સુશાંત સિંહ મોત કેસમાં રિયા ચક્રવર્તીને મોટી રાહત:છ વર્ષ બાદ એક્ટ્રેસ અને તેના પરિવારના બેંક ખાતા અનફ્રીઝ, કોર્ટે કહ્યું- 'NCBથી મોટી ભૂલ થઈ'
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપુત મૃત્યુ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ફરી એક મોટી રાહત મળી છે. મુંબઈની સ્પેશિયલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) કોર્ટે રિયા અને તેના પરિવાર સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓને અનફ્રીઝ કરવાનો અને તેને ફરીથી ઓપરેટ કરવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ઠેરવ્યું છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એક્ટ્રેસ અને તેના પરિવારના બેંક ખાતા ફ્રીઝ કરતી વખતે ફરજિયાત વૈધાનિક સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યુ છે. વાસ્તવમાં 2020માં સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન NCBએ આ ખાતાઓ ફ્રીઝ કર્યા હતા. સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ રિયા પર હત્યા અને ડ્રગ્સના આરોપ લગાવવામાં આવ્યા હતા. જોકે, ગત વર્ષે CBI તરફથી તેને ક્લીનચીટ મળી હતી. 'કેસમાં સુરક્ષા નિયમોનું પાલન કરાયું નથી' NDPS કોર્ટે શનિવારે પસાર કરેલા ચાર આદેશોમાં નોંધ્યું હતું કે, 'એજન્સીએ NDPS એક્ટ હેઠળ નિર્ધારિત સમય મર્યાદામાં સક્ષમ અધિકારી પાસેથી ખાતા ફ્રીઝ કરવાની કાર્યવાહીનું કન્ફર્મેશન મેળવ્યું ન હતું, જેના કારણે આ પ્રતિબંધ કાયદેસર રીતે ટકી શકે તેમ નથી.'
રિયા, તેના ભાઈ શોવિક અને તેની માતા સંધ્યા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓને મંજૂરી આપતા કોર્ટે ઠેરવ્યું હતું કે, 'વૈધાનિક માળખું મિલકત ફ્રીઝ કરવાની સત્તા પર સ્પષ્ટ મર્યાદાઓ મૂકે છે, અને આ કેસમાં તે સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.' કોર્ટે NCBની કાર્યવાહીને ગંભીર ભૂલ ગણાવી સ્પેશિયલ જજ યુ.સી. દેશમુખે નોંધ્યું હતું કે, 'એક્ટની કલમ 68 F(2) જોગવાઈ કરે છે કે, મિલકત ફ્રીઝ કરવા અથવા જપ્ત કરવાના આદેશની કોઈ અસર રહેશે નહીં, જ્યાં સુધી તેને સક્ષમ સત્તાધિકારી દ્વારા 30 દિવસની અંદર પુષ્ટિ કરવામાં ન આવે.' કોર્ટે રેકોર્ડ પર લીધું હતું કે, સરકારી પક્ષે આવી પુષ્ટિના અભાવ અંગે કોઈ વિવાદ કર્યો નથી. આ ભૂલને ગંભીર ગણાવતા કોર્ટે ઉમેર્યું હતું કે, કાયદેસર રીતે જરૂરી આદેશના અભાવમાં "અરજી મંજૂર કરવા પાત્ર છે". કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, ખાતાઓને અનફ્રીઝ કરવામાં આવે અને આરબીઆઈના નિયમો મુજબ તેને ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવે. પાંચ વર્ષ પછી પાસપોર્ટ પાછો મળ્યો નોંધનીય છે કે, બેંક ખાતા ફ્રીઝ કરવાની સાથે સાથે રિયા ચક્રવર્તીનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, સાત મહિના પહેલા બોમ્બે હાઇકોર્ટે એક્ટ્રેસના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે NCBને એક્ટ્રેસનો પાસપોર્ટ પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. રિયા ચક્રવર્તી 27 દિવસ સુધી કસ્ટડીમાં હતી 25 જુલાઈ, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના લગભગ દોઢ મહિના પછી, તેના પિતા કે.કે. સિંહે પટનામાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં, તેમણે રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ મુજબ, સુશાંતે તેના મૃત્યુના થોડા સમય પહેલા તેની બહેનને ફોન પર કહ્યું હતું કે રિયાએ તેના મેડિકલ રિપોર્ટ્સ જાહેર કરીને તેને પાગલ સાબિત કરવાની ધમકી આપી હતી. સુશાંતે તેની બહેનને કહ્યું હતું કે તેને ડર છે કે રિયા તેને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં ફસાવી દેશે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલા, રિયા તેના મેડિકલ રિપોર્ટ લઈને ગઈ જતી રહી હતી. આ કેસની તપાસ દરમિયાન, એક્ટ્રેસ દ્વારા મની લોન્ડરિંગ અને ડ્રગ્સના ઉપયોગ વિશે પણ માહિતી મળી હતી. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની મની લોન્ડરિંગ કેસમાં 7 ઓગસ્ટ, 2020 ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ, રિયા અને તેના ભાઈની 8 સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડનો આધાર રિયા અને શૌવિક વચ્ચેની વાતચીત હતી, જેમાં તેમણે ડ્રગ્સ ખરીદવા અને સપ્લાય કરવાનો ઉલ્લેખ કર્યો હતો. લગભગ 27 દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ, રિયા ચક્રવર્તીને 7 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા. જ્યારે શૌવિકને ડ્રગ્સના કેસમાં 3 મહિના જેલમાં રહેવું પડ્યું હતું.
રિયા અને સુશાંત 2013 માં યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં મળ્યા હતા રિયા અને સુશાંત પહેલી વાર 2013 માં યશ રાજ ફિલ્મ્સના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. તે સમયે, રિયા 'બેંક ચોર'માં અને સુશાંત 'શુદ્ધ દેશી રોમાંસ'માં કામ કરી રહી હતી. તેમની ફિલ્મોના સેટ નજીકમાં હતા, જેના કારણે તેઓ મિત્રો બન્યા. વર્ષ 2019 માં, રિયા અને સુશાંતના વેકેશનની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તેમનું સ્થાન એ વાતનું સાક્ષી હતું કે તે બંને સાથે હતા. જોકે આ કપલે પોતે ક્યારેય આ વાત જાહેર કરી નથી. એ વર્ષે ડિસેમ્બરમાં, રિયા અને સુશાંત લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા, જેના બરાબર 6 મહિના પછી સુશાંતે આત્મહત્યા કરી.
Read Original Article →