ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના અને ઇશા અંબાણીની અતૂટ મિત્રતા:ફેન્ટી બ્યુટી ઇવેન્ટમાં હાથ પકડીને પોઝ આપ્યા, હિન્દીમાં આભાર વ્યક્ત કરી દિલ જીત્યા
વિશ્વની સૌથી ધનાઢ્ય મહિલા સિંગર રિહાના બીજી વખત ભારત પ્રવાસે આવી છે. ઇન્ટરનેશનલ પૉપ સ્ટાર રિહાનાએ મુંબાઈના ફીનિક્સ પેલેડિયમમાં શુક્રવારે પોતાની કોસ્મેટિક બ્રાન્ડ 'ફેન્ટી બ્યુટી'ના ભારતમાં સત્તાવાર લોન્ચ કરી હતી. આ લોન્ચ ઇવેન્ટને 'ફેન્ટી બ્યુટી કી હવેલી' નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રિલાયન્સ રિટેલની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ હાજર રહી હતી. ઇશા અંબાણી સાથે અતૂટ મિત્રતા લોન્ચ ઇવેન્ટના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઇશા અંબાણી અને પોપ સ્ટાર રિહાના એકસાથે કેમેરા સામે સ્મિત આપતા જોવા મળી રહ્યા છે. બંનેએ એકસાથે પોઝ આપ્યા બાદ જ્યારે ઇશા કેમેરા સામેથી દૂર થવા અને રિહાનાને એકલા પોઝ આપવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે રિહાના ખૂબ પ્રેમથી તેનો હાથ પકડી લે છે અને સાથે પોઝ આપે છે. ઇશાનો 'મરમેઇડ' લૂક આ પ્રસંગે ઈશા અંબાણીએ બ્લુ રંગના અત્યંત આકર્ષક 'મરમેઇડ-સ્ટાઇલ' ગાઉનમાં પોતાની સુંદરતાના કામણ પાથર્યાં હતાં. આ ફિટેડ સિલ્વેટ ગાઉનમાં નાની સ્લીવ્સ હતી અને તેનો આછો વાદળી રંગ ખૂબ જ સોહામણો લાગતો હતો. ગાઉન પર કરવામાં આવેલું ઝીણવટભર્યું ફૂલોનું બીડવર્ક અને સિક્વન્સ વર્ક લાઈટ્સમાં ધીમું પણ અત્યંત પ્રભાવશાળી રીતે ચમકતું હતું. ઇન્ટરનેશનલ સ્ટારે હિન્દીમાં વાત કરી ઇવેન્ટ દરમિયાન રિહાનાએ હિન્દીમાં વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો. રિહાના સ્ટોરની અંદરથી બહાર આવી, ત્યારે તેણે પાપારાઝીને પૂછ્યું, "How do you say thank you in Hindi?" (હિન્દીમાં થેંક યુ કેવી રીતે કહેવાય?) તે સમયે સ્ટોરની અંદર હાજર વ્યક્તિએ કહ્યું કે, “શુક્રિયા”. તો રિહાના હસતાં હસતાં બહાર આવી અને મોટેથી કહ્યું, “શુક્રિયા”. લોન્ચ ઇવેન્ટમાં બિઝનેસમેન ઉપરાંત જાહ્નવી કપૂર, અદિતિ ભાટિયા, ઓરી સહિતના ઘણા બોલિવૂડ સેલેબ્સ સામેલ થયાં હતાં. જુઓ ઇવેન્ટની તસવીરો- નોંધનીય છે કે, ફીનિક્સ પેલેડિયમમાં 25 એપ્રિલથી 4 મે 2026 સુધી આ ખાસ પોપ-અપ સ્ટોર ખુલ્લો રહેશે, જ્યાં ફેન્ટી બ્યુટીના અલગ-અલગ શેડ્સ અને પ્રોડક્ટ્સને લોકો નજીકથી જોઈ અને ટ્રાય કરી શકશે. ભારતમાં ફેન્ટી બ્યુટીના પ્રોડક્ટ્સ હવે રિલાયન્સ રિટેલના તીરા બ્યુટી અને સેફોરા પર વિશેષ રૂપે ઉપલબ્ધ થશે. રિહાનાનો ભારતનો બીજો પ્રવાસ ઇન્ટરનેશનલ સિંગર રિહાના શુક્રવારે બીજી વાર ભારત પહોંચી. મુંબઈના કલિના એરપોર્ટ પર ચાહકો અને પાપારાઝીએ તેનું સ્વાગત કર્યું હતું. તેણે હાથ હલાવીને અભિવાદન કર્યું, સ્મિત કર્યું અને કારમાં બેસતા પહેલાં ફ્લાઈંગ કિસનો ઈશારો કર્યો. આ પહેલા તે 2024માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પરફોર્મ કરવા આવી હતી. તે 29 ફેબ્રુઆરી, 2024ના રોજ જામનગર પહોંચી હતી અને ઇવેન્ટના બીજા દિવસે પાછી ફરી હતી. માર્ચ 2024માં જામનગરમાં યોજાયેલી પ્રી-વેડિંગ સેરેમનીમાં વિશ્વભરની ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી હતી, જેમાં માર્ક ઝકરબર્ગ, પ્રિસિલા ચાન, બિલ ગેટ્સ અને ઇવાન્કા ટ્રમ્પનો સમાવેશ થાય છે. કોણ છે રિહાના? રિહાનાનું પહેલું ગીત 'પોન ડે રિપ્લે' હતું. આ ગીત 24 મે 2005ના રોજ તેના પહેલા સ્ટુડિયો આલ્બમ, 'મ્યુઝિક ઓફ ધ સન'ના લીડ સિંગલ તરીકે રિલીઝ થયું હતું. બીજી તરફ, રિહાનાનું 2007નું ગીત 'અમ્બ્રેલા' તેમના કરિયરનો એક ટર્નિંગ પોઈન્ટ હતો, જેણે તેને ગ્લોબલ સુપરસ્ટાર બનાવી. આનાથી તેને પ્રથમ ગ્રેમી એવોર્ડ પણ મળ્યો. તેણે અત્યાર સુધીમાં નવ ગ્રેમી જીત્યા છે. રિહાના પ્રથમ મહિલા કલાકાર છે, જેના 10 ગીતોએ સ્પોટિફાઈ પર 1 અબજથી વધુ સ્ટ્રીમ્સ પાર કર્યા છે.
Read Original Article →