'પેદ્દી'માં જાહ્નવીના 'બોલ્ડ' પાત્ર પર હોબાળો:વિરોધ વધતાં ડિરેક્ટરે માફી માંગી, કહ્યું- 'દરેક મહિલા સન્માનની હકદાર છે, વાંધાજનક દ્રશ્યોમાં ફેરફાર કરીશું'
સાઉથસ્ટાર રામ ચરણની ફિલ્મ 'પેદ્દી'માં બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરના પાત્ર ‘અચિયમ્મા’ને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે ડિરેક્ટર બુચી બાબુ સનાએ જાહેરમાં માફી માંગી છે. સોશિયલ મીડિયા પર દર્શકોએ ફિલ્મમાં મહિલા પાત્રના પ્રસ્તુતિકરણ પર વાંધો ઉઠાવ્યો હતો, જેના પછી ડિરેક્ટરે પ્રતિક્રિયા આપતા મહિલાઓના સન્માનની વાત કરી અને વિવાદાસ્પદ દ્રશ્યોમાં ફેરફાર કરવાની વાત કરી. ડિરેક્ટર બુચી બાબુ સનાએ પોતાના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર એક નિવેદન જારી કરીને લખ્યું, એક ફિલ્મમેકર તરીકે, મારું માનવું છે કે સિનેમાએ લોકોનું મનોરંજન કરવું જોઈએ, તેમને પ્રેરિત કરવા જોઈએ અને તેમની સાથે જોડાણ કરવું જોઈએ. તેનો હેતુ ક્યારેય કોઈને અસ્વસ્થતા અનુભવ કરાવવાનો કે તેમનું અપમાન કરવાનો ન હોવો જોઈએ. અમે 'પેદ્દી'ના કેટલાક દ્રશ્યો પર આવેલી પ્રતિક્રિયાઓને ગંભીરતાથી લીધી છે. મહિલાઓના સન્માનની વાત કરતા બાબુએ લખ્યું, હું હંમેશા મહિલાઓનું સન્માન કરતો આવ્યો છું, ભલે તે પડદા પર હોય કે વાસ્તવિક જીવનમાં. અમારો ઇરાદો ક્યારેય કોઈ મહિલા પાત્રને ખોટી રીતે દર્શાવવાનો કે તેનું અપમાન કરવાનો નહોતો. પરંતુ જો ફિલ્મનો કોઈ ભાગ લોકોને આવું અનુભવ કરાવે છે, તો અમે તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ, તેમની ચિંતાઓને સમજીએ છીએ અને આ માટે દિલથી માફી માંગીએ છીએ. સીનમાં ફેરફારની વાત કરતા તેમણે લખ્યું, મળેલી પ્રતિક્રિયાઓની સમીક્ષા કર્યા પછી, અમે ફિલ્મના તે ભાગોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જેના પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સિનેમા અને દર્શકોનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. એક વાર્તાકાર તરીકે અમારી જવાબદારી છે કે અમે સમય સાથે બદલાતી વિચારસરણી અને સંવેદનશીલતાઓનું ધ્યાન રાખીએ. પોતાના નિવેદનના અંતમાં ફિલ્મમેકરે લખ્યું, દરેક મહિલા સન્માન, ગરિમા અને યોગ્ય રજૂઆતની હકદાર છે. અમે ભવિષ્યમાં પણ એવી વાર્તાઓ કહેવા માટે પ્રતિબદ્ધ છીએ, જે મજબૂત પાત્રોને સામે લાવે અને આ મૂલ્યોને જાળવી રાખે. પોતાનો અભિપ્રાય પ્રામાણિકપણે શેર કરનાર તમામ લોકોનો આભાર. પાત્રને જરૂરિયાત કરતાં વધુ બોલ્ડ ગણાવ્યું ખરેખર, ફિલ્મ 'પેદ્દી'ની રિલીઝ પછી સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરના પાત્ર ‘અચિયમ્મા’ને લઈને કેટલાક લોકોનું કહેવું છે કે પાત્રને વાર્તાની જરૂરિયાતને બદલે દર્શકોને આકર્ષવાના ઉદ્દેશ્યથી વધુ બોલ્ડ રીતે રજૂ કરવામાં આવ્યું છે. આના કારણે ફિલ્મ નિર્માતાઓની ઓનલાઈન ટીકા થવા લાગી. જોકે, આ સમગ્ર વિવાદ પર હજુ સુધી જાહ્નવી કપૂર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. એક્ટ્રેસે આ મામલે જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. વિશ્વભરમાં 150.49 કરોડની કમાણી થઈ 'પેદ્દી' એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જે રમતગમત દ્વારા પોતાની ઓળખ શોધતા એક વ્યક્તિની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ બુચ્ચી બાબુ સના દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મમાં રામ ચરણ, જાહ્નવી કપૂર, શિવ રાજકુમાર, દિવ્યેન્દુ અને જગપતિ બાબુ મુખ્ય ભૂમિકામાં છે. 'પેદ્દી' 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સેકનિલ્ક (ટ્રેડ એનાલિસ્ટ વેબસાઇટ) અનુસાર, ફિલ્મે રિલીઝના બીજા દિવસે ભારતમાં 26.90 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. આ સાથે જ ફિલ્મનું કુલ ઇન્ડિયા નેટ કલેક્શન 96.40 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે, ભારતમાં ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન 114.49 કરોડ રૂપિયા થઈ ગયું છે. ઓવરસીઝ માર્કેટમાં પણ ‘પેદ્દી’ને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. બીજા દિવસે ફિલ્મે વિદેશોમાં 8 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું. આ પછી ફિલ્મનું કુલ ઓવરસીઝ ગ્રોસ કલેક્શન 36 કરોડ રૂપિયા થઈ ગયું છે. દુનિયાભરમાં ‘પેદ્દી’ની કમાણી 150.49 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
Read Original Article →