પુણ્યતિથિ: બીમારીમાં પણ કામ કરતા રહ્યા રિશી કપૂર:દીકરી રિદ્ધિમાએ કહ્યું- પ્રોડ્યુસર્સને નુકસાન ન થાય, એટલે છેલ્લી ઘડી સુધી શૂટિંગ ચાલુ રાખ્યું

Entertainment4/30/2026, 11:55:45 AM
પુણ્યતિથિ: બીમારીમાં પણ કામ કરતા રહ્યા રિશી કપૂર:દીકરી રિદ્ધિમાએ કહ્યું- પ્રોડ્યુસર્સને નુકસાન ન થાય, એટલે છેલ્લી ઘડી સુધી શૂટિંગ ચાલુ રાખ્યું
રિશી કપૂરની છઠ્ઠી પુણ્યતિથિ પર તેમની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમના જુસ્સા અને જવાબદારીને યાદ કર્યો. રિદ્ધિમાએ કહ્યું કે પપ્પાએ ક્યારેય સંજોગો સામે હાર માની ન હતી. તેઓ બીમારીમાં પણ કામ કરતા રહ્યા, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે કોઈ પ્રોડ્યુસરને નુકસાન થાય. આ એક જવાબદાર વ્યક્તિની ઓળખ હતી. તેમણે તેમના પરિવાર પ્રત્યેના પ્રેમ, ઈમાનદારી અને કામ પ્રત્યેના જુસ્સાને યાદ કર્યો. તેમણે કહ્યું કે આજે પણ આખો પરિવાર તેમને દરરોજ યાદ કરે છે અને તેમની શીખ, મહેનત, નમ્રતા અને સચ્ચાઈને જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરે છે. પ્રશ્ન: ઋષિ સરની સૌથી પહેલી યાદ જે તમારા મનમાં આવે છે, તે શું છે? જવાબ: ઘણી બધી યાદો છે, તેમને એક-બેમાં સમાવવી મુશ્કેલ છે. અમારા જીવનમાં તેમની હાજરી જ સૌથી મોટી યાદ છે. તેઓ અમારી લાઇફમાં એટલો સકારાત્મક પ્રભાવ રાખતા હતા કે આજે પણ અમે તેમને દરરોજ અનુભવીએ છીએ. અમે રોજ તેમની વાતો કરીએ છીએ અને ફેમિલી સાથે તેમનો ઉલ્લેખ થાય છે. સાચું કહું તો અમે તેમને દરરોજ સેલિબ્રેટ કરીએ છીએ. તેમની પર્સનાલિટી લાર્જર ધેન લાઇફ હતી - કામ પ્રત્યેનો જુસ્સો અને પરિવાર માટે ઊંડો પ્રેમ. આ જ વસ્તુઓ આજે પણ સૌથી વધુ યાદ આવે છે. પ્રશ્ન: પપ્પાને એક વ્યક્તિ તરીકે કેવી રીતે યાદ કરો છો? જવાબ: તેઓ ખૂબ જ સાચા માણસ હતા. દિલના સાફ હતા. જે કંઈ તેમના દિલમાં હતું, તે ખચકાટ વિના જીભ પર લઈ આવતા હતા. વસ્તુઓને ફેરવતા-ફેરવતા નહોતા. થોડા આખા બોલા હતા, પરંતુ તે તેમની ઈમાનદારીનો ભાગ હતો. તેમની પ્રમાણિકતા અને સાફ દિલ જ તેમની સૌથી મોટી ઓળખ હતી. પ્રશ્ન: બાળપણની સૌથી ખાસ યાદો કઈ છે? જવાબ: બાળપણની ઘણી યાદો તેમની સાથે જોડાયેલી છે. અમે દરેક રજા અને વેકેશનમાં સાથે ફરવા જતા હતા. પપ્પા શૂટિંગ એવી રીતે પ્લાન કરતા હતા કે રજાઓ સાથે હોય અને અમે સાથે રહી શકીએ. તેઓ દરેક કામમાં અમને ધ્યાનમાં રાખતા હતા અને બાળકોને પ્રાથમિકતા આપતા હતા. દરેક વીકએન્ડ, ખાસ કરીને શનિવાર રાત્રે કે રવિવારે, તેઓ અમને લંચ પર લઈ જતા, દિવસ સાથે વિતાવતા અને મૂવી બતાવતા હતા. તેઓ અમારી સાથે રેપિડ ફાયર ગેમ રમતા હતા. ગાડી કે ટ્રાફિકમાં તેઓ જનરલ નોલેજના સવાલો પૂછતા હતા. સાચા જવાબ પર ચોકલેટ મળતી હતી. આ નાની પળો અમારા માટે ખૂબ જ ખાસ છે. પ્રશ્ન: તેમના ગયા પછી પરિવારમાં સૌથી મોટો બદલાવ શું હતો? જવાબ: ખૂબ મોટો ખાલીપો આવી ગયો હતો. એવું લાગ્યું કે જાણે બધું જ અટકી ગયું હોય. તે સમયે અમે અમારી લાગણીઓ સાથે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ ધ્યાન મમ્મીને સંભાળવા પર હતું. અમે તેમને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરતા હતા - ક્યારેક બહાર લઈ જઈને, ક્યારેક વાતોમાં ઉલઝાવીને. તે સમય ખૂબ જ મુશ્કેલ હતો, કારણ કે બધું જ અચાનક થયું. આજે પણ અમે તેમને ભૂતકાળમાં યાદ નથી કરતા. અમે કહીએ છીએ કે તેઓ "છે" - તેઓ આજે પણ અમને માર્ગદર્શન આપી રહ્યા છે, પ્રેમ કરી રહ્યા છે અને આશીર્વાદ બનીને સાથે છે. પ્રશ્ન: તેમની કઈ વાત આજે પણ સૌથી વધુ પ્રેરિત કરે છે? જવાબ: તેઓ હંમેશા કહેતા હતા કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. જીવનમાં કંઈક હાંસલ કરવું હોય, તો મહેનત કરવી પડશે. કોઈપણ ક્ષેત્રમાં હો - એક્ટિંગ, ડિઝાઇન, ફેશન - દરેક જગ્યાએ સખત મહેનત જરૂરી છે. સાથે જ, તેઓ શીખવતા હતા કે જેટલા ઉપર જાઓ, તેટલા જ જમીન સાથે જોડાયેલા રહો અને નમ્ર બનો. પ્રશ્ન: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના અનુભવથી તમે શું શીખ્યા? જવાબ: તેમનો કામ પ્રત્યેનો જુસ્સો સૌથી મોટો પાઠ છે. તેઓ બીમાર હોવા છતાં કામ કરતા રહ્યા. તેમને બીમારીની જાણ હતી, પરંતુ તેમણે હાર ન માની. જો તેમણે કોઈ ફિલ્મ સાઈન કરી હોત, તો તેને પૂરી કરવાની પૂરી કોશિશ કરતા હતા, કારણ કે તેમને લાગતું હતું કે તેમના કારણે કોઈ પ્રોડ્યુસરને નુકસાન ન થવું જોઈએ. મને યાદ છે, તબિયત ખરાબ હોવા છતાં તેઓ દિલ્હીમાં ઠંડીમાં શૂટિંગ કરી રહ્યા હતા. તેમને કામ પ્રત્યે સાચો પ્રેમ હતો અને તેઓ અંતિમ સમય સુધી એક્ટિંગ કરવા માંગતા હતા. પ્રશ્ર: શું કોઈ એવી ક્ષણ હતી જ્યારે તમે તેમને પિતા નહીં, પરંતુ મિત્રની જેમ અનુભવ્યા? જવાબ: હા, ચોક્કસ. લગ્ન પછી અમે વધુ નજીક આવી ગયા હતા. તેઓ મને રોજ કોલ અને ફેસટાઇમ કરતા હતા. જો હું ફોન ન ઉપાડતી, તો બે-ત્રણ વાર કોલ કરીને પૂછતા હતા. મારી દીકરી સમરા સાથે પણ તેમનો ખાસ સંબંધ હતો. તેઓ તેની સાથે વીડિયો કોલ પર વાત કરતા હતા અને તેને અલગ-અલગ નામોથી બોલાવતા હતા - જેમ કે "તેલુ રામ", "બંદરી". તેમના માટે પરિવાર જ સર્વસ્વ હતો. પ્રશ્ર: કોઈ એવો કિસ્સો જે હંમેશા યાદ રહેશે? જવાબ: જ્યારે હું ફિલ્મ Kapoor Sons ના સેટ પર ગઈ હતી, ત્યારે મેં પહેલીવાર તેમની કામ કરવાની રીત નજીકથી જોઈ. તેઓ શૉટ પહેલાં થોડીવાર એકલા બેસતા હતા અને પોતાના પાત્રમાં ઢળતા હતા. પછી તૈયાર થઈને શૉટ આપતા હતા. તે દિવસે મેં તેમનું સમર્પણ અને વ્યાવસાયિકતા નજીકથી અનુભવી. પ્રશ્ર: તમને ક્યારે અહેસાસ થયો કે પપ્પા આટલા મોટા સ્ટાર છે? જવાબ: સ્કૂલમાં, જ્યારે શિક્ષકો અને મિત્રો તેમના વિશે વાત કરતા હતા. જ્યારે અમે બહાર જતા હતા અને લોકો તેમની પાસે ઓટોગ્રાફ માંગતા હતા, ત્યારે સમજાયું કે તેઓ મોટા સ્ટાર છે. ત્યારે અમને સમજાવવામાં આવ્યું કે લોકો તેમને એટલા માટે પસંદ કરે છે કારણ કે તેઓ ફિલ્મોમાં કામ કરે છે અને તેમની સાથે જોડાણ અનુભવે છે. પ્રશ્ન: શું તમે આજે પણ તેમની કોઈ સલાહ કે શીખને યાદ કરો છો? જવાબ: સખત મહેનત, ઈમાનદારી અને નમ્રતા. તેઓ કહેતા હતા કે જે પણ કામ કરો, પૂરી ઈમાનદારીથી કરો અને જેટલી સફળતા મળે, તેટલા નમ્ર રહો. પ્રશ્ન: તમારા માટે તેમની સૌથી મોટી વિરાસત શું છે? જવાબ: તેમનો પ્રેમ અને પરિવાર પ્રત્યે સમર્પણ. દુનિયા માટે તેઓ મહાન એક્ટર હતા, પરંતુ મારા માટે તેઓ હંમેશા શ્રેષ્ઠ પિતા અને સાચા ફેમિલી મેન રહેશે. પ્રશ્ન: આજે જો પપ્પાને કંઈ કહેવું હોય, તો શું કહેશો? જવાબ: અમે તમને દરરોજ યાદ કરીએ છીએ, તમારી વાતો કરીએ છીએ. એવો કોઈ દિવસ નથી જતો જ્યારે તમારો ઉલ્લેખ ન થાય. અમને લાગે છે કે તમે આજે પણ અમારી સાથે છો.
Read Original Article →