રસ્તા પર બનાવેલા ટેન્ટમાં ગ્લેમરનો ભપકો!:મેટ ગાલાની 'લક્ઝરી'ની પોલ ખોલતો VIDEO; 83 લાખની ટિકિટ, કરોડોના કોસ્ચ્યુમ્સ પહેરી સેલેબ્સે રસ્તા પર વોક કર્યું
ફેશન જગતની સૌથી મોટી ઇવેન્ટ એટલે કે 'મેટ ગાલા' 2026નું તાજેતરમાં જ આયોજન થયું હતું. મે મહિનાના પહેલા સોમવારે યોજાયેલા આ ગ્રાન્ડ ઇવેન્ટમાં વિશ્વભરમાંથી આવેલા ગ્લોબલ સ્ટાર્સે મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ (MET)ના રેડ કાર્પેટ પર ચાલીને 'ફેશનનો ઓસ્કર' મળ્યો હોય તેવું અનુભવ્યું હતું. જોકે, કરોડોના ડ્રેસિસ અને લાખોની ટિકિટો વચ્ચે સેલેબ્સે રસ્તા પર બનેલા કામચલાઉ ટેન્ટમાં વોક કર્યું હોવાનો ખુલાસો થયો છે. વાસ્તવમાં આ ઇવેન્ટ બાદ ન્યુયોર્કવાસીઓએ કેટલાક વીડિયો શેર કર્યાં છે, જેમાં આ 'લક્ઝરી' પાછળની વાસ્તવિકતાની પોલ ખોલી નાખી છે. ઇન્વાઇટ ઓન્લી મેટ ગાલાનો મફતમાં નજારો માણ્યો મેટ ગાલામાં સેલેબ્સની એક ઝલક મેળવવા માટે ચાહકો રાહ જોતા હોય છે. ત્યારે આવા ભવ્યાતીભવ્ય ઇન્વાઇટ ઓન્લી મેટ ગાલાનો નજારો ન્યુયોર્કના રહેવાસીઓએ મફતમાં માણ્યો હતો. વાસ્તવમાં ઇવેન્ટ દરમિયાન ન્યુયોર્કના કેટલાક સ્થાનિક લોકો મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટની બહારથી નીકળા હતા. મેટ ગાલાની ઝાકમઝાળથી ભરેલી દુનિયાના બિહાઇન્ડ ધ સીન (BTS)ને તેમણે પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. આ પહેલીવાર હતું જ્યારે આ લક્ઝરી દુનિયાની પાછળનો ચહેરો સામાન્ય લોકોની સામે આવ્યો હતો. ગ્લેમરના ભપકા પાછળની વાસ્તવિકતા જોઈ ચાહકો સ્તબ્ધ મેટ ગાલા દર વર્ષે ન્યુયોર્ક સિટીમાં પ્રખ્યાત મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે યોજાય છે. મેનહટનના ફિફ્થ એવન્યુ પર મ્યુઝિયમની સીડીઓ પર પ્રખ્યાત રેડ કાર્પેટ અરાઇવલ્સ થાય છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, મ્યુઝિયમની બહાર આવેલા રસ્તા પર એક કામ ચલાઉ ટેન્ટ ઊભો કરવામાં આવ્યો છે. આ રસ્તા પર બનેલા વિશાળ કામચલાઉ ટેન્ટમાં વિશ્વની સૌથી મોંઘી અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના કરોડોના કોસ્ચ્યુમ્સ પહેરીને આવેલા સેલેબ્સે વોક કર્યું હતું. ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા મેટ ગાલા રેડ કાર્પેટના ફોટોમાં દેખાતા ગ્લેમર અને ફેશનના ભપકા પાછળનો વીડિયો જોઈને ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. મેટ ગાલામાં એન્ટ્રી મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન ગાલામાં એન્ટ્રી મેળવવી એ દુનિયાના સૌથી અઘરા કામોમાંનું એક ગણાય છે. આ માત્ર પૈસાનો ખેલ નથી, પરંતુ સત્તા, પ્રતિષ્ઠા અને 'વોગ' (Vogue) મેગેઝિનના એડિટર-ઇન-ચીફ એના વિન્ટોર (Anna Wintour)ની મંજૂરીનો મામલો છે. મેટ ગાલાનો ભાગ બનવા માટે મોટી બ્રાન્ડ્સ, જેમ કે, ગુચી, શનેલ, વર્સાચે, આખું ટેબલ ખરીદે છે. મેટ ગાલાની ટિકિંટની કિંમત $100,000 (આશરે ₹83 લાખ) છે અને 10 લોકોના ટેબલની કિંમત $350,000 થી શરૂ થાય છે. ભલે કોઈ બ્રાન્ડ આખું ટેબલ ખરીદે, પણ તે ટેબલ પર કોણ બેસશે તેનું લિસ્ટ એના વિન્ટોર પાસે મોકલવું પડે છે. જો તેમને કોઈ સેલેબ્રિટી પસંદ ન આવે, તો તે નામ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવે છે. વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકોએ વોક કર્યું 4 મેના રોજ યોજાયેલા 'મેટ ગાલા 2026'માં ભારતીય બિઝનેસવુમન ઈશા અંબાણી, અનન્યા બિરલા, જયપુરના પ્રિન્સ અને પ્રિન્સેસ ઉપરાંત વિશ્વની સૌથી ધનાઢ્ય સિંગર રિહાના, મેડોના, કેટી પેરી, સબરીના કાર્પેન્ટર, ડોજા કેટ, સેમ સ્મિથે વોક કર્યું હતું. ઉપરાંત હોલિવૂડ સ્ટાર્સ એન હેથવે, એમિલી બ્લન્ટ, સ્ટેનલી ટ્યૂચી, એલિઝાબેથ ડેબિકી, ગ્વેન્ડોલિન ક્રિસ્ટી, લેના ડનહામ, એન્જેલા બેસેટ, સારાહ પોલસન, કોલમેન ડોમિંગો, હન્ટર શેફર અને જેકબ એલોર્ડી, કિમ કાર્દાશિયન, કેન્ડલ જેનર, કાઈલી જેનર, ક્રિસ જેનર, સ્પોર્ટ્સ પર્સન જેમકે, સેરેના વિલિયમ્સ, એજા વિલ્સન, લુઈસ હેમિલ્ટન, નાઓમી ઓસાકા અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અલિસા લિયુ તેમજ ફેશન મૉડલ્સ ગીગી હદીદ, હેઈલી બીબર, હેઈડી ક્લમ, કારા ડેલીવીન્ગ્ને, એશ્લે ગ્રેહામ, પાલોમા એલ્સેસર, એનોક યાઈ અને ઇરિના શાયક સહિતના સેલેબ્સે વોક કર્યું હતું.
Read Original Article →