બોલિવૂડમાં બૅન બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી માતાના શરણે:VIP સુવિધા છોડી સામાન્ય ભક્તની જેમ દર્શન કર્યા, 'કાંતારા' વિવાદમાં હાઈકોર્ટે આદેશ આપ્યો હતો
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં ફરહાન અખ્તરની ફિલ્મ 'ડૉન 3'ને લઈને વિવાદમાં ઘેરાયો છે. એક દિવસ પહેલાં જ ફિલ્મ ફેડરેશન (FWICE)એ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તેવામાં મંગળવારે સવારે તે મૈસૂરના ચામુંડેશ્વરી મંદિર ખાતે પહોંચ્યો હતો અમે માની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ પગલું તેણે કર્ણાટક હાઈકોર્ટના તે આદેશ પછી ભર્યું છે, જે તેના વિરુદ્ધ નોંધાયેલા 'કાંતારા' ફિલ્મના દૈવા સીનની મિમિક્રી કેસમાં આપવામાં આવ્યો હતો. કોર્ટે એપ્રિલમાં તેને ચાર અઠવાડિયાની અંદર મંદિરે જઈને દર્શન કરવાનો આદેશ આપ્યો હતો. સામાન્ય ભક્તની જેમ કતારમાં ઊભા રહીને દર્શન કર્યા રણવીર સિંહ મંગળવારે સવારે મૈસુર પહોંચ્યો. તે પહેલા સવારે વહેલા તેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. 'ઈન્ડિયા ટુડે'ના રિપોર્ટ અનુસાર, એક્ટરે કોઈ વીઆઈપી સુવિધાનો ઉપયોગ કર્યો ન હતો. તે એક સામાન્ય શ્રદ્ધાળુની જેમ કતારમાં ઊભા રહ્યો અને દેવી ચામુંડેશ્વરીના દર્શન કર્યા. ગર્ભગૃહના પ્રવેશદ્વાર સુધી તેણે ચહેરા પર માસ્ક લગાવ્યો હતો, જેને અંદર જતા પહેલાં હટાવી દીધો. તે કોઈ પૂજા સામગ્રી વગર ખાલી હાથે પહોંચ્યો હતો અને મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી. ગોવાના ફિલ્મ ફેસ્ટિવલથી શરૂ થયો હતો વિવાદ આ આખો વિવાદ ગયા વર્ષે 30 નવેમ્બર 2025ના રોજ ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ના સમાપન સમારોહથી શરૂ થયો હતો. આ સમારોહમાં રણવીર સિંહે ફિલ્મ 'કાંતારા' ના પ્રસિદ્ધ 'દૈવા' સીનની નકલ કરી હતી, જેમાં ફિલ્મના ડિરેક્ટર અને લીડ એક્ટર ઋષભ શેટ્ટી જોવા મળ્યો હતો. આ પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કન્નડ સમુદાયના એક મોટા વર્ગે સખત નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ કન્નડ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં રણવીર વિરુદ્ધ કર્ણાટકમાં FIR નોંધવામાં આવી હતી. હાઈકોર્ટે મંદિર જવાનો આદેશ આપ્યો હતો આ મામલે FIR નોંધાયા બાદ રણવીર સિંહે ફેબ્રુઆરી 2026માં રાહત માટે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે કોર્ટે તેની વિરુદ્ધ કોઈપણ દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ એપ્રિલમાં રણવીરે કોર્ટમાં એક સુધારેલું સોગંદનામું દાખલ કરીને કોઈ પણ શરત વિના માફી માંગી હતી. તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર પણ સ્પષ્ટતા આપતા લખ્યું હતું કે, તેનો ઇરાદો ફક્ત ઋષભ શેટ્ટીના ઉત્તમ અભિનયની પ્રશંસા કરવાનો હતો અને તે તમામ સંસ્કૃતિઓનું સન્માન કરે છે. આના પર કોર્ટે કેસ બંધ કરવાના સંકેત આપતા તેને મંદિર જવાનો આદેશ આપ્યો હતો. ચામુંડેશ્વરી મંદિરની ખાસિયત મૈસુર, કર્ણાટકમાં સ્થિત આ મંદિર દક્ષિણ ભારતના સૌથી પૂજનીય શક્તિપીઠોમાંનું એક છે, જ્યાં મા ચામુંડેશ્વરીનો દરબાર સજે છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત અને માન્યતા એ છે કે અહીં ભક્તો ફક્ત યોજના બનાવીને આવી શકતા નથી, પરંતુ દેવીના દર્શન ત્યારે જ શક્ય બને છે, જ્યારે મા પોતે બોલાવે છે. ભક્તોમાં એવો અતૂટ વિશ્વાસ છે કે પરિસ્થિતિઓ ગમે તેવી હોય, માતાનો બોલાવો આવતા ભક્તો આપમેળે તેમના દરબાર સુધી પહોંચી જાય છે અને અહીં પહોંચવું એ પોતે જ એક મોટું સૌભાગ્ય, સન્માન અને આશીર્વાદ મેળવવાનું માધ્યમ માનવામાં આવે છે. 'ડોન 3' વિવાદના બરાબર બીજા દિવસે મૈસુર પહોંચ્યો રણવીરનો આ મંદિર પ્રવાસ ત્યારે થયો છે, જ્યારે તે એક અન્ય મોટા વિવાદમાં ઘેરાયેલો છે. સોમવારે જ ફિલ્મ ફેડરેશન FWICE એ તેની વિરુદ્ધ નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ (અસહયોગ નિર્દેશ) જાહેર કર્યો છે. તેના પર આરોપ છે કે તે ફિલ્મ 'ડૉન 3' ના પ્રોજેક્ટમાંથી છેલ્લી ઘડીએ પાછો હટી ગયો, જેના કારણે ડિરેક્ટર ફરહાન અખ્તર અને મેકર્સને લગભગ 45 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →