રાજકુમાર રાવ સ્ટારર 'રફ્તાર'ની રિલીઝ ડેટ પાછળ ઠેલવાઈ:પત્ની પત્રલેખાની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મમાં કીર્તિ સુરેશ લીડ રોલમાં જોવા મળશે
રાજકુમાર રાવ અને સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ સ્ટારર ફિલ્મ ‘રફ્તાર’ હવે 16 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ અગાઉ જુલાઈ મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને દશેરાના લાંબા વીકએન્ડ પર દર્શકો સમક્ષ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મને એમેઝોન એમજીએમ સ્ટુડિયોનો ટેકો મળ્યો છે. આ ફિલ્મનું નિર્માણ રાજકુમારની પત્ની એને એક્ટ્રેસ પત્રલેખાએ તેના બેનર ‘કમ્પા ફિલ્મ’ હેઠળ કર્યું છે. પ્રોડ્યુસર તરીકે પત્રલેખા અને રાજકુમાર રાવની આ પ્રથમ થિયેટ્રિકલ ફિલ્મ હશે. આ ફિલ્મનું ડિરેક્શન આદિત્ય નિમ્બાલકરે કર્યું છે. ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરુણ બાલી છે, જ્યારે વાર્તા અને સ્ક્રીનપ્લે રોહન નારુલાએ લખ્યા છે. ફિલ્મના વિતરણની જવાબદારી પીવીઆર આઈનોક્સ પિક્ચર્સ સંભાળશે. આ ફિલ્મમાં અનુરાગ ઠાકુર, રોહન વર્મા, તાન્યા માનિકતલા અને રજત કપૂર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. મહત્વાકાંક્ષા, સત્તા અને સફળતાની દોડ ‘રફ્તાર’ એક ડ્રામા ફિલ્મ છે, જે મહત્વાકાંક્ષા, સત્તા અને સફળતાની દોડમાં ચૂકવવામાં આવતી ભાવનાત્મક કિંમતને દર્શાવે છે. વાર્તા ભારતના ઝડપથી વિકસતા એડ-ટેક ઇન્ડસ્ટ્રીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જ્યાં એક સ્ટાર્ટઅપની ઝડપી સફળતા અને ત્યારબાદ આવતા ઉતાર-ચઢાવને દર્શાવવામાં આવશે. ફિલ્મ એ પણ દર્શાવે છે કે મોટા સપનાની ચાહત કઈ રીતે નૈતિક સીમાઓને ધૂંધળી કરી દે છે અને અંગત સંબંધોને અસર કરે છે.
Read Original Article →