ધ્રુવ રાઠીએ PM મોદીની ટીકા કરતા 'અનુપમા' ભડકી:રુપાલી ગાંગુલીએ યુટ્યુબરનો ઉધડો લીધો, કહ્યું- 'વિદેશમાં બેઠેલા યુટ્યુબરની દેશને જરૂર નથી'

Entertainment5/25/2026, 3:01:36 PM
ધ્રુવ રાઠીએ PM મોદીની ટીકા કરતા 'અનુપમા' ભડકી:રુપાલી ગાંગુલીએ યુટ્યુબરનો ઉધડો લીધો, કહ્યું- 'વિદેશમાં બેઠેલા યુટ્યુબરની દેશને જરૂર નથી'
ટીવી સિરિયલ 'અનુપમા' ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ યુટ્યુબર ધ્રુવ રાઠીની એક પોસ્ટ પર સખત વાંધો ઉઠાવ્યો છે. ધ્રુવ રાઠીએ 19 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય, તેમને દરેક જગ્યાએ શરમજનક સ્થિતિમાં મૂકવા જોઈએ.' આ નિવેદનના છ દિવસ પછી સોમવારે, ભાજપ નેતા અને એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ ધ્રુવ રાઠી પર નિશાન સાધતા એક લાંબી નોંધ લખી. તેણે પીએમ મોદીને વિશ્વના સૌથી સન્માનિત નેતા ગણાવ્યા અને કહ્યું કે ભારતને વિદેશમાં બેસીને દેશની મજાક ઉડાવનારા યુટ્યુબરની જરૂર નથી. તેણે કહ્યું- 'પીએમ મોદીને દુનિયાભરમાંથી સન્માન મળ્યું' રૂપાલી ગાંગુલીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોટા લોકતંત્રના ચૂંટાયેલા નેતા છે. તેઓ છેલ્લા 25 વર્ષથી સતત ચૂંટણી જીતી રહ્યા છે, પહેલા મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે. દુનિયાભરના દેશો તેમને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજી ચૂક્યા છે. ભારતના કરોડો લોકો તેમને ખૂબ પ્રેમ અને સન્માન આપે છે. આવા સન્માનિત નેતા માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો સ્વીકાર્ય નથી.' ધ્રુવ રાઠી એ લખ્યું - 'મોદીને શરમાવો' યુટ્યુબર ધ્રુવ રાઠી એ 19 મે ના રોજ X (પહેલા ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, 'મોદી જ્યાં પણ જાય, તેમને દરેક જગ્યાએ શરમાવવા જોઈએ. વડાપ્રધાન બન્યા પછી છેલ્લા 12 વર્ષમાં તેમણે એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી.' ધ્રુવ રાઠી એ આગળ લખ્યું કે, 'તેઓ બીજા દેશોના વિદેશી પત્રકારોને પણ કહેશે કે તેઓ પીએમ મોદીને જ્યાં પણ મળે, તેમને પ્રશ્ન જરૂર પૂછે. તેમને લોકો સામે જવાબ આપવા માટે મજબૂર કરે.' ધ્રુવ રાઠીની આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. પત્રકારના વીડિયો બાદ વિવાદ શરૂ થયો આ આખો વિવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોર્વે પ્રવાસ બાદ શરૂ થયો હતો. ઓસ્લોમાં નોર્વેની પત્રકાર હેલે લેંગે વડાપ્રધાનને ભારતમાં માનવાધિકાર અને લોકશાહી અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી જવાબ આપ્યા વિના આગળ વધી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું હતું, ત્યારબાદ ધ્રુવ રાઠીએ પત્રકારના સમર્થનમાં આ પોસ્ટ લખી હતી. વિદેશમાં બેસીને પ્રોપેગેન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો એક્ટ્રેસ રુપાલી ગાંગુલીએ ધ્રુવ રાઠી પર નિશાન સાધતા આગળ લખ્યું કે, 'ભારતની પ્રગતિનો નિર્ણય કરવા માટે દેશના 140 કરોડ નાગરિકો સંપૂર્ણપણે સક્ષમ છે. દેશને વિદેશમાં રહેતા કોઈ એવા યુટ્યુબરની સલાહની જરૂર નથી, જે ભારતની જમીની હકીકતથી સંપૂર્ણપણે દૂર છે.' તેણે આરોપ લગાવ્યો કે, 'ધ્રુવ રાઠીની આખી ઓનલાઈન કારકિર્દી ભારતની ટીકા કરવા, તેની મજાક ઉડાવવા અને લોકોમાં ડર ફેલાવવા પર જ ટકેલી છે.' વર્ષ 2024માં એક્ટ્રેસ ભાજપમાં જોડાઈ હતી રુપાલી ગાંગુલી એક્ટિંગની સાથે રાજકારણમાં પણ સક્રિય છે. તે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઈ હતી. 1 મે 2024ના રોજ દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં તેણે પાર્ટીનું સભ્યપદ લીધું હતું. તે સમયે તેણે કહ્યું હતું કે, તે પીએમ મોદીના વિકાસ કાર્યો અને તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને રાજકારણમાં આવી રહી છે. ગુલ પનાગે પણ ટીકા કરી હતી આ પહેલાં એક્ટ્રેસ ગુલ પનાગ પણ ધ્રુવ રાઠીની આ પોસ્ટની ટીકા કરી ચૂકી છે. ગુલ પનાગે ધ્રુવ રાઠીની પોસ્ટ પર લખ્યું કે, 'તમે કોઈ વડાપ્રધાનને નાપસંદ કરી શકો છો, સરકાર સાથે અસહમત થઈ શકો છો, ચર્ચા કરી શકો છો અને અલગ રીતે મત આપી શકો છો. આ જ લોકશાહી છે. પરંતુ ભારતના વડાપ્રધાનની ઓફિસ અને વિદેશમાં તેઓ જેનું પ્રતિનિધિત્વ કરે છે, તેની વિદેશી ધરતી પર મજાક ઉડાવવી યોગ્ય નથી. આ વિરોધનો સાચો રસ્તો નથી, પરંતુ તેનાથી આપણું જ નુકસાન થાય છે.'
Read Original Article →