'ધુરંધર-2' પર સેનાની ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ:દિલ્હી હાઇકોર્ટે કહ્યું, 'સુરક્ષા સંબંધિત ચિંતાને અવગણી ન શકાય', કેન્દ્ર સરકાર-CBFCને તપાસનો નિર્દેશ
રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકાર અને સેન્સર બોર્ડ (CBFC- સેન્ટર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન)ને ફિલ્મ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીની તપાસ કરવા નિર્દેશ આપ્યા છે. 'ફિલ્મ કાલ્પનિક હોય પણ સુરક્ષા સંબંધિત ચિંતાને અવગણી ન શકાય' વાસ્તવમાં, સશસ્ત્ર સીમા બળ (SSB)ના એક જવાન દ્વારા જનહિત અરજી દાખલ કરીને આરોપ લગાવવામાં આવ્યો છે કે, 'ફિલ્મમાં સેનાના ઓપરેશન સંબંધિત ગુપ્ત જાણકારીઓ દર્શાવવામાં આવી છે.' કોર્ટે કહ્યું કે, 'ભલે ફિલ્મ કાલ્પનિક હોય, પરંતુ સુરક્ષા સંબંધિત ચિંતાઓને અવગણી શકાય નહીં.' સેન્સર બોર્ડ તપાસ કરશે
ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે આ મામલાની સુનાવણી કરી. કોર્ટે સૂચના અને પ્રસારણ મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને આ અરજી પર વિચાર કરીને નિર્ણય લેવા જણાવ્યું છે. કોર્ટે ટિપ્પણી કરી કે, 'ભલે આ ફિલ્મ મનોરંજન માટે બનાવેલી એક કાલ્પનિક વાર્તા છે, પરંતુ તેની અસરને નકારી શકાય નહીં.' કોર્ટે તેને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટના ઉલ્લંઘનના આરોપો હેઠળ તપાસવા માટે કહ્યું છે. એસએસબી જવાને સુરક્ષા પર પ્રશ્ન ઉઠાવ્યા
આ અરજી એસએસબીમાં હેડ કોન્સ્ટેબલ દીપક કુમારે દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'ફિલ્મમાં સેનાના ઓપરેશન્સની ઝિણવટભરેલી જાણકારીઓ બતાવવામાં આવી છે, જેનાથી દેશની સુરક્ષા અને અખંડિતતાને ખતરો થઈ શકે છે.' અરજદારના મતે, 'ફિલ્મમાં કેટલીક ખાસ જગ્યાઓ અને પાત્રોને એવી રીતે દર્શાવવામાં આવ્યા છે, જે મોટા અધિકારીઓ અને શહીદ સૈનિકો સાથે મળતા આવે છે. આટલી સ્પષ્ટ જાણકારીઓ બતાવવી દેશની સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય નથી.' માહિતી અને પ્રસારણ મંત્રાલયને સોંપાયો કેસ
હાઈકોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી નથી. બેન્ચે કહ્યું કે, 'અરજદારે જે મુદ્દા ઉઠાવ્યા છે, તેના પર યોગ્ય રીતે વિચાર કરવો અને તેનું નિરાકરણ લાવવું જરૂરી છે.' કોર્ટે આ રિટ અરજીને એક પ્રેઝન્ટેશન (અભ્યાવેદન) માનીને માહિતી અને પ્રસારણ મંત્રાલયને સોંપી દીધી છે. હવે સરકાર અને સેન્સર બોર્ડને આના પર મળીને અંતિમ નિર્ણય લેવો પડશે. ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરીને ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાનો રેકોર્ડ બનાવ્યો. સૅકનિલ્ક અનુસાર, ફિલ્મે અત્યાર સુધી ભારતમાં લગભગ ₹1145 કરોડનું નેટ કલેક્શન અને વિશ્વભરમાં લગભગ ₹1797 કરોડની ગ્રોસ કમાણી કરી છે. ગ્રોસ કલેક્શન એટલે ટિકિટમાંથી કુલ કમાણી અને નેટ કલેક્શન એટલે ટેક્સ પછીની કમાણી. ફિલ્મમાં લાંબી સ્ટારકાસ્ટ ‘ધુરંધર 2’માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. આ ઉપરાંત ફિલ્મમાં સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન, ગૌરવ ગેરા અને રાકેશ બેદી જેવા કલાકારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જ્યારે પહેલા ભાગમાં અક્ષય ખન્નાએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 'ધુરંધર' (2025) અને 'ધુરંધર 2' (2026) બંને ફિલ્મોનું ડિરેક્શન આદિત્ય ધરે કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ જ્યોતિ દેશપાંડે અને આદિત્ય ધરે મળીને જિયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝના બેનર હેઠળ કર્યું છે.
Read Original Article →