'રામાયણ'માં રામ-રાવણનો સામનો નહીં થાય!:સાઉથ સ્ટાર યશનો મોટો ખુલાસો; 'લંકેશ'ના લુક પરથી પહેલીવાર પડદો ઉઠ્યો
રણબીર કપૂર સ્ટારર 'રામાયણ' ફિલ્મ સતત ચર્ચામાં છે. ફિલ્મમાંથી ભગવાન 'રામ'ના રૂપમાં રણબીર કપૂરનું પહેલું ટીઝર થોડા સમય પહેલાં રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે હવે 'રાવણ'નું પાત્ર ભજવનાર સાઉથ સ્ટાર યશે ફિલ્મને લઈને મોટો ખુલાસો કર્યો છે. યશે પુષ્ટિ કરી છે કે, 'રામાયણ'ના પહેલા ભાગમાં રામ (રણબીર કપૂર) અને રાવણ (યશ)નો સામનો થશે નહીં. ઉપરાંત રાવણના લુક પરથી પણ પડદો ઉઠ્યો છે. 'રાવણનું પોતાનું સામ્રાજ્ય છે, રામનું પોતાનું સામ્રાજ્ય છે' KGF સ્ટાર યશે તાજેતરમાં 'ફાન્ડાંગો' (અમેરિકન ડિજિટલ મીડિયા નેટવર્ક) સાથેની વાતચીતમાં 'રામાયણ' વિશેનો મોટો ખુલાસો કર્યો છે. જ્યારે યશને ફિલ્મ અને કૉ-સ્ટાર રણબીર કપૂર સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે યશના જવાબે સૌને આશ્ચર્યચકિત કરી દીધા. યશે પુષ્ટિ કરી કે આ બે ભાગની મહાકાવ્ય ફિલ્મના પ્રથમ ભાગમાં તે રણબીર કપૂર સાથે એક પણ સીન શેર કરી રહ્યો નથી. તેણે કહ્યું કે, 'રસપ્રદ વાત એ છે કે અમે બંને આ ફિલ્મમાં ક્યારેય સ્ક્રીન પર સાથે આવ્યા નથી. તમે બધા જાણો છો કે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે. તેથી પહેલા ભાગમાં રાવણ તરીકે મારું પોતાનું સામ્રાજ્ય છે અને રામનું પોતાનું સામ્રાજ્ય છે.' 'રણબીર કપૂર શાનદાર એક્ટર છે' 'રામાયણ' ભાગ-1માં સાથે સ્ક્રીન શેર ન કરવા છતાં એક્ટરે રણબીર કપૂરના ખોબલે ખોબલે વખાણ કર્યા. તેણે કહ્યું, 'પણ હા, અમે બે-ત્રણ વાર મળ્યા છીએ. તે ખૂબ જ શાનદાર એક્ટર છે. મને લાગે છે કે આ પરસ્પર આદર જ છે, જે કામ કરી રહ્યો છે. જ્યારે તમે 'રામાયણ' જેવું કંઈક અદ્ભુત અને મહત્ત્વાકાંક્ષી કરવા જઈ રહ્યા હોવ, ત્યારે અમારા બધાનો એક જ એજન્ડા હોય છે- આ વાર્તાને રજૂ કરવા માટે અમારું સર્વશ્રેષ્ઠ આપવું. તેથી, મને લાગે છે કે અમારા વિઝન એક સમાન છે, તેથી અમારી વચ્ચેની કેમિસ્ટ્રી કોઈ મુદ્દો જ નથી.' રાવણનો યોદ્ધા લુક યશે 'રામાયણ' અંગે આપેલા મોટા ખુલાસા બાદ ફિલ્મમાંથી 'રાવણ'ના લુક પરથી પણ પડદો ઉઠ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ફિલ્મ કન્સલ્ટિંગ ફર્મ 'ધ ફિથિયન ગ્રુપ'ના પાર્ટનર પેટ્રિક કોરકોરને એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં 'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ), સાઇ પલ્લવી (માતા સીતા) અને યશ (લંકાપતિ રાવણ)ના કોસ્ચ્યુમ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ફોટોમાં રાવણના લુકમાં મેનિક્વિને આકર્ષક કાળા અને ઝિણવટભરેલી ગોલ્ડન કારીગીરી સાથેનો આઉટફિટ પહેરેલો છે. તેના યુદ્ધના બખ્તર (બેટલ આર્મર) લુકમાં સોનાની બ્રેસ્ટપ્લેટ, ખભાના પેડ્સ, આર્મ બેન્ડ્સ, કફ, આકર્ષક ધોતી અને ભવ્ય મુગટનો સમાવેશ થાય છે. રામનું રાજા સ્વરૂપ, સીતા માતાની સાદગીની ઝલક આ ઉપરાંત ફોટોમાં રામના લુકમાં મેનિક્વિનને બ્લુ કલરની ધોતી, સાથે મરૂન અને ગોલ્ડન શાલ પહેરાવેલી જોવા મળી રહી છે. માથે એક મોટો સોનાનો મુગટ અને ઘરેણાં દેખાઈ રહ્યા છે. તેનાથી અલગ, સાઇ પલ્લવીના સીતા તરીકેના લુકમાં સાદી લાલ સાડી અને ગળાના હાર સાથે રજૂ કરવામાં આવ્યો છે.
Read Original Article →