'સંજય કપૂરની સંપત્તિ વિવાદ સામે મહાભારત નાનું લાગશે':માતાની અરજી પર SCની ટિપ્પણી; કરિશ્માના બાળકો બાદ રાની કપૂરની બોર્ડ મીટિંગ પર રોક લગાવવા માંગ
કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરનો પ્રોપર્ટી વિવાદ ઓછો થવાનું નામ જ નથી લઈ રહ્યો. જૂન 2025માં થયેલા સંજય કપૂરના નિધન બાદ કરિશ્મા કપૂરના બાળકો કિયાન અને સમાયરાએ સાવકી માતા પ્રિયા કપૂર પર નકલી વસિયત બનાવવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન વસિયત પર શંકા હોવાથી પ્રિયા દ્વારા સંજય કપૂરની પ્રોપર્ટી વેચવા પર રોક લગાવી દીધી હતી. હવે સંજય કપૂરની માતા રાની કપૂરે નવી અરજી દાખલ કરીને કંપનીની બોર્ડ મીટિંગ રોકવાની માંગ કરી છે. રાની કપૂરે પ્રિયા કપૂરના દખલ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી સંજયની માતા રાની કપૂરે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને માંગ કરી છે કે, પ્રિયા કપૂર અને કેટલાક અન્ય લોકો આરકે ફેમિલી ટ્રસ્ટના કામકાજમાં દખલ ન દે. અરજી અનુસાર, 18 મેના રોજ એક બોર્ડ મીટિંગ રાખવામાં આવી છે, જે 8 મેના રોજ જારી કરાયેલી કોર્ટની નોટિસ બાદ બોલાવવામાં આવી હતી. આ બોર્ડ મીટિંગનો હેતુ કંપનીના નવા ડિરેક્ટરની નિમણૂક કરવાનો છે. રાની કપૂરે અરજીમાં 18 મે માટે નિર્ધારિત આ બોર્ડ મીટિંગ પર રોક લગાવવાની માંગ કરતા કહ્યું છે કે, 'જ્યાં સુધી મધ્યસ્થીની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોઈ ટ્રસ્ટના કામમાં દખલ ન આપે.' રાની કપૂરની અરજી પર સુનાવણી કરતા જજ જે.બી.પર્દીવાલાએ કહ્યું, હવે આપણે એક એવા વિવાદમાં આવી ગયા છીએ, જેની સામે મહાભારત પણ હવે નાનું લાગશે. અમે આ મામલાને જોઈશું. રાની કપૂરના કેસને સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. કેસની સુનાવણી 14 મે ગુરુવારે થશે. કોર્ટે કરિશ્માના બાળકોને રાહત આપી તાજેતરમાં થયેલી કેસની સુનાવણીમાં કોર્ટે સંજય કપૂરની સંપત્તિઓને સુરક્ષિત રાખવા માટે પ્રિયા કપૂર પર તેને વેચવા પર રોક લગાવી દીધી છે. કરિશ્મા કપૂરના બાળકો કિયાન અને સમાયરાએ કોર્ટમાં દાવો કર્યો છે કે, પ્રિયા સચદેવાએ તેમના પિતાની એક નકલી વસિયત તૈયાર કરી છે. બાળકોનો આરોપ છે કે, પ્રિયાએ કોર્ટમાં સંપત્તિઓની જે યાદી રજૂ કરી છે, તે અધૂરી છે. તેમના મતે, આ યાદીમાં સંજયની ઘણી મોંઘી રોલેક્સ ઘડિયાળો, પોલો રમતા કિંમતી ઘોડા અને કરોડોની પેઇન્ટિંગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બાળકોનું કહેવું છે કે, સંજય કપૂરની ઘણી સ્થાવર મિલકતો પણ આ સૂચિમાંથી બહાર રાખવામાં આવી છે. અરજીમાં બાળકોએ કહ્યું હતું કે, તેમના પિતા તેમને વસિયતથી અલગ કરી શકતા ન હતા, કારણ કે તેઓ તેમની ખૂબ નજીક હતા. તેમના નિધન પછી પ્રિયા કપૂરે તેમને એક વસિયત બતાવી, જેમાં તેમનું નામ ન હતું. સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, સંજય કપૂરની સંપત્તિને સુરક્ષિત રાખવી જરૂરી છે, જેથી તેને નષ્ટ ન કરી શકાય. કોર્ટે પ્રિયા સચદેવાને કોઈપણ સંપત્તિ વેચવાથી રોકી દીધા છે અને સંજયના બેંક ખાતાઓના સંચાલન પર પણ હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, 'હવે એ સાબિત કરવાની જવાબદારી પ્રિયાની છે કે વસિયત અસલી છે. જો અત્યારે કાર્યવાહી કરવામાં ન આવી અને પછીથી વસિયત નકલી નીકળી, તો તે બાળકો સાથે મોટો અન્યાય થશે.' લંડનમાં પોલો રમતી વખતે થયું હતું મૃત્યુ જૂન 2025માં 53 વર્ષીય સંજય કપૂરનું ઇંગ્લેન્ડમાં એક પોલો મેચ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. રાની કપૂરનું કહેવું છે કે, દીકરાના મૃત્યુ પછી તેની ત્રીજી પત્ની પ્રિયા કપૂરે આખી ગ્રુપ કંપનીઓ પર નિયંત્રણ મેળવી લીધું અને તેમને સંપત્તિમાં કોઈ હિસ્સો આપ્યો નહીં.
Read Original Article →