'દબંગ'ના પિતાએ રિશી કપૂરને ધમકાવ્યા હતા:₹30 હજારમાં અમિતાભ બચ્ચનનો એવોર્ડ ખરીદ્યો, દાઉદ સાથે ચા પીવા જતાં વિવાદમાં સપડાયા; જાણો 10 રસપ્રદ કિસ્સા
30 એપ્રિલ 2020 આજથી 6 વર્ષ પહેલા સવારે સમાચાર આવ્યા કે રિશી કપૂર હવે નથી રહ્યા. થોડા દિવસો પહેલા સુધી ગંભીર હાલત હોવા છતાં તેઓ હોસ્પિટલના સ્ટાફને હસાવતા હતા, તો ક્યારેક ગીતો સંભળાવતા હતા. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા રિશી કપૂરની એકમાત્ર દીકરી રિદ્ધિમા કહે છે, 'બધું અચાનક થઈ ગયું, તે દિવસ ખૂબ જ ડરામણો હતો. અચાનક એક ખાલીપો આવી ગયો. એક સુનકાર, તેમની જિંદગી અને તેમની હાજરી ‘લાર્જર ધેન લાઈફ’ હતી.' રિશી કપૂર 3 વર્ષના હતા જ્યારે તેઓ પિતા રાજ કપૂરની ફિલ્મ 'શ્રી 420'માં ચોકલેટની લાલચમાં જોવા મળ્યા હતા. ત્યારથી તેમનો સિનેમા સાથે એવો સંબંધ બંધાયો, જે આજીવન ટકી રહ્યો. 1973ની ફિલ્મ 'બોબી'થી ફિલ્મોમાં આવેલા રિશી કપૂર ઉર્ફે ચિન્ટુએ 'રફુચક્કર', 'કર્ઝ', 'પ્રેમ રોગ', 'ચાંદની' જેવી શ્રેષ્ઠ ફિલ્મો કરી. વધતી ઉંમર સાથે તેમણે 'અગ્નિપથ', 'સ્ટુડન્ટ ઓફ ધ યર', 'કપૂર એન્ડ સન્સ', 'નમસ્તે લંડન', '102 નોટ આઉટ' જેવી ફિલ્મો કરી. રિદ્ધિમા કહે છે, 'તેમનામાં સિનેમા માટે ઝનૂન હતું. તેઓ ખૂબ જ પેશનેટ હતા. અમે તેમની ફિલ્મોના સેટ પર જતા હતા. તેઓ એક ખૂણામાં બેસીને પાત્રની તૈયારી કરતા હતા.' જ્યારે અમે રિદ્ધિમાને પૂછ્યું કે તેમને ક્યારે ખબર પડી કે તેમના પિતા આટલા મોટા સ્ટાર છે? તો જવાબમાં હસતા હસતા તેણે કહ્યું, 'સ્કૂલમાં. જ્યારે ટીચર અમને કહેતા હતા કે, 'અમે કાલે તમારા પપ્પાની ફિલ્મ જોઈ, બહુ મજા આવી.' ફ્રેન્ડ્સ પણ કહેતા હતા કે, 'તમારા પપ્પા અને મમ્મી કેટલા ફેમસ છે.' જ્યારે અમે જમવા બહાર જતા હતા, ત્યારે પણ ઘણા બધા લોકો આવીને ઓટોગ્રાફ લેતા હતા. ત્યારે અમે વિચારતા કે આટલી બધી ભીડ કેમ ભેગી થઈ રહી છે? અમે પૂછતા કે, 'તમે શું લખી રહ્યા છો?' તો તેઓ સમજાવતા કે, 'અમે એક્ટર છીએ, કારણ કે અમે ફિલ્મમાં કામ કરીએ છીએ.' રિદ્ધિમા કહે છે કે, રિશી કપૂર ભલે એક સ્ટાર હતા, પરંતુ પરિવાર માટે તેઓ એક ઉત્તમ 'ફેમિલી મેન' હતા, જેમના માટે પ્રાથમિકતા હંમેશા પરિવાર હતો. રિદ્ધિમા કહે છે, 'તેઓ અમને ઘણા વેકેશન પર લઈ જતા હતા, જ્યારે શૂટિંગ કરતા હતા, ત્યારે અમારું સમર વેકેશન એવી રીતે પ્લાન કરતા કે કામ પણ થઈ જાય અને ફરી પણ શકાય. જે કંઈ કરતા તે અમારી આસપાસ કરતા. તેઓ અમને સૌથી પહેલા મહત્ત્વ આપતા હતા. તેમણે પરિવારને હંમેશા પ્રાથમિકતા આપી. અમારે શનિવારે રજા હોતી હતી, તેઓ સાંજે વ્યસ્ત રહેતા હતા, તેથી અમને દિવસે લંચ પર લઈ જતા. તેમણે એક ગેમ પણ બનાવી હતી, 'રેપિડ ફાયર' જેવી. કારમાં તેઓ આગળ અને હું, રણબીર, મમ્મી પાછળ બેસતા. તેઓ જલ્દી-જલ્દી 10 પ્રશ્નો પૂછતા હતા, સાચો જવાબ આપનારને ટ્રીટ મળતી હતી.' રિશી કપૂરનું અચાનક દુનિયામાંથી વિદાય લેવું, પરિવાર માટે જોરદાર આંચકો હતો. આ અંગે રિદ્ધિમા કહે છે, 'બહુ ખાલીપો અનુભવાય છે. એટલો કે કહી શકતી નથી. તે સમય ઘણો ખરાબ હતો. હું મમ્મી (નીતુ સિંહ) સાથે હતી. મારી, રણબીર, આલિયાની પહેલી પ્રાથમિકતા હતી કે મમ્મી ઠીક રહે. અમે તેમને વ્યસ્ત રાખતા કે ગમે તેમ કરીને તેમને બહાર લઈ જવા, તેમનું ધ્યાન ભટકાવવું, કારણ કે આ બધું અચાનક થયું હતું. હું વ્યક્ત કરી શકતી નથી. તે બહુ ડરામણી ફીલિંગ હતી. બહુ ખાલીપો થઈ ગયો. બહુ એકલતા. હું આજે પણ ક્યારેય તેમને 'ભૂતકાળ' તરીકે યાદ કરી શકતી નથી. હું હંમેશા કહું છું કે, તેઓ અત્યારે છે, અમને ગાઈડ કરી રહ્યા છે, અમને પ્રેમ કરી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે.' 'હું તેમની સાથે ઘણી વાતો કરવા માંગુ છું. મારે કહેવું છે કે, પપ્પા અમે બધા તમને બહુ સેલિબ્રેટ કરીએ છીએ. અમે દરરોજ ફેમિલી વીડિયો કોલ પર તમારી વાતો કરીએ છીએ કે જો તમે હોત તો શું બોલત, શું કરત. આજ સુધી એક પણ દિવસ એવો નથી ગયો, જ્યારે તમારી વાત ન થઈ હોય.' દીકરી રિદ્ધિમાના જણાવ્યા અનુસાર, પિતા રિશી કપૂર 'લાર્જર ધેન લાઈફ' જિંદગી જીવતા હતા. તેનું પરિણામ એ કિસ્સાઓ છે, જે તેમની બેબાકી, હાજરજવાબી, ગુસ્સો અને મજેદાર વ્યક્તિત્વ દર્શાવે છે. ક્યારેક તેમણે અમિતાભને અપાતો એવોર્ડ ખરીદીને પોતાના નામે કર્યો, તો ક્યારેક સલમાન ખાનના પિતાની ધમકીનો જવાબ આપ્યો. ડિમ્પલ કાપડિયા સાથેનું અફેર પણ ચર્ચામાં રહ્યુ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેની તેમની મુલાકાત પણ વિવાદનું કારણ બની. પુણ્યતિથિના અવસરે રિશી કપૂરની જિંદગી સાથે જોડાયેલા કેટલાક શ્રેષ્ઠ કિસ્સાઓ વાંચો- કિસ્સો-1: ચોકલેટની લાલચમાં 3 વર્ષના રિશી કપૂરે એક્ટિંગ કરી 4 સપ્ટેમ્બર 1952. બોમ્બેના મટુંગા સ્થિત 'રાજ કપૂર બંગલા'માં કૃષ્ણા કપૂરે દીકરા રિશીને જન્મ આપ્યો. તેઓ ત્રણ ભાઈઓમાં વચ્ચેના હતા. રણધીર કપૂર (કરીના-કરિશ્માના પિતા) મોટા હતા અને રાજીવ કપૂર નાના. પિતા રાજ કપૂર 'શોમેન' હતા. રિશી માત્ર 3 વર્ષના હતા જ્યારે પિતા રાજ કપૂર, નરગીસ સાથે 'શ્રી 420' બનાવી રહ્યા હતા. ફિલ્મના પ્રખ્યાત ગીત 'પ્યાર હુઆ ઈકરાર હુઆ'માં જ્યારે રાજ કપૂરને ચાઈલ્ડ આર્ટિસ્ટની જરૂર પડી, ત્યારે તેઓ પોતાના દીકરાને સેટ પર લઈ આવ્યા. ઊંડી આંખો, વાંકડિયા વાળ અને ભરાવદાર ગાલ, દરેકનું ધ્યાન ખેંચતા હતા. સેટ પર તેમણે બીજા બાળકો સાથે વરસાદમાં પલળવાનું હતું, પરંતુ નાજુક ચિન્ટુ જી ઉપર જેવા જ ટીપાં પડતા, તેઓ રડવા લાગતા. ઘણી વાર શૉટ ખરાબ થયા અને રીલ્સ બગડવા લાગી. ત્યારે નરગીસ ધીમેથી તેમની પાસે આવ્યા અને કહ્યું, "જો તું રડ્યા વગર શૉટ પૂરો કરીશ, તો હું તને ઘણી બધી ચોકલેટ આપીશ." ખાવા-પીવાના શોખીન ચિન્ટુ કેમ રાજી ન થાય! અને આ રીતે રિશી કપૂરે 1955ની ફિલ્મ 'શ્રી 420'થી ચાઈલ્ડ એક્ટર તરીકે ફિલ્મોમાં એન્ટ્રી લીધી. કિસ્સો-2: બાળકોને કારમાં ભરીને 'મુગલ-એ-આઝમ'ના સેટ પર લઈ જતા દાદા પૃથ્વીરાજ કપૂર 1960માં આવેલી ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં રિશી કપૂરના દાદા પૃથ્વીરાજ કપૂરે બાદશાહ અકબરનું પાત્ર ભજવ્યું હતું. તેઓ અવારનવાર ઘરના બધા બાળકોને કારમાં ભરીને સેટ પર લઈ જતા હતા. ત્યારે રિશી કપૂર 6 વર્ષના હતા. બધા બાળકો મધુબાલાની સુંદરતા જોઈ રહ્યા હતા, પરંતુ રિશી કપૂરની નજર દિલીપ કુમાર પર ટકી હતી. કિસ્સો-3: સિગારેટ પીતા જોઈ જતાં રાજ કપૂરે માર માર્યો આશરે 15 વર્ષની ઉંમરે મિત્રોના કારણે રિશી કપૂરને સિગારેટ પીવાની લત લાગી ગઈ. તેઓ મુંબઈની ચેમ્પિયન સ્કૂલની બહાર કોકાકોલા સ્ટેન્ડની દુકાન પર અહેમદ નામના દુકાનદાર પાસેથી સિગારેટ લેતા હતા. એક સમયે દુકાનમાં તેમની 300 રૂપિયાની ઉધારી થઈ ગઈ. એક દિવસ ગુસ્સામાં અહેમદે કહ્યું કે, જો ઉધારી નહીં ચૂકવે, તો તેઓ રાજ કપૂરને કહી દેશે. એક દિવસ રિશી કપૂર પિતાના મેકઅપ મેન સાથે સિગારેટ પી રહ્યા હતા, ત્યારે જ રાજ કપૂર ત્યાં પહોંચી ગયા. રંગે હાથે પકડાયા પછી રાજ કપૂરે રિશી કપૂરને ખૂબ માર્યો. નોંધનીય છે કે, સ્ટાર બન્યા પછી રિશી કપૂર 300 રૂપિયા ઉધાર ચૂકવવા ગયા હતા, પરંતુ ત્યારે અહેમદે પૈસા લીધા નહોતા અને તેમને ફક્ત ગળે લગાવી લીધા હતા. કિસ્સો-4: ગર્લફ્રેન્ડની આપેલી વીંટી ડિમ્પલ કાપડિયાને આપી દીધી રિશી કપૂરને સ્કૂલના દિવસોમાં યાસ્મીન નામની પારસી છોકરી સાથે પહેલો પ્રેમ થયો હતો. તેણે જ 'બોબી'થી ડેબ્યૂ કરનાર રિશી કપૂરને વજન ઘટાડવામાં મદદ કરી હતી. એક દિવસ યાસ્મીને રિશીને એક વીંટી ગિફ્ટ કરી, જે તેઓ હંમેશા પહેરી રાખતા હતા. 'બોબી'ના શૂટિંગ સમયે રિશી કપૂર અને ડિમ્પલ વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. ડિમ્પલ ઘણીવાર તેમની વીંટી પહેરી લેતી હતી. ધીરે ધીરે તે વીંટી ડિમ્પલની જ થઈ ગઈ. ડિમ્પલને લગ્ન માટે પ્રપોઝ કરતી વખતે રાજેશ ખન્નાએ રિશી કપૂરની તે વીંટી ઉતરાવીને દરિયામાં ફેંકી દીધી હતી અને પછી પોતાની વીંટી પહેરાવી હતી. ત્યારે અહેવાલ આવ્યા હતા કે, રિશીએ જ તે વીંટી ડિમ્પલને પહેરાવી હતી. આ જ કારણ રહ્યુ કે રિશી કપૂરની ગર્લફ્રેન્ડ યાસ્મીને તેમની સાથે બ્રેકઅપ કરી લીધું. ડિમ્પલ કાપડિયા અને રિશીની ડેબ્યૂ ફિલ્મ 'બોબી' (1973) સુપરહિટ રહી હતી. પરંતુ પછી ડિમ્પલે રાજેશ ખન્ના સાથે લગ્ન કરીને ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. કિસ્સો-5: પૈસા આપીને ખરીદ્યો પહેલો એવોર્ડ, અમિતાભ સાથે થયો અણબનાવ ફિલ્મ 'બોબી' (1973) માટે રિશી કપૂરને ફિલ્મફેર બેસ્ટ એક્ટર એવોર્ડ મળ્યો હતો. તે વર્ષે રિશી સિવાય અમિતાભ બચ્ચન પણ ફિલ્મ 'ઝંજીર' માટે નોમિનેટ થયા હતા. બધી બાજુ ચર્ચા હતી કે એવોર્ડ અમિતાભને જ મળશે, પરંતુ રિશી કપૂરે 30 હજાર રૂપિયામાં તે એવોર્ડ ખરીદી લીધો. એવું તેમણે પીઆરઓ તારકનાથ ગાંધી અને પોતાના સેક્રેટરી ઘનશ્યામના કહેવા પર કર્યું હતું. જેવી અમિતાભ બચ્ચનને ખબર પડી કે રિશીએ એવોર્ડ ખરીદ્યો છે, તો બંને વચ્ચે કોલ્ડવોર શરૂ થઈ ગઈ. રિશી કપૂરે પોતાની ઓટોબાયોગ્રાફી 'ખુલ્લમ-ખુલ્લા'માં લખ્યું કે તેમને એવોર્ડ ખરીદવાનો પસ્તાવો હતો અને શરમ હતી. આ પછી અમિતાભ બચ્ચન તેમનાથી નારાજ થઈ ગયા હતા. કિસ્સો-6: ફ્યુચર વાઈફ નીતુ સિંહ પાસે એક્સ ગર્લફ્રેન્ડ યાસ્મીનને કોલ કરાવતા, હોટલમાં જોઈ દિલ તૂટ્યું રિશી કપૂર યાસ્મીન સાથે સંબંધ જાળવી રાખવા માંગતા હતા. ફિલ્મ 'ઝહેરીલા ઇન્સાન'ના શૂટિંગ સમયે રિશી, કો-સ્ટાર અને મિત્ર નીતુ સિંહ પાસે યાસ્મીનને કોલ કરાવતા હતા, પરંતુ જવાબ મળતો નહોતો. એક દિવસ રિશી તાજ હોટલમાં હતા, ત્યારે જ તેમને યાસ્મીન દેખાઈ, જે ત્યાં રિશીના જ એક જૂના મિત્ર સાથે આવી હતી. આ જોઈને રિશી કપૂરનું દિલ તૂટી ગયું. 2 હજાર લઈને પહોંચેલા રિશી કપૂરે 18 હજાર રૂપિયાની દારૂ પી લીધી. બાદમાં તેમનો મેનેજર સાથે ખૂબ ઝઘડો થયો હતો. કિસ્સો-7: સલીમ-જાવેદે આપી હતી કરિયર બરબાદ કરવાની ધમકી, જવાબમાં કહ્યું - કરી બતાવો 'ઝંજીર', 'શોલે' લખનાર સલીમ-જાવેદનું 80ના દાયકામાં મોટું નામ હતું. દરેક વ્યક્તિ તેમની લખેલી ફિલ્મ કરવા માંગતી હતી. એકવાર રાઈટર જોડીએ રિશી કપૂરને ફિલ્મ ઓફર કરી, જે તેમણે ઠુકરાવી દીધી. સલીમ-જાવેદ તેનાથી ચીડાઈ ગયા. એક દિવસ તેમની મુલાકાત પ્લેમેટ ક્લબમાં થઈ. સલીમ ખાન (સલમાનના પિતા) એ રિશીને જોતા જ કહ્યું, 'તમારી હિંમત કેવી રીતે થઈ અમારી ફિલ્મ ઠુકરાવવાની.' જવાબ મળ્યો- 'મને ફિલ્મ પસંદ ન આવી.' સલીમે ગુસ્સામાં કહ્યું, 'તું જાણતો નથી કે ઇન્ડસ્ટ્રીમાં આજ સુધી અમને કોઈએ ઇનકાર નથી કર્યો. અમે તારું કરિયર તબાહ કરી શકીએ છીએ.' આ સાંભળીને રિશી કપૂરે કહ્યું, 'તમે મને બરબાદ કરવા માટે શું કરી શકો છો?' સલીમે કહ્યું-'તારી સાથે કોણ કામ કરશે, શું તું જાણે છે, અમે રાજેશ ખન્નાને 'ઝંજીર' ઓફર કરી હતી, પરંતુ તેણે ફિલ્મ કરવાની ના પાડી હતી. અમે તેની સાથે કંઈ ન કર્યું, બસ તેની જગ્યાએ અમિતાભને લઈ આવ્યા, જેણે તેને બરબાદ કરી દીધા. અમે તારી સાથે પણ આવું જ કરીશું.' આના પર રિશી કપૂરે કહ્યું- 'ગો અહેડ (આગળ વધો) અને મને બરબાદ કરીને બતાવો.' કિસ્સો-8: દાઉદ ઈબ્રાહિમે કોલ કરીને ચા પર ઈન્વાઈટ કર્યા વર્ષ 1988માં રિશી કપૂર મિત્ર બિટ્ટુ આનંદ સાથે આશા ભોંસલેનો પ્રોગ્રામ એટેન્ડ કરવા દુબઈ ગયા હતા. એરપોર્ટ પર અચાનક એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને તેમને મોબાઈલ આપતા કહ્યું, 'દાઉદ સાહેબ વાત કરશે.' દાઉદે કોલ પર કહ્યું- 'કોઈપણ વસ્તુની જરૂર હોય તો બસ મને કહી દેજો.' આ સાંભળીને રિશી કપૂર ડરી ગયા. થોડા સમય પછી દાઉદ ઈબ્રાહિમના રાઈટ હેન્ડે તેમને કહ્યું કે, 'દાઉદ તમારી સાથે ચા પીવા માંગે છે.' રિશી કપૂર ઇનકાર ન કરી શક્યા. તે જ સાંજે તેમની હોટલમાં એક રોલ્સ રોયસ આવી, જે તેમને એક અજાણી જગ્યાએ લઈ ગઈ. દાઉદે રિશી સાથે મુલાકાત કરી અને કહ્યું- 'હું ડ્રિંક નથી કરતો તેથી તમને ચા પર બોલાવ્યા.' આ મુલાકાત 4 કલાક ચાલી હતી. કિસ્સો-9: નીતુ માટે ગિફ્ટની જગ્યાએ કૂતરાના બિસ્કિટ લઈ આવ્યા રિશી કપૂરે 13 ફિલ્મોમાં કો-સ્ટાર રહી ચૂકેલી નીતુ સિંહ સાથે 1980માં લગ્ન કર્યા હતા. આ લગ્ન આરકે સ્ટુડિયોમાં થયા હતા. આ લગ્નથી કપલને બે બાળકો, દીકરો રણબીર કપૂર અને દીકરી રિદ્ધિમા કપૂર થયા. એકવાર રિશી કપૂર અમેરિકા ગયા, તો નીતુ સિંહે ફરમાઈશ કરીને ઘણી વસ્તુઓની યાદી આપી દીધી. થોડા દિવસો પછી રિશી કપૂર 3 સૂટકેસ સાથે પાછા ફર્યા. નીતુને લાગ્યું કે સૂટકેસમાં તેમની વસ્તુઓ હશે, પરંતુ ખરેખર તેમાં પાલતુ કૂતરાના બિસ્કિટ હતા. આ વાત પર રિશી-નીતુનો ખૂબ ઝઘડો થયો હતો. કિસ્સો-10: મૂડ ખરાબ થયો તો ડિરેક્ટરને હાઈવે પર કારમાંથી ઉતારી દીધો રિશી કપૂર હંમેશાથી ગુસ્સાવાળા હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળતા પહેલા જ કહી દેતા કે, 'પહેલા મારી શરતો સાંભળો, મંજૂર હોય તો જ વાત આગળ વધશે.' શરતો એવી હતી કે, 'સવારે 10 પહેલા અને રાત્રે 8 પછી શૂટ નહીં કરું. નાઈટ સીન હોય તો પણ દિવસમાં સેટ બનાવીને કરો. રવિવારે શૂટ નહીં કરું.' એક દિવસ ફિલ્મ સિટીમાં શૂટિંગ કરતી વખતે એક ડિરેક્ટરે કહ્યું કે, તે તેમને સ્ક્રિપ્ટ નેરેશન આપવા માંગે છે. તેઓ વ્યસ્ત હતા, તો ડિરેક્ટરે કહ્યું કે, 'પેકઅપ પછી જ્યારે તમે ઘરે નીકળો, તો હું રસ્તામાં મેકઅપ વેનમાં જ સંભળાવી દઈશ.' તેઓ માની ગયા. મેકઅપ વેનમાં રિશી કપૂર હંમેશા પાછળના રૂમમાં ન બેસતા ડ્રાઈવર સાથે આગળ બેસતા હતા, કારણ કે તેમને હલતા રૂમ પસંદ નહોતા. પરંતુ તે દિવસે ડ્રાઈવરના કારણે તેમને પાછળ રૂમમાં બેસવું પડ્યું. તેઓ પહેલાથી જ ચીડાયેલા હતા, ત્યાં જ ડિરેક્ટરે સતત બોલવાનું શરૂ કરી દીધું. ફિલ્મમાં શું સારું છે, કેવી હશે, હીરો શું કરશે, વગેરે-વગેરે. મેકઅપ વેન હાઈવે પર હતી. ફિલ્મની મોટાભાગની વાર્તા એક રાતની હતી, તો રિશી કપૂરનો રસ ઓછો થઈ ગયો, કારણ કે તેઓ રાત્રે શૂટ કરતા નહોતા. ત્યારે જ તેમણે પૂછ્યું, ‘સેટ ક્યાં હશે?’ તો ડિરેક્ટરે ખૂબ જ ઉત્સાહમાં કહ્યું, 'મોટાભાગનું શૂટિંગ રોડ પર હશે.' આ સાંભળતા જ રિશી કપૂર વધુ ચીડાઈ ગયા. તેમણે તરત જ ડ્રાઈવરને બૂમ પાડી અને કહ્યું- 'ગાડી રોકો', અને તે ડિરેક્ટરને હાઈવે પર જ ઉતારી દીધો અને ત્યાંથી નીકળી ગયા. 50 વર્ષની કરિયર અને 121 ફિલ્મો પોતાની 50 વર્ષની ફિલ્મી કરિયરમાં રિશીએ આશરે 121 ફિલ્મોમાં કામ કર્યું. 1973 થી 2000 વચ્ચે રિશીએ 92 રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી 36 ફિલ્મો સુપરહિટ સાબિત થઈ. જેમાં 'કર્ઝ', 'દીવાના', 'ચાંદની', 'સાગર', 'અમર અકબર એન્થની', 'હમ કિસી સે કમ નહીં', 'પ્રેમ રોગ', 'હિના' જેવી ફિલ્મો સામેલ છે.
Read Original Article →