'હું તો સાવ ભોળી હતી, મને ફોસલાવીને મેસેજ ડિલીટ કરાવ્યા':'લાલો'ના કરણ જોષી પર 'તારક મહેતા' ફેમ એક્ટ્રેસનો ફરી ગંભીર આક્ષેપ; વીડિયોમાં ચેટ્સ લીક કર્યા
ગુજરાતી સિનેમામાં ઇતિહાસ રચનારી ફિલ્મ 'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે'ના લીડ એક્ટર લાલો એટલે કે કરણ જોષીને લઈને હાલમાં વિવાદ સર્જાયો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નાનકડી ભૂમિકા ભજવનાર ગુજરાતી એક્ટ્રેસ નેહલ વાડોલિયાએ કરણ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ અંગે કરણ જોષીએ સ્પષ્ટતા આપ્યા બાદ પણ મામલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. હવે નેહલે ફરી કરણ પર ગંભીર આરોપ લગાવતો વીડિયો શેર કર્યો છે. 'મિત્રોને હેકરે મોકલેલા સ્ક્રીનશોટ્સ શેર કરો' નેહલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું, ‘થોડા દિવસ પહેલાં કરણ જોષીએ એક વીડિયો પોસ્ટ કરીને સફાઈ આપી છે કે આવું કંઈ નથી થયું, જૂની વાત છે, હેકરે લખ્યું છે. તો હું અહીંયા તેનું પુરાવા સાથે જસ્ટિફિકેશન દેવા માટે આવી છું. એનું કહેવાનું એમ છે કે હેકરે લખ્યું છે, તો હેકરે તો મારી સાથે કેટલી બધી વાત કરી, એ પણ ડિસઅપિઅર મોડમાં!’ નેહલે આગળ કહ્યું, 'તો જો હેક થઈ ગયું હોય, તો તમે તમારા ઇન્સ્ટાગ્રામમાં એવી રીતે કેમ લખી શકો કે, 'મારું એકાઉન્ટ હેક થઈ ગયું છે.' તરત જ તમને તમારા એકાઉન્ટનું એક્સેસ મળી ગયું? ફોન હેક થઈ ગયો છે, તેના પુરાવા શું? તમે કહ્યું કે, મેસેજ તમારા મિત્રોને પણ મળ્યા છે, પૈસાની માંગણી કરે છે કે કામની માંગણી કરે છે. તો બસ એવા સ્ક્રીનશોટ તમે જાહેર જનતામાં જાહેર કરી દો. તમે મને એવું કહ્યું હતું કે, તમારા ફ્રેન્ડે મેસેજ લખ્યા છે અને એ ડિસઅપિઅર મોડમાં વાત થઈ હતી આપણી. મેં જ્યારે પૂછ્યું કે, જે વ્યક્તિ પોતાનો નંબર આપવામાં ગભરાય છે, એ પોતાનો ફોન કેમ આપે કોઈ બીજા માણસને? તો ત્યારે એણે કહ્યું કે, 'મારા ફ્રેન્ડને મેં ફોન આપ્યો હતો.'' ડિરેક્ટર અંકિત સાખિયા સાથેના ચેટ્સ લીક કર્યા બાદમાં નેહલે કરણ સાથેના જૂના ચેટ દેખાડ્યા. પછી તેણે કરણ જોશીના મિત્ર સાથેની વ્હોટ્સએપ ચેટ પણ દેખાડી. આ દરમિયાન તેણે દાવો કર્યો છે કે, તે લોકોએ સોરી કહેવા માટે તેને ગ્રુપ કોલ કર્યો હતો. બાદમાં તેણે 'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે'ના ડિરેક્ટર અંકિત સાખિયા સાથેની ચેટ દેખાડી અને દાવો કર્યો કે, અંકિતે તેને મેસેજ ડિલિટ કરવા માટે રિક્વેસ્ટ કરી હતી. 'મેં મારા પગ પર જ કુહાડી મારી' નેહલે કહ્યું કે, 'સોરી કહેશે એની રાહમાં મેં એકાઉન્ટમાંથી કર્યું હતું, તો એટલામાં કરણે 25 તારીખે પોસ્ટ કરી કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. પણ આ બધાના કારણે મારી તો છાપ ખરાબ થઈ રહી છે ને. હું તો સાવ ભોળી ભૂત જેવી કે, ત્યારે મેં કંઈ સમજ્યું નહીં અને મેં મારા જ પગમાં કુહાડી મારી છે.' 'મારી છબી બગડી ગઈ' એક્ટ્રેસે આગળ કહ્યું કે, ‘તેણે તો સોરી કહી દીધું પણ મારી બુદ્ધિ ન ચાલી કે બધી જગ્યાએ તો એવું જ છપાયું ને કે એકાઉન્ટ હેક જ થયું છે. એટલે મારી તો ઇમેજ ડાઉન જ થઈ ગઈ. ત્યારે સોરી અને ભગવાનના સમ કહીને વાત દબાવી દીધી હતી. હવે અત્યારે મને ખબર પડી કે આ કંઈક ગંભીર છે. હવે તમારે નક્કી કરવાનું છે કે, સાચું શું અને ખોટું શું? બાકી મને કંઈ લેવાદેવા નથી. મારે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ કરવું નથી.’ સુભાષ ઘાઈ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા આ પહેલીવાર નથી જ્યારે નેહલે સિનેમા સંબંધિત કોઈ વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવ્યા હોય. આ અગાઉ તેણે પીઢ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ પર બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. 'ગલાટા પ્લસ' સાથેની વાતચીતમાં તેણે દાવો કર્યો હતો કે, તે તે સમયના તેના બોયફ્રેન્ડ (જે સુભાષ ઘાઈનો મેનેજર હતો) સાથે તે ડિરેક્ટરના ઘરે ગઈ હતી. ત્યાં વાઇન પીધા બાદ સુભાષ ઘાઈ તેને બાલકનીમાં લઈ ગયા અને તેના લુક તેમજ ફિગરના વખાણ કરવા લાગ્યા. એક્ટ્રેસના દાવા મુજબ, જ્યારે તે વોશરૂમમાંથી બહાર નીકળી ત્યારે સુભાષ ઘાઈ તેની એકદમ નજીક આવી ગયા અને તેને કિસ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બાજુમાં હટી જતાં ડિરેક્ટરે તેના ગાલ પર કિસ કરી લીધી હતી. આ ઘટનાથી ચોંકી ગયેલી નેહલે ત્યાંથી નીકળીને પોતાના બોયફ્રેન્ડ પર પણ આક્રોશ ઠાલવ્યો હતો કે તે આ બધું પહેલેથી જ જાણતો હતો. કરણ જોષીએ સ્પષ્ટતા કરી હતી નેહલના એક્ટર પર બીભત્સ માગણીના ગંભીર આરોપો બાદ એક્ટર કરણ જોષીએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર આવીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કરણ જોષીએ આ સમગ્ર મામલાને નવો વળાંક આપતા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કરણે જણાવ્યું કે આ ઘટના અત્યારની નથી, પરંતુ લગભગ પાંચ મહિના જૂની એટલે કે જાન્યુઆરી મહિનાની છે. તે સમયે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. એકાઉન્ટ હેક થયા બાદ તેના મિત્રોને પણ પૈસાની માગણી કરતા અથવા કામ સંબંધિત ઘણા અયોગ્ય મેસેજ ગયા હતા. મિત્રોના માધ્યમથી જ તેને પોતાનું એકાઉન્ટ હેક થયાની ખબર પડી હતી. જુઓ વીડિયો:- કરણના કહેવા પ્રમાણે, નેહલે જે સ્ક્રીનશોટ શેર કર્યા છે તેના વિશે તે સમયે જ (જાન્યુઆરીમાં) સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી. તેમ છતાં હવે આ જૂના વીડિયો અને મેસેજને અલગ રીતે રજૂ કરીને વિવાદ ઊભો કરાઈ રહ્યો છે. એક્ટરે 'ગંદી માગ' કરી હોવાનો એક્ટ્રેસનો આરોપ નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પર અંદાજિત પાંચ મિનિટનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં એક્ટ્રેસ ગંભીર આરોપ લગાવતા કહી રહી છે કે, એક્ટર કરણ જોષી દ્વારા સોશિયલ મીડિયા પર તેની પાસે અત્યંત બીભત્સ અને 'ગંદી માગ' કરવામાં આવી હતી. જોકે, જ્યારે એક્ટ્રેસે આ પ્રકારના મેસેજ સામે સખત વાંધો ઉઠાવ્યો, ત્યારે એક્ટરે પલટી મારી લીધી હતી અને બહાનું બનાવતા જણાવ્યું હતું કે આ હરકત તેના કોઈ મિત્રએ કરી છે, જેની તેને કોઈ જાણ નહોતી. વીડિયોના અંતમાં મામલો વધુ ગંભીર ત્યારે બને છે જ્યારે એક્ટ્રેસ રડતાં-રડતાં એક્ટર કરણ જોષીને મોકલેલી એક ઓડિયો વોઈસનોટ પણ સંભળાવી રહી છે, જેમાં તેની પીડા અને આક્રોશ સાંભળી શકાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિવાદ ગરમાયો હતો. એક્ટ્રેસે વાઇરલ કરેલી ચેટ જુઓ: નેહલે આક્રોશ સાથે લખ્યું હતું કે- ‘હું આ બધું ફેમસ થવા માટે નહીં, પણ માત્ર સાબિતી આપવા માટે પોસ્ટ કરી રહી છું. પહેલાં તો આ લોકોએ એવું કહ્યું કે મેસેજ કોઈ મિત્રએ લખ્યો હતો, પછી ન્યૂઝમાં અને સ્ટોરીમાં કહ્યું કે હેકરે લખ્યો છે. ત્યારપછી, એક કોમન ફ્રેન્ડ, આ છોકરો (કરણ જોષી) પોતે, એક પ્રોડ્યુસર અને ડિરેક્ટર એમ કુલ પાંચ લોકોએ ભેગા મળીને મને મનાવવાની કોશિશ કરી હતી. તે મને ઇમોશનલ બ્લેકમેલ કરતા કહ્યું કે- તમે તો ભગવાન કૃષ્ણને આટલું માનો છો, પ્લીઝ આ બધું ડિલીટ કરી દો નહીંતર ભગવાનનું નામ ખરાબ થશે. વાહ! કાંડ તમે કરો અને નામ ભગવાનનું ખરાબ થાય?’ એક્ટ્રેસે બંધ બારણે થયેલા સમાધાનનો પર્દાફાશ કરતા વધુમાં જણાવ્યું હતું કે- 'મેં કોલ પર વાત કરવા માટે હા પાડી હતી, પણ તેની શરત એ હતી કે હું કોઈને ન કહું કે તે મારી માફી માગી છે. મેં ત્યારે હા પાડી દીધી હતી અને ગામની પંચાયતની જેમ પાંચ લોકોએ ભેગા મળીને આ સમાધાન કરાવ્યું હતું.' નેહલના આ લખાણથી સ્પષ્ટ થાય છે કે આ વિવાદને દબાવવા માટે પડદા પાછળ મોટો ખેલ ખેલાયો હતો. કોણ છે નેહલ વડોલિયા? કરણ જોષી પર ગંભીર આરોપ કરનાર એક્ટ્રેસ નેહલ વડોલિયા જાણીતો ચહેરો છે. તેણે લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા જીની ફ્રેન્ડ 'નેહા'નું પાત્ર ભજવ્યું હતું અને તે એપિસોડ 2896માં નજરે પડી હતી. આ સિવાય નેહલ OTT પ્લેટફોર્મ પર 'ગંદી બાત 3', 'જૂલી', 'મસ્તરામ', 'ટાઈપરાઈટર', 'મિસ્ટ્રી ગર્લ્સ', 'દુનાલી' અને 'અમર પ્રેમ' જેવા બોલ્ડ અને ચર્ચિત પ્રોજેક્ટ્સમાં પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી ચૂકી છે.
Read Original Article →