આલિયા ભટ્ટના નામે પાકિસ્તાનમાં મોટી છેતરપિંડી:એક્ટ્રેસના ફોટો સાથે AIથી છેડછાડ કરી કપડાંનું વેચાણ; વિવાદ વધતા ક્લોથિંગ બ્રાન્ડે આપ્યો ઉદ્ધત જવાબ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામાન્ય માણસોની સાથે સાથે સેલિબ્રિટીઓ માટે પણ જોખમી બની રહ્યુ છે. તાજેતરમાં પાકિસ્તાની એક કપડાંની બ્રાન્ડએ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની AIથી મોર્ફ્ડ કરેલી તસવીરો પોસ્ટ કરી છે. જેને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. પાકિસ્તાની બ્રાન્ડે આલિયાના ફોટો સાથે છેડછાડ કરી વાસ્તવમાં પાકિસ્તાની ક્લોથિંગ બ્રાન્ડ 'વજાયશા ઓફિશિયલ'એ પોસ્ટ કરેલા ફોટોમાં આલિયા તેમના બ્રાન્ડના એથનિક કલેક્શન પહેરેલી જોવા મળી રહી છે. નોંધનીય છે કે, આ કોઈ ઓફિશિયલ શૂટ નથી, પરંતુ આલિયાની જૂની તસવીરોને AI અને ડિજિટલ એડિટિંગ દ્વારા બ્રાન્ડના કપડાં પર સુપરઇમ્પોઝ (ચોંટાડવામાં) કરવામાં આવી છે. પાકિસ્તાની બ્રાન્ડ આલિયાની AI તસવીરો દ્વારા તેના સિલ્ક કલેક્શનનું પ્રમોશન કરી રહ્યું છે. આ રીતે બ્રાન્ડની ચોરી પકડાઈ 16 એપ્રિલે બ્રાન્ડે ઇન્સ્ટાગ્રામ પર એક કેરોયુઝલ પોસ્ટ કરી. તેમાં આલિયાને ઘેરા લાલ, ટીલ અને બ્લેક કલરના સિલ્ક સૂટમાં બતાવવામાં આવી હતી. બ્રાન્ડે કેપ્શનમાં લખ્યું- 'આલિયા ભટ્ટને પણ અમારું શીશા સિલ્ક કલેક્શન પસંદ છે.' પરંતુ ધ્યાનથી જોતા ખબર પડે છે કે આ તસવીરો એક્ટ્રેસની અલગ-અલગ ઇવેન્ટ્સમાંથી લેવામાં આવી છે. તેમાં આલિયાનો 2024નો લોરિયલ પેરિસ રેમ્પ વોકનો 'વેટ હેર લુક' અને તેના સબ્યસાચી ફોટોશૂટના ઘરેણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ફેબ્રુઆરી 2026ના ગુચી મિલાન ફેશન વીકના તેના લુકને પણ એડિટ કરવામાં આવ્યો છે. બ્રાન્ડ બોલી- 'અમને વાયરલ કરી દો'
આ પોસ્ટ પર ચાહકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ઘણા યુઝર્સે પૂછ્યું કે, 'શું આલિયાને આ વિશે ખબર પણ છે?' આના પર બ્રાન્ડે કોઈપણ ડર વિના હસતા ઇમોજી સાથે જવાબ આપ્યો- 'કૃપા કરીને તેને વાયરલ કરી દો, જેથી તેમને પણ ખબર પડી જાય.' જ્યારે એક યુઝરે ચેતવણી આપી કે ‘તેઓ તમારા પર કેસ (Sue) કરશે.’ ત્યારે બ્રાન્ડે જવાબ આપ્યો- 'ના, તેઓ આવું નહીં કરે.' યુઝર્સે આલિયાને ટેગ કરી
સોશિયલ મીડિયા પર હવે આ બ્રાન્ડને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે તેને કોપીરાઈટનું ઉલ્લંઘન ગણાવ્યું છે. એક યુઝરે લખ્યું, 'આ સંપૂર્ણપણે AIનું કામ છે, હું આ આલિયાને મોકલીશ.' ચાહકો સતત આલિયા ભટ્ટ અને તેની ટીમને ટેગ કરી રહ્યા છે, જેથી આ કોમર્શિયલ છેતરપિંડી પર કાર્યવાહી કરી શકાય. જોકે, હજુ સુધી આલિયા ભટ્ટ દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Read Original Article →