રિહાનાની સંઘર્ષથી સફળતાની વણકહી વાર્તા:ગુજરાન ચલાવવા માટે રસ્તા પર કપડાં વેચ્યાં, હિંસાનો ભોગ બની; આજે ગ્લોબલ પોપ સ્ટાર
પૉપ સ્ટાર રિહાનાની ગણતરી આજે ભલે દુનિયાના સૌથી ધનિક અને સફળ કલાકારોમાં થતી હોય, પરંતુ એક સમયે તે રસ્તાઓ પર કપડાં વેચી ચૂકી છે. તેનું જીવન સામાજિક અને આર્થિક સંઘર્ષોમાંથી પસાર થયું છે. હાલમાં તે તેની ભારત સફરને લઈને ચર્ચામાં છે. ચાલો જાણીએ તેની સંઘર્ષથી સફળતા સુધીની કહાણી. સંઘર્ષનો સમયગાળો: માનસિક તણાવથી ઝઝૂમી, પરિવાર પણ તૂટી ગયો ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી રોબિન રિહાના ફેન્ટીનો જન્મ 20 ફેબ્રુઆરી 1988ના રોજ બાર્બાડોસના સેન્ટ માઈકલ વિસ્તારમાં થયો હતો. 7 વર્ષની ઉંમરથી જ તેને સંગીત પ્રત્યે ઊંડી રુચિ હતી. શાળાના દિવસોમાં તેણે સહપાઠીઓ સાથે મ્યુઝિક બેન્ડ બનાવ્યું. તેના પિતાને દારૂ અને કોકેઈનની લત હતી. આ કારણે ધીમે ધીમે પરિવારની આર્થિક સ્થિતિ બગડતી ગઈ. ગુજરાન ચલાવવા માટે રિહાનાને પિતા સાથે રસ્તા પર કપડાં વેચવા પડ્યા. આર્થિક તંગી અને ઘરમાં ઝઘડાઓને કારણે માનસિક તણાવથી રિહાનાને ગંભીર માઈગ્રેન થઈ ગયો, જેની વર્ષો સુધી સારવાર ચાલી. જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે માતા-પિતાના છૂટાછેડાથી પરિવાર તૂટી ગયો. રિહાના માટે આ ખૂબ જ મુશ્કેલીભર્યો સમયગાળો રહ્યો. ઉતાર-ચઢાવ: અમેરિકામાં કારકિર્દી શરૂ કરી, પરંતુ લાખો ડોલર ગુમાવ્યા 2003માં રેકોર્ડ પ્રોડ્યુસર ઇવાન રોજર્સે રિહાનાને અમેરિકા બોલાવી. 2005માં તેમનો પહેલો આલ્બમ રિલીઝ થયો. પરંતુ 2009માં બોયફ્રેન્ડના હુમલામાં રિહાના ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. પછી તે જ વર્ષે તેમની એકાઉન્ટિંગ ફર્મના કથિત ગેરવહીવટને કારણે તેને લાખો ડોલર પણ ગુમાવવા પડ્યા હતા. સફળતા: 9 ગ્રેમી એવોર્ડ જીત્યા, પોતાના દેશની ‘નેશનલ હીરોઈન’ બની આજે રિહાના માત્ર ગ્લોબલ પોપ સ્ટાર જ નહીં, પરંતુ ‘ફેન્ટી બ્યુટી’ જેવી પ્રખ્યાત બ્યુટી બ્રાન્ડની માલકણ પણ છે. તેની સંપત્તિ 1.4 અબજ ડોલર હોવાનું કહેવાય છે. 9 વખત ગ્રેમી અને અનેક વૈશ્વિક પુરસ્કારો જીતી ચૂકી છે. તેને બાર્બાડોસની ‘નેશનલ હીરોઈન’ જાહેર કરવામાં આવ્યા છે.
Read Original Article →