રણવીર સિંહ 'ડોન 3'માં ગાળો અને હિંસા ઇચ્છતો હતો:ફરહાન અખ્તર 'ડોન'ની ગરિમા જાળવી રાખવા ટસનો મસ ન થયો, ઉગ્ર દલીલ થતાં 'ધુરંધર' એક્ટરે ફિલ્મ છોડી
રણવીર સિંહ અને ડિરેક્ટર ફરહાન અખ્તરની ફિલ્મ 'ડોન 3' ને લઈને એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રણવીર આ ફિલ્મમાં હિંસા અને ગાળો ઇચ્છતો હતો. ફરહાન આ વાત પર રાજી ન થતાં બંને વચ્ચે વિવાદ થયો. લગભગ 3 વર્ષ પહેલાં શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે અધવચ્ચે લટકી ગયો છે કારણ કે રણવીર સિંહે કથિત રીતે આ ફિલ્મ છોડી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીરના ફિલ્મ છોડવાને કારણે ફરહાન અખ્તરને લગભગ 40 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગાળાગાળી અને હિંસા પર ફસાયો પેંચ
'ફ્રી પ્રેસ જર્નલ'ના એક રિપોર્ટ અનુસાર, રણવીર સિંહ ઇચ્છતો હતો કે, 'ડૉન'નું પાત્ર આજના સમય પ્રમાણે વધુ હિંસક અને ડાર્ક હોય. રણવીરનું માનવું હતું કે, દર્શકોને પડદા પર લોહીયાળ દ્રશ્યો અને 'કઠોર ભાષા' (ગાળાગાળી) પસંદ આવી રહી છે. તે ઇચ્છતો હતો કે, ડૉનના ડાયલોગ્સમાં ગાળોનો ઉપયોગ થાય, પરંતુ ફરહાન અખ્તર તેના સખત વિરોધમાં હતો. ફરહાને કહ્યું- 'ડોન' ગાળો નથી દેતો
ફરહાન અખ્તરે રણવીરને સમજાવવાનો પ્રયાસ કર્યો કે 'ડોન' ફ્રેન્ચાઇઝીની પોતાની એક ગરિમા છે. અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાને આ પાત્રને ક્યારેય ગાળો કે બિનજરૂરી મારપીટ દ્વારા રજૂ કર્યું નથી. ફરહાન પોતાની મૂળ વિચારસરણી સાથે સમાધાન કરવા તૈયાર નહોતો. તેનો તર્ક હતો કે, 'ડોન' એક સ્ટાઇલિશ અને શાતિર અપરાધી છે, ન કે કોઈ ગલીનો ગુંડો. આ જ વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ અને આખરે રણવીરે ફિલ્મમાંથી હાથ પાછા ખેંચી લીધા. વિવાદ શા માટે શરૂ થયો?
રણવીર અને ફરહાન વચ્ચે અણબનાવની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ. ફિલ્મ 'ધુરંધર' રિલીઝ થયા પછી રણવીર સિંહે અચાનક 'ડોન 3'માંથી વોકઆઉટ કરી લીધું. ફરહાન અને તેમના પાર્ટનર રિતેશ સિધવાણીએ આ મામલો 'પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા' સમક્ષ રજૂ કર્યો. મીટિંગમાં જણાવવામાં આવ્યું કે ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર 40 કરોડ રૂપિયા પહેલેથી જ ખર્ચ થઈ ચૂક્યા હતા અને રણવીરે દરેક સ્ટેજ પર સ્ક્રિપ્ટને પોતાની મંજૂરી આપી હતી. પ્રોડક્શન હાઉસે 40 કરોડનું વળતર માગ્યું
રણવીરના ફિલ્મ છોડ્યા બાદ ફરહાનની કંપની 'એક્સેલ એન્ટરટેઈનમેન્ટ'એ તેના પર ભારે દંડની માગણી કરી છે. પ્રોડક્શન હાઉસનું કહેવું છે કે, ફિલ્મના પ્રી-પ્રોડક્શન અને શૂટિંગ શેડ્યૂલમાં ફેરફારને કારણે તેમને ઘણું નુકસાન થયું છે, તેથી રણવીરે 40 કરોડનું વળતર આપવું જોઈએ. જોકે, તાજેતરના અપડેટ મુજબ, રણવીરે 10 કરોડની સાઇનિંગ એમાઉન્ટ પરત કરવા અને તેની આગામી ફિલ્મ 'પ્રલય' માં ભાગ આપવાની ઓફર કરી છે, જેથી નુકસાનની ભરપાઈ થઈ શકે. જોકે, પ્રોડક્શન હાઉસના સૂત્રોએ હજુ સુધી કોઈ અંતિમ કરારનો ઇનકાર કર્યો છે. શાહરુખની જગ્યાએ રણવીરને મળ્યો હતો રોલ નોંધનીય છે કે, જ્યારે ફરહાન અખ્તરે 'ડોન 3'ની જાહેરાત કરી હતી, ત્યારે શાહરૂખ ખાનની જગ્યાએ રણવીર સિંહને કાસ્ટ કરવા પર સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ થયો હતો. ચાહકો શાહરુખને જ 'ડોન' તરીકે જોવા માંગતા હતા. તે સમયે ફરહાને રણવીરને પૂરો સાથ આપ્યો હતો. હવે રણવીરના હટ્યા પછી ફિલ્મનું ભવિષ્ય અધ્ધર લટકી રહ્યું છે. હાલમાં બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલુ છે, પરંતુ કોઈ નક્કર રસ્તો નીકળી શક્યો નથી.
Read Original Article →