‘ધરપકડ’ની સ્ટોરી પર કેટલી પકડ?:'ડિજિટલ અરેસ્ટ' પર બનેલી પહેલી ગુજરાતી ફિલ્મ, મલ્હાર-શ્રૃહદની જોડી, અનિશ શાહનો ટચ; ક્લાઈમેક્સનો ટ્વિસ્ટ જોવા જેવો

Entertainment5/15/2026, 6:20:10 AM
‘ધરપકડ’ની સ્ટોરી પર કેટલી પકડ?:'ડિજિટલ અરેસ્ટ' પર બનેલી પહેલી ગુજરાતી ફિલ્મ, મલ્હાર-શ્રૃહદની જોડી, અનિશ શાહનો ટચ; ક્લાઈમેક્સનો ટ્વિસ્ટ જોવા જેવો
ગુજરાતીમાં એક કહેવત છે 'દુકાળમાં અધિક માસ' એટલે કે પહેલેથી જ તમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય એવામાં વધુ મુશ્કેલી તમારી માથે બેસીને તાંડવ કરવા લાગે છે. આજથી થિયેટરોમાં રિલીઝ થયેલી ડિરેક્ટર અનિશ શાહની ફિલ્મ ‘ધરપકડ’માં સંબંધો, મજબૂરી અને આજના સમયના સૌથી મોટા સાયબર ક્રાઈમની આસપાસ એક સંવેદનશીલ વાર્તા વણવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મની ટ્રીટમેન્ટ પારિવારી ડ્રામા અને સસ્પેન્સ થ્રિલરનું મિશ્રણ છે, જે દર્શકોને એક મહત્વનો મેસેજ પણ આપે છે. ફિલ્મની સ્ટોરી ફિલ્મની શરૂઆત હોસ્પિટલના સીનથી થાય છે, જ્યાં અર્જુન શાહ (મલ્હાર ઠાકર)ની માતા કોમામાં છે. તેના ઈલાજ માટે રોજ લાખો રૂપિયાના બિલનું મીટર ફરે છે. અર્જુન એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે અને સાઈડ ઇનકમ માટે ઘરની દલાલી કરે છે. તેના પિતા ભદ્રેશ શાહ (પ્રશાંત બારોટ) એક રિટાયર્ડ બેન્કર છે. અર્જુનની માતાના ઓપરેશન માટે 30 લાખની જરૂર પડે છે, ત્યારે મિડલ ક્લાસ ફેમિલીના દીકરાની જેમ અર્જુન પણ આખો દિવસ પૈસા ભેગા કરવા પાછળ લાગી જાય છે. બીજી તરફ, પિતા પોતાની જિંદગીની આખરી મરણમૂળી એટલે કે FD તોડીને 21 લાખનો જુગાડ કરે છે. બસ, અહીંથી જ વાર્તા નવો વળાંક લે છે. મલ્હારના પિતાને 'ડિજિટલ અરેસ્ટ'ની જાળમાં ફસાવવામાં આવે છે અને દીકરા પર કેસ ન થવા દેવાના બહાને રૂપિયાની માંગણી કરાય છે. પુત્રપ્રેમમાં આંધળા બનેલા ભદ્રેશ શાહ પોતાની બધી જ મરણમૂળી લૂંટાવી દે છે. હવે વાર્તા બે ભાગમાં આગળ વધે છે - એક તરફ હોસ્પિટલના બિલનું મીટર ચાલુ છે અને બીજી તરફ અર્જુન પોતાના મિત્ર બંટી (શ્રૃહદ ગૌસ્વામી) સાથે મળીને આ ડિજિટલ અરેસ્ટ કરનારા સ્કેમર્સની શોધમાં જીવ હથેળી પર મૂકીને નીકળી પડે છે. ક્લાઈમેક્સમાં આવતા અણધાર્યા ટ્વિસ્ટ વાર્તામાં અસલી જાન પૂરે છે. ફિલ્મમાં એક્ટિંગ મલ્હાર ઠાકરે અર્જુનના રોલને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. ઇમોશનલ અને હેલ્પલેસ દીકરા તરીકે તેણે શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. પ્રશાંત બારોટ પિતાના રોલમાં એટલા જામ્યા છે કે ઘણી જગ્યાએ દર્શકોની આંખો ભીની કરી દે છે. આ ફિલ્મની સૌથી મજબૂત કડી મલ્હારનો મિત્ર બંટી એટલે કે શ્રૃહદ ગૌસ્વામી છે. તે ફિલ્મમાં જાણે 'જીન' જેવું કામ કરે છે. 'લાલો'માં ભગવાન કૃષ્ણના રોલ બાદ અહીં તેની કોમેડી અને ડાયલોગ ડિલિવરી ખૂબ જ આકર્ષક અને શાનદાર રહી છે, જે ગંભીર માહોલમાં હળવાશ લાવે છે. આ સિવાય સાઈડ કાસ્ટમાં જય ભટ્ટ, પ્રતિક રાઠોડ અને રવિ રંજન પાટિલ જેવા કલાકારોએ પણ પોતાના નાના પણ મહત્ત્વના પાત્રો દ્વારા ફિલ્મમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે. ફિલ્મનું ડિરેક્શન, સ્ક્રીનપ્લે અને ટેકનિકલ પાસાં ડિરેક્ટર અનિશ શાહે આજના સમયના ખૂબ જ ગંભીર અને પ્રાસંગિક વિષયને પારિવારિક ડ્રામા સાથે વણવાનો સારો પ્રયાસ કર્યો છે. ફિલ્મનો પહેલો ભાગ પરિસ્થિતિઓ સમજાવવામાં થોડો ધીમો લાગે છે, પરંતુ બીજો ભાગ વાર્તાને મજબૂતીથી આગળ વધારે છે અને દર્શકોને જકડી રાખે છે. સ્ક્રીનપ્લેમાં કેટલીક જગ્યાએ ઉતાર-ચઢાવ જોવા મળે છે અને સ્ટોરી ધીમી પડતી લાગે છે, પરંતુ ક્લાઈમેક્સમાં આવનારા ટ્વિસ્ટ એ નબળાઈને ઢાંકી દે છે અને ફિલ્મનો એક સ્ટાર વધારી દે છે. ડિજિટલ હેકિંગ અને સ્કેમની માયાજાળને વિઝ્યુઅલી સારી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મના ગીતો સરેરાશ છે અને થિયેટરની બહાર નીકળ્યા પછી લાંબા સમય સુધી યાદ રહેતા નથી. જોકે, બેકગ્રાઉન્ડ સ્કોર ચોક્કસપણે આ ફિલ્મની મોટી મજબૂતી છે. ફિલ્મમાં આવતું એક રેપ સોન્ગ વાર્તાની પરિસ્થિતિ પ્રમાણે સીન્સમાં અદભુત ઊર્જા પૂરી દે છે અને થ્રિલ ફેક્ટર વધારે છે. ફિલ્મને લઈને અંતિમ ચુકાદો 'ધરપકડ' એ ડિજિટલ અરેસ્ટ અને સાયબર હેકિંગની માયાજાળ પર બનેલી સંભવતઃ પહેલી ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મમાં કેટલીક જગ્યાએ નબળી પકડ જરૂર દેખાય છે, પરંતુ તેની પાછળનો મેસેજ ખૂબ જ મજબૂત છે. જો તમે વીકેન્ડ પર પરિવાર સાથે કોઈ સારો મેસેજ આપતી અને રિયલ લાઈફમાં જાગૃત કરતી ફિલ્મ જોવાનો પ્લાન કરી રહ્યા હોવ, તો આ એક 'વન ટાઈમ વોચ' ફેમિલી ડ્રામા ફિલ્મ છે.
Read Original Article →