ગુજ્જુ વ્હીલચેર ક્રિકેટરને મળવા સલમાન-રણવીર રોકાયા:'દબંગ' સ્ટારે ભીમા ખૂંટીને ઓટોગ્રાફ આપ્યો, 'ધુરંધર' એક્ટરે ઘૂંટણિયે બેસીને વાતચીત કરી
જામનગરમાં અનંત અંબાણીના 31મા જન્મદિવસ સમારોહમાં હાજરી આપ્યા બાદ સલમાન ખાને ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી સાથે મુલાકાત કરી અને તેમની ટી-શર્ટ પર ઓટોગ્રાફ આપ્યો. સલમાન ખાને ભીમા ખૂંટીની ટી-શર્ટ પર ઓટોગ્રાફ આપ્યો ભીમા ખૂંટી એક આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટર છે અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન છે. ભીમા ખૂંટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો પોસ્ટ કર્યો છે, તેમાં જોઈ શકાય છે કે સલમાન જામનગરથી નીકળતી વખતે કડક સુરક્ષા વચ્ચે ભીમા ખૂંટીને મળવા માટે રોકાયા. તેમણે ભીમા ખૂંટીની ટી-શર્ટ પર ઓટોગ્રાફ આપ્યો અને થોડો સમય વાતચીત પણ કરી. 'સપનાની કોઈ સીમા હોતી નથી' સલમાનને મળ્યા પછી ભીમાએ લખ્યું કે, 'સપનાની કોઈ સીમા હોતી નથી, તેઓ ફક્ત હિંમત જુએ છે. ક્રિકેટના મેદાનથી લઈને સલમાન ખાન સાથેની મુલાકાત સુધીની સફર મારા માટે ગર્વની ક્ષણ રહી.' રણવીર સિંહે પણ મુલાકાત કરી સલમાન ઉપરાંત રણવીર સિંહ પણ જામનગર એરપોર્ટ પર ભીમા ખૂંટીને મળ્યા. વીડિયોમાં રણવીર તેમની સામે ઘૂંટણિયે બેસીને વાતચીત કરતો, ઓટોગ્રાફ આપતો અને હાથ મિલાવતો જોવા મળ્યો. 'સારો માણસ હોવું જ સાચો સ્ટાર બનાવે છે' રણવીર સિંહ સાથેની મુલાકાતને લઈને ભીમાએ ભાવુક પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, 'જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે, જે ક્યારેય ભૂલાતી નથી અને આજનો દિવસ તેમાંથી એક હતો.' ભીમાએ રણવીર સિંહની સાદગી, નમ્રતા અને સન્માનની ભાવનાના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, ‘સુપરસ્ટાર હોવું એ અલગ વાત છે, પરંતુ એક સારો માણસ હોવું એ જ સાચો સ્ટાર બનાવે છે.’ નોંધનીય છે કે, સલમાન ખાન અને રણવીર સિંહ જામનગરમાં આયોજિત અનંત અંબાણીના જન્મદિવસ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
Read Original Article →