હવે ભારતમાં નહીં, પાકિસ્તાનમાં બનશે 'ધુરંધર 3'!:લ્યારીના સાંસદ નબીલ ગબોલે આદિત્ય ધરને પડકાર ફેંક્યો; જમીલ જમાલીનું પાત્ર તેમના પર આધારિત હોવાની ચર્ચા
આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી 'ધુરંધર' અને 'ધુરંધરઃ ધ રિવેન્જ'એ બોક્સઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા છે. બંને ફિલ્મો રિલીઝ થઈ, ત્યારથી જ તે વિવાદોમાં ઘેરાયેલી પણ રહી છે. તેવામાં પાકિસ્તાનના લ્યારીના સાંસદ નબીલ ગબોલે આદિત્ય ધરને પડકાર ફેંક્યો છે, અને પોતે 'ધુરંધર 3' બનાવવાની જાહેરાત કરી દીધી છે. ‘લ્યારી કા ગબ્બર’ ફિલ્મથી જવાબ આપશે નબીલ! પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના મેમ્બર નબીલ ગબોલે લ્યારી વિસ્તાર પર આધારિત એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે, જેનું નામ 'લ્યારી કા ગબ્બર' હશે. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં નબીલે કહ્યું કે, ‘હવે હું જ ભારતને જવાબ આપીશ. લ્યારી વિરુદ્ધ ‘ધુરંધર 1’ અને ‘ધુરંધર 2’ ધુરંધર છે. હું તેમને ‘ધુરંધર 3’ બનાવીને આપીશ, પરંતુ તેનું નામ ‘ધુરંધર’ નહીં હોય, પરંતુ ‘લ્યારી કા ગબ્બર’ હશે.' 'હું રાકેશ બેદી નથી' તેમણે આગળ કહ્યું, 'તેમણે કોની સાથે પંગો લીધો છે? મારી સાથે. હું કોણ છું? હું નબીલ ગબોલ છું, હું રાકેશ બેદી નથી. હું એવો જવાબ આપીશ, જેને આદિત્ય ધર યાદ રાખશે અને મોદી, જેમના પૈસાથી તમે ધુરંધર બનાવી છે, તેમને પણ ખબર પડી જશે, જ્યારે 'ધુરંધર 3' આવશે.' નોંધનીય છે કે, 'ધુરંધર' અને ‘ધુરંધર 2’ ફિલ્મમાં રાકેશ બેદીએ ભજવેલું 'જમીલ જમાલી'નું પાત્ર નબીલ ગબોલ પર આધારીત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 'ધુરંધર'એ 1,307 કરોડ રૂપિયા કમાયા હતા 'ધુરંધર' ફિલ્મ 5 ડિસેમ્બર 2025ના રોજ વૈશ્વિક સ્તરે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ, રાકેશ બેદી અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મનું ડિરેક્શન આદિત્ય ધરે કર્યું હતું. સેકનિલ્ક (ટ્રેડ એનાલિસિસ્ટ વેબસાઇટ) અનુસાર, 'ધુરંધર'એ ભારત અને આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું અને વિશ્વભરમાં લગભગ 1,307 કરોડ રૂપિયા કમાયા. ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 1,005.85 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે નેટ કલેક્શન લગભગ 840 કરોડ રૂપિયા થયું. વિદેશી બજારોમાં પણ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ઓવરસીઝમાં તેણે લગભગ 299.5 કરોડ રૂપિયા કમાયા. અમેરિકા અને કેનેડામાં 193.06 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને 'બાહુબલી 2'નો રેકોર્ડ પણ તોડ્યો. બીજો ભાગ 19 માર્ચના રોજ રિલીઝ થયો હતો 'ધુરંધર'નો બીજો ભાગ વૈશ્વિક સ્તરે 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયો હતો. ફિલ્મની અત્યાર સુધીની કુલ વિશ્વભરમાં કમાણી 1,780.76 કરોડ રૂપિયા થઈ ચૂકી છે. ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 1,132.94 કરોડ રૂપિયા અને કુલ ગ્રોસ કલેક્શન 1,356.01 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ફિલ્મે આંતરરાષ્ટ્રીય બજારોમાંથી અત્યાર સુધીમાં 424.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Read Original Article →