હર્ષદ મહેતાના પિતાનો રોલ કરનાર રમાકાંત દાયમાનું નિધન:85 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા, ‘ચક દે! ઈન્ડિયા’માં શાહરુખ સાથે પણ કરી હતી એક્ટિંગ
ટીવી શૉ અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાના એક્ટિંગ માટે જાણીતા પીઢ એક્ટર રમાકાંત દાયમાનું 26 મેના રોજ લાંબી માંદગી બાદ અવસાન થયું છે. તેમણે ‘ચક દે ઈન્ડિયા’ સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને સૌથી વધુ લોકપ્રિયતા સુપરહિટ વેબ સિરીઝ ‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાના પિતાની ભૂમિકા ભજવીને મળી હતી. કો-સ્ટાર શુભાંગી લાટકરે વીડિયો શેર કરી શ્રદ્ધાંજલિ આપી રમાકાંત દાયમાના નિધન પર તેમની કો-એક્ટર શુભાંગી લાટકરે સોશિયલ મીડિયા પર તેમનો એક જૂનો ડાન્સ કરતો વીડિયો શેર કરીને ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે. શુભાંગીએ લખ્યું: આજે આપણે એક ખૂબ જ સુંદર માણસ ગુમાવ્યા છે. મારી પાસે શબ્દો નથી. રમાકાંત દાયમા મારા માટે માત્ર એક વહાલા મિત્ર અને કૌટુંબિક મિત્ર જ નહોતા, પણ એક એવી વ્યક્તિ હતા જેમની હું દિલથી ઇજ્જત કરતી હતી. તેમની જિંદગીમાં ગમે તેટલી મોટી મુશ્કેલી કેમ ન હોય, તેઓ જિંદગીને જીવતા અને માણતા સારી રીતે જાણતા હતા. શુભાંગીએ વધુમાં જણાવ્યું કે તે છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા, તેમ છતાં દિલમાં એક આશા હતી કે તેઓ સાજા થઈ જશે. તેમણે સાથે મળીને એક હિન્દી નાટક અને સ્ટેજ પર કવિતાઓ રજૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો, જે હવે અધૂરો રહી ગયો છે. CINTAA એ વ્યક્ત કર્યો ઊંડો શોક એક્ટરના નિધન પર સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA)એ પણ સોશિયલ મીડિયા પર શોક સંદેશ શેર કર્યો છે. એસોસિએશને લખ્યું- 'ખૂબ જ દુઃખ સાથે અમે રમાકાંત દાયમાના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ. તેઓ અમારી કારોબારી સમિતિના સન્માનિત પૂર્વ સભ્ય અને અમારી ઇન્ડસ્ટ્રીનો એક ખૂબ જ ખાસ હિસ્સો હતા." દિવંગત રમાકાંત દાયમાની પુત્રી યશસ્વિની દાયમા પણ મનોરંજન જગત અને સોશિયલ મીડિયા પર એક જાણીતી ઇન્ફ્લુએન્સર અને એક્ટ્રેસ છે. શાહરુખની ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'માં પણ કરી હતી એક્ટિંગ વર્ષો સુધીના એક્ટિંગ કરિયરમાં રમાકાંત દાયમાએ ફિલ્મો, ટેલિવિઝન સીરિયલ્સ અને થિયેટર પ્લેમાં અદભુત કામ કર્યું હતું. તેઓ સુપરસ્ટાર શાહરુખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ અને ફિલ્મ ‘ધનક’માં પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. તેમના નિધનથી બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારો સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
Read Original Article →