરો-હીરોઈન પોતાના ગીતો ખૂદ ગાતા હતા. જ્યારે દલસુખ પંચોલીએ એક દિવસ રેડિયોમાં શમશાદ બેગમનો અવાજ સાંભળ્યો, તો તેમણે નક્કી કરી લીધું કે તેઓ શમશાદને તેમની ફિલ્મની હીરોઈન બનાવશે અને તેમનો અવાજ ગીતને આપશે. જ્યારે તેમણે તો ક્યારેય શમશાદને જોયા જ નહોતા. તેમણે આ ઓફર આપી, તો શમશાદે પણ હા પાડી દીધી. શમશાદે એક સ્ક્રીન ટેસ્ટ પણ આપ્યો, જે સફળ રહ્યો. પરંતુ જેવી આ વાત તેમના પિતા સુધી પહોંચી, તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો આવી કોઈ પણ ઇચ્છા રાખી છે, તો તેમનું ગીત ગાવાનું પણ બંધ કરાવી દેવામાં આવશે. તે દિવસે, શમશાદે ગાવાનું પસંદ કર્યું અને તેના પિતાને વચન આપ્યું કે, તે ક્યારેય કેમેરા સામે નહીં આવે. વચન મુજબ, શમશાદ હંમેશા બુરખામાં જ પ્રોગ્રામ કરતા હતાં. સાથે કામ કરનારા લોકોએ તેમને જોયા હતા, પરંતુ તેમણે ક્યારેય ફોટો ક્લિક કરાવ્યો નહોતો. મહબૂબ ખાને મુંબઈ આવવા માટે બંગલો, ગાડી અને નોકરની ઓફર આપી વર્ષ 1941માં રેડિયોમાં શમશાદનો અવાજ સાંભળીને ડિરેક્ટર મહબૂબ ખાન એટલા પ્રભાવિત થયા કે તેમણે શમશાદને બોમ્બે લાવવાનો નિર્ણય કરી લીધો. તેઓ તરત તેમના લાહોર સ્થિત ઘરે પહોંચ્યા. શમશાદના પતિને વાત કરી, તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. જોકે, મહબૂબ ખાને કહ્યું કે, જો શમશાદ તેમની સાથે બોમ્બે આવશે, તો તેમને બંગલો, ગાડી અને દરેક સામાનની સાથે નોકર પણ આપશે. જો શમશાદ ઇચ્છે તો પોતાની સાથે 3-4 લોકો પણ લાવી શકે છે. પતિ તો માની ગયા, પણ પિતા ફરી જીદ પર અડી ગયા. તેના પર મહબૂબ ખાને તેમને કહ્યું, 'આખરે ક્યાં સુધી દીકરીને કુવાનો દેડકો બનાવીને રાખશો. તેને સમુદ્રમાં છોડો.' જ્યારે શમશાદે પોતે પણ જવાનો નિર્ણય કર્યો, ત્યારે પિતાને પણ માનવું જ પડ્યું. દેશના પહેલા પ્લેબેક સિંગર બન્યાં ભલે શમશાદને મહબૂબ ખાન બોમ્બે લાવ્યા હોય, પરંતુ તેમને પહેલીવાર ફિલ્મોમાં ગાવાની તક તો ગુલામ હૈદરે ફિલ્મ 'ખજાનચી' (1941)માં આપી. આ ફિલ્મ માટે શમશાદને દરેક ગીત માટે 200 રૂપિયા ફી મળવાની હતી, પરંતુ તેઓ તેનાથી ખુશ નહોતા. એક દિવસ તેમણે ફી વધારવાની વાત કહી. પ્રોડ્યુસરે પૂછ્યું કે, તેઓ શું અપેક્ષા રાખે છે? જવાબ મળ્યો- દરેક ગીત માટે 700 રૂપિયા. પ્રોડ્યુસરે સંમતી આપતા સમયે હસીને કહ્યું, 'જો તમે દરેક ગીત માટે 2 હજાર પણ માંગતા, તો અમે એ પણ આપી દેતા.' જ્યાં એક તરફ ફી વધવાની ખુશી હતી, ત્યાં બીજી તરફ એ નારાજગી પણ હતી કે, વધારે પૈસા કેમ ન માંગ્યા. જોકે, સમયની સાથે 'ખાનદાન' (1942), 'તકદીર' (1943), 'પૂંજી', 'જમીનદાર' જેવી ફિલ્મો કરતી વખતે તેમની ફી સતત વધતી ગઈ. તે સમયમાં જ્યારે હીરોઈન પોતાના ગીતો જાતે ગાતી હતી, ત્યારે શમશાદ બેગમે બીજી એક્ટ્રેસિસ માટે ગીતો રેકોર્ડ કર્યા અને આ રીતે તેઓ ભારતના પહેલા પ્લેબેક સિંગર બન્યાં. લોકોની માંગને લીધે લતા મંગેશકર શમશાદની કોપી કરતા હતાં શમશાદ બેગમ પછી બીજી પણ ઘણી ગાયિકાઓ હિન્દી સિનેમા સાથે જોડાવા લાગી. 40ના દાયકામાં સુરૈયા અને મુબારક બેગમ પોતાની ઓળખ બનાવી ચૂક્યાં હતાં. આશા ભોસલે અને લતા મંગેશકર હજુ નવા-નવા આવ્યાં હતાં. લતા મંગેશકર, શમશાદના ઘણા ગીતોમાં કોરસ સિંગર તરીકે રહ્યા હતાં. લતા મંગેશકર પાતળા અને સુરીલા અવાજમાં ગાતાં હતાં, જ્યારે શમશાદના અવાજમાં એક રણકો અને ભારેપણું હતું. ત્યારે લતાજીને વારંવાર કહેવામાં આવતું હતું કે, શમશાદની જેમ જ ગાઓ. જ્યારે લતા મંગેશકરને 1949ની ફિલ્મ 'મહલ'નું ગીત 'આયેગા, આયેગા, આયેગા આનેવાલા…' મળ્યું, ત્યારે તેમણે આ ગીત શમશાદની નકલ કરતા હોય તેમ જ ગાયું હતું. એવી જ રીતે, આશા ભોસલેએ પણ 1948ની ફિલ્મ 'મુક્દ્દર'નું ગીત ‘આતી હૈ યાદ હમકો ભી…’ શમશાદની શૈલીમાં ગાયું હતું. કિશોર કુમાર પાછળ પાછળ ખુરશી લઈને ચાલતા હતા, ભવિષ્યવાણી સાચી પડી સ્ક્રીન મેગેઝિનને આપેલા એક જૂના ઇન્ટરવ્યુમાં શમશાદ બેગમે પોતાના ગાયકીના દિવસોને યાદ કરતા કહ્યું હતું, 'હું ક્યારેય ફિલ્મી પાર્ટીઓમાં જતી નહોતી, પરંતુ સ્ટુડિયોમાં મારી ઘણી યાદો છે. જ્યારે હું ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતી હતી, ત્યારે બે યુવાન છોકરાઓ કોરસમાં કામ કરતા હતા. રેકોર્ડિંગ સમયે બંને મારી ખુરશી ઉપાડીને મારી પાછળ-પાછળ ચાલતા હતા. એક છોકરો ખૂબ જ શિસ્તબદ્ધ હતો અને બીજો થોડો વિચિત્ર દેખાતો, મજાક મસ્તી કરતો અને પોતાને નિષ્ફળ ગણાવતો હતો. વાતચીત દરમિયાન તે પોતાની મજાક ઉડાવતા કહેતો કે, 'મારા મોટા ભાઈ બહુ મોટા અભિનેતા છે.' પરંતુ તેનો અવાજ એવો હતો કે કોરસમાં પણ અલગથી સંભળાતો હતો. હું હંમેશા તેને કહેતી હતી કે જોજે, એક દિવસ તું તારા ભાઈઓ કરતા પણ ઘણો આગળ નીકળી જઈશ.' આગળ જતાં એ વિચિત્ર લાગતો છોકરો સંગીત જગતના સૌથી મહાન ગાયકોમાં સામેલ થયો. શું કોઈ કિશોર કુમાર વગર ભારતીય સંગીતની કલ્પના કરી શકે છે? જી હા, કિશોર કુમાર શમશાદ બેગમના ગીતોમાં કોરસ ગાતા હતા. સમયની સાથે કિશોર કુમાર એટલા હિટ થયા કે તેમને શમશાદ બેગમ સાથે ફિલ્મ 'અંગારે'નું ગીત 'ગોરી કે નૈનો મેં નીંદ ભરી' અને ફિલ્મ 'નયા અંદાઝ'નું ગીત 'મેરી નીંદો મેં તુમ' ગાવાની તક મળી. નૌશાદ એક સમયે ઓફિસ બોય હતા, ઘણા ન્યુકમર્સ માટે ગીતો ગાયા જે સમયે શમશાદ બેગમ ઓલ ઈન્ડિયા રેડિયોમાં ગાતાં હતાં, ત્યારે નૌશાદ તેમના ઓફિસ બોય તરીકે કામ કરતા હતા. તેમને શમશાદની દેખરેખ અને સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જ્યારે નૌશાદે સંગીત કમ્પોઝ કરવાનું શરૂ કર્યું અને તેમને પહેલી ફિલ્મ 'મંગૂ' મળી, ત્યારે તેઓ સીધા શમશાદ પાસે જ ગયા. નૌશાદ નવા હતા, તેમ છતાં શમશાદ માની ગયા અને તેમના માટે ‘મોહબ્બત દિલ કે બસ ઇતને સે અફસાને’ અને ‘ઝરા પ્યાર કર લે બાબૂ’ ગીતોને અવાજ આપ્યો. 1941માં જ્યારે એસ.ડી. બર્મન પણ સિનેમા સાથે જોડાયા, ત્યારે તેમને પહેલી મોટી ફિલ્મ 'બહાર' (1941) મળી, ત્યારે તેમણે શમશાદ પાસે જ મદદ માંગી હતી. શમશાદે આ ફિલ્મ માટે ‘સૈંયા દિલ મેં આના રે’ ગીત ગાયું હતું, જે આજે પણ એટલું જ લોકપ્રિય છે. રાજ કપૂરે કહ્યું હતું- 'હું આટલી ફી નહીં આપી શકું' વર્ષ 1948માં આવેલી ફિલ્મ 'આગ'માં રાજ કપૂર શમશાદનો અવાજ ઈચ્છતા હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેમની ફી બીજા ગાયકો કરતા 10 ગણી વધારે છે, ત્યારે તેઓ ખચકાવા લાગ્યા. એક દિવસ હિંમત કરીને રાજ કપૂર શમશાદ પાસે પહોંચી ગયા. તેમણે કહ્યું- 'હું ઈચ્છું છું કે તમે મારી ફિલ્મ 'આગ'માં ગીત ગાઓ, પણ હું તમને આટલી ફી આપી શકું તેમ નથી.' રાજ કપૂરની આ સ્પષ્ટવક્તા અને જુનૂન શમશાદને ગમી ગયા. એક સમયે તેઓ રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરના ચાહક પણ હતાં. તેમણે રાજ કપૂરને કહ્યું કે, તેઓ ઓછી ફીમાં જ તેમના માટે ગાશે. પતિના અવસાનથી એવા ભાંગી પડ્યા કે સિંગિંગ પર વિરામ મૂકી દીધો વર્ષ 1955માં શમશાદ બેગમના પતિ ગણપત લાલ બટ્ટોનું એક રોડ અકસ્માતમાં નિધન થયું. પતિના મૃત્યુ બાદ શમશાદે ગાયકીથી અંતર જાળવી લીધું. ઘણા પ્રોડ્યુસર્સ અને કમ્પોઝર્સે શમશાદને વિનંતી કરી, પરંતુ તેઓ માન્યા નહીં. શમશાદની ગેરહાજરીમાં જ લતા મંગેશકરને સતત તકો મળવા લાગી અને સ્ટારડમ મળ્યું. વર્ષ 1957માં જ્યારે મહબૂબ ખાને 'મધર ઇન્ડિયા' બનાવવાનું શરૂ કર્યું, ત્યારે નરગીસનો અવાજ બનવા માટે તેમણે શમશાદ સિવાય બીજા કોઈ સિંગર વિશે વિચાર્યું જ નહીં. શમશાદ ગાયકી છોડી ચૂક્યાં હતાં, પરંતુ મહેબૂબ ખાન પણ તેમની પાસે ગવડાવવાની જીદ પર અડગ રહ્યા. દોઢ વર્ષની મહેનત પછી આખરે શમશાદ રાજી થયાં. 1957માં તેઓ સફેદ સાડી પહેરીને રેકોર્ડિંગ સ્ટુડિયો પહોંચ્યાં. તેમણે પહેલું ગીત ગાયું- 'પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી'. ગીત સાંભળતા જ સ્ટુડિયોમાં હાજર દરેક વ્યક્તિ રડી પડી. ગીત પૂરું કરતા કરતા તેમણે ગાયકી છોડવાની જીદ પણ છોડી દીધી અને કહ્યું- 'રોવા માટે આખો દિવસ અને આખી રાત છે, હું એક આર્ટિસ્ટ છું.' ફિલ્મ 'મધર ઇન્ડિયા'ના ગીતો 'દુખ ભરે દિન બીતે રે ભૈયા', 'હોલી આઈ રે' અને 'પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયા ચલી' સુપરહિટ રહ્યા. ત્યારબાદ તેમણે 'હાવડા બ્રિજ', 'જાલી નોટ', 'લવ ઇન શિમલા' અને 'મુગલ-એ-આઝમ' જેવી સુપરહિટ ફિલ્મોમાં અવાજ આપ્યો. ફિલ્મ 'મુગલ-એ-આઝમ'નું ગીત 'તેરી મહેફિલ મેં કિસ્મત આઝમા કર હમ ભી દેખેંગે...', શમશાદ બેગમે લતા મંગેશકર સાથે ગાયું હતું. જેમાં શમશાદે નિગાર સુલ્તાના માટે અવાજ આપ્યો હતો, જ્યારે લતા મંગેશકર મધુબાલાનો અવાજ બન્યાં હતાં. 1965માં શમશાદે કાયમ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. જોકે, કેટલાક કમ્પોઝર્સની જીદ પર તેમણે જૂજ ફિલ્મોમાં અવાજ આપ્યો હતો. નિવૃત્તિ પછી પણ 1968ની ફિલ્મ 'કિસ્મત'નું ગીત 'કજરા મોહબ્બત વાલા' જબરદસ્ત હિટ રહ્યું હતું. દીકરીને ગાવાની મંજૂરી ન આપી ગાયકી છોડ્યા પછી શમશાદ તેમની દીકરી ઉષા અને જમાઈ લેફ્ટનન્ટ કર્નલ યોગેશ રત્ર સાથે મુંબઈમાં રહેવા લાગ્યાં હતાં. શમશાદ બેગમનાં એકમાત્ર દીકરી ઉષા પણ સિંગર બનવા માંગતાં હતાં, પરંતુ શમશાદ આખી જિંદગી તેની વિરુદ્ધમાં રહ્યા. તેમનું માનવું હતું કે, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે રાજનીતિ ખૂબ વધી ગઈ છે.’ છ વર્ષ સુધી લોકો માનતા રહ્યા કે શમશાદનું અવસાન થઈ ગયું છે 1998માં સમાચાર આવ્યા કે સિંગર શમશાદ બેગમનું નિધન થઈ ગયું. પછી 2004માં સમાચાર આવ્યા કે, જેમને 1998માં લોકોએ મૃત માની લીધાં, તે શમશાદ બેગમ હજુ પણ જીવે છે. પહેલાં જે શમશાદ બેગમનું નિધન થયું હતું, તેઓ શાયરા બાનોના દાદી હતાં. જોકે, 23 એપ્રિલ 2012ના રોજ દિગ્ગજ સિંગર શમશાદ બેગમનું 94 વર્ષની ઉંમરે નિધન થયું. તેમના મોતના સમાચાર ખૂબ ઓછા લોકોને આપવામાં આવ્યા હતા. આમ તો શમશાદ બેગમ મુસ્લિમ હતાં, પરંતુ તેમની છેલ્લી ઇચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર હિન્દૂ રીતિ-રિવાજથી કરવામાં આવે. નોંધઃ આ વાર્તા શમશાદ બેગમે લેખક ગજેન્દ્ર ખન્નાને આપેલા ઇન્ટરવ્યૂ, સ્ક્રીનને આપેલા ઇન્ટરવ્યૂ અને રિસર્ચના આધાર પર લખવામાં આવી છે.
Read Original Article →