પ્રભાસ પોતાનો જ રેકોર્ડ તૂટતો જોવા થિયેટરમાં પહોંચ્યો!:સંદીપ રેડ્ડી વાંગા સાથે 'ધુરંધર 2' જોઈ; ફિલ્મમેકરે કહ્યું- 'કાળી નજર ઉતારવા મરચાનું આખું ખેતર સળગાવવું પડશે'

Entertainment4/9/2026, 3:43:27 PM
પ્રભાસ પોતાનો જ રેકોર્ડ તૂટતો જોવા થિયેટરમાં પહોંચ્યો!:સંદીપ રેડ્ડી વાંગા સાથે 'ધુરંધર 2' જોઈ; ફિલ્મમેકરે કહ્યું- 'કાળી નજર ઉતારવા મરચાનું આખું ખેતર સળગાવવું પડશે'
સાઉથ સ્ટાર પ્રભાસ અને 'એનિમલ' ફેમ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર 2' જોવા સિનેમાઘર પહોંચ્યા હતા. ફેન્સે પ્રભાસ અને ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાને એક લોકલ થિયેટરની પ્રીમિયમ સીટો પર જોયા. બંને પોતાની આગામી ફિલ્મ 'સ્પિરિટ'ના કામમાંથી નાનો બ્રેક લઈને સિનેમાઘર પહોંચ્યા. હવે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં પ્રભાસ મોટા પડદા પર ફિલ્મ જોતા હસતા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, કામના કલાકોના વિવાદ બાદ સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણને પ્રભાસની ફિલ્મ 'સ્પિરિટ'માંથી કાઢી મૂકી હતી. ત્યારે, દીપિકાના પતિની ફિલ્મ જોવા ડિરેક્ટર પહોંચતા ચર્ચાઓ તેજ થઈ છે. સંદીપ બોલ્યા- 'ઇન્ડસ્ટ્રી બિલાડીની જેમ ચૂપ બેસી રહી' સંદીપ રેડ્ડી વાંગાએ ફિલ્મ 'ધુરંધર 2'નું રિવ્યુ આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, 'લેખકો અને એક્ટર્સે પ્રોપેગેન્ડાના જોરે પોતાની કારકિર્દી બનાવી અને આખી ઇન્ડસ્ટ્રી બિલાડીની જેમ ચૂપ બેસી રહી. હવે એ જ જૂથ 'ધુરંધર'ની મજાક ઉડાવી રહ્યું છે. જો તમારી પહેલી વિચારણા જ કોઈની મજાક ઉડાવવાની હોય, તો પોતાને લિબરલ કહેવાનું બંધ કરી દો. સમજાતું નથી કે સત્યને પ્રોપેગેન્ડા ક્યારથી કહેવાવા લાગ્યું... વિચિત્ર સમય છે.' 'કાળી નજર ઉતારવા આખું ખેતર સળગાવવું પડશે' તેણે આગળ લખ્યું, 'મુદ્દાની વાત પર આવીએ... હું આદિત્ય ધર અને રણવીર સિંહને કહેવા માંગુ છું કે, આ કાળી નજર આમ નહીં જાય. મુઠ્ઠીભર લાલ મરચાંથી કામ નહીં ચાલે, આ માટે આખું ખેતર સળગાવવું પડશે. ગઈ રાત્રે 'ધુરંધર 2: ધ રિવેન્જ' જોઈ... શાનદાર ફિલ્મ છે.' આદિત્ય ધરે સંદીપનો આભાર માન્યો આદિત્યએ સંદીપની પોસ્ટનો જવાબ આપતા લખ્યું, 'મારા પ્રિય સંદીપ, મને ખરેખર એ ખૂબ ગમે છે કે તું તારી વાત પર અડગ રહે છે અને યોગ્ય સમયે તેનો જવાબ પણ આપે છે. એમાં એક સચ્ચાઈ અને ભરોસો દેખાય છે, જેનું હું દિલથી સન્માન કરું છું.' 'હું હંમેશા એ વાતની પ્રશંસા કરતો રહ્યો છું કે તું કોઈ શંકા કે હોબાળા વગર તારા સિનેમા સાથે ઊભો રહે છે. તારો આ ભરોસો આપણને બધાને પોતાની વાત પર વિશ્વાસ કરવા અને આગળ વધવાની પ્રેરણા આપે છે. પ્રભાસ સરને મારી તરફથી પ્રેમ આપજે.' 'તારા માટે ખૂબ પ્રેમ અને ફિલ્મ ‘સ્પિરિટ’ માટે શુભેચ્છાઓ. હું તેને જોવા માટે ખૂબ ઉત્સાહિત છું. અને જો ક્યારેય હું કોઈ રીતે મદદ કરી શકું, તો મને ખરેખર ખુશી થશે. ફરી એકવાર આભાર.' દીપિકાની હકાલપટ્ટી પછી 'સ્પિરિટ' ચર્ચામાં પ્રભાસ અને સંદીપ વાંગાની આગામી ફિલ્મ 'સ્પિરિટ' તાજેતરમાં સ્ટાર કાસ્ટમાં ફેરફારને કારણે ચર્ચામાં હતી. પહેલા આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લીડ રોલ ભજવવાની હતી, પરંતુ તેણે પ્રોજેક્ટ છોડી દીધો. રિપોર્ટ્સ અનુસાર, દીપિકાએ કામ માટે 8 કલાકની શિફ્ટ અને મોટી ફીની માંગણી કરી હતી, જેના પર વાત બની શકી નહીં. હવે તેની જગ્યાએ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીની એન્ટ્રી થઈ ગઈ છે. 2027માં આવશે ફિલ્મ ‘સ્પિરિટ’ સંદીપ રેડ્ડી વાંગા અને પ્રભાસની 'સ્પિરિટ'ને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ છે. આ ફિલ્મ વર્ષ 2027માં રિલીઝ થવાની અપેક્ષા છે. ફિલ્મમાં પ્રભાસ અને તૃપ્તિ ડિમરી ઉપરાંત વિવેક ઓબેરોય અને પ્રકાશ રાજ પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. પ્રભાસ હાલમાં તેના પાઇપલાઇનના પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં વ્યસ્ત છે, ત્યારબાદ તે સંપૂર્ણપણે 'સ્પિરિટ'ના કામમાં જોડાશે. પ્રભાસની ફિલ્મ 'બાહુબલી 2'નો રેકોર્ડ તૂટ્યો પ્રભાસનું આ ફિલ્મ જોવું એટલા માટે પણ ખાસ છે કારણ કે 'ધુરંધર 2'એ તેમની પોતાની ફિલ્મ 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન'નો લગભગ એક દાયકા જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 'બાહુબલી 2'નું લાઇફટાઇમ ઇન્ડિયા નેટ કલેક્શન લગભગ 1,033 કરોડ રૂપિયા હતું. જ્યારે, રણવીર સિંહની 'ધુરંધર 2' હવે ઘરેલુ બોક્સ ઓફિસ પર લગભગ 1,041.27 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરીને તેમનાથી આગળ નીકળી ગઈ છે.
Read Original Article →