'દેશ કંગાલ હોને વાલા હૈં':ભારતનું સોનુ વિદેશ વેચવામાં આવશે, આર્થિક સંકટથી બચાવવા નીકળ્યો મનોજ બાજપેયી; 'ગવર્નર'નું ટ્રેલર રિલીઝ
બોલિવૂડના વર્સેટાઈલ એક્ટર મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ગવર્નર’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ભારતીય ઇતિહાસના એ સૌથી મુશ્કેલ તબક્કાને પડદા પર લાવે છે, જ્યારે 1990ના દાયકામાં દેશ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ભારતની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે દેશ દેવાળિયું થવાની કગાર પર પહોંચી ગયો હતો. ટ્રેલરમાં એ સમયનો ડર, તણાવ અને દેશને બચાવવાના પ્રયાસોને ખૂબ જ ગંભીર અંદાજમાં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે દેશની કથળતી અર્થવ્યવસ્થાને લઈને સામાન્ય જનતામાં ભારે ગુસ્સો અને બેચેની છે. લોકો સરકાર અને આર્થિક પરિસ્થિતિને લઈને ચિંતિત છે. ભારત સામે સૌથી મોટો પડકાર એ છે કે દેશને આર્થિક રીતે તૂટવાથી કેવી રીતે બચાવવો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સરકાર અને ઉચ્ચ અધિકારીઓએ કેટલાક અત્યંત કડક નિર્ણયો લેવા પડે છે. 1991ના સૌથી મોટા આર્થિક સંકટની કહાણી આ ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત હોવાનું કહેવાય છે. વાર્તા ભારતના ઇતિહાસના સૌથી મોટા આર્થિક સંકટોમાંથી એક પર આધારિત છે. ટ્રેલરમાં મનોજ બાજપેયી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નરના રોલમાં જોવા મળી રહ્યા છે. તેમનું પાત્ર દેશની બગડતી આર્થિક સ્થિતિને સંભાળવા અને ભારતને આ મહાસંકટમાંથી બહાર લાવવા માટે સંઘર્ષ કરતું દેખાય છે. ટ્રેલરમાં મનોજ બાજપેયીનો ગંભીર અને શાંત અંદાજ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ‘દેશ કંગાલ હોને વાલા હૈં’ આ ટ્રેલરમાં મનોજ બાજપેયી એક ડાયલોગ બોલતા નજરે પડે છે કે, 'દેશ કંગાલ હોને વાલા હૈં.' ત્યારબાદ અદા શર્મા કહે છે, ગવર્નર ને રિઝાઇન કર દિયા હૈં. ડેપ્યુટી કો સિફારિશી ટટ્ટૂ લા રહે હૈં ગવર્નર કી પોસ્ટ પર, જિસને કભી ઇકોનોમિક્સ નહીં પઢી વો અબ દેશ કી ઇકૉનોમી સુધારેગા.' આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર લોકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું, ‘ધ ફેમિલી મેન પછી આખરે મનોજ બાજપેયીને એવો રોલ મળ્યો છે જેના તેઓ હકદાર હતા.’ બીજા એક યૂઝરે લખ્યું, ‘તો મનોજ બાજપેયી એસ. વેંકટરામનનની ભૂમિકા ભજવી રહ્યા છે, જેઓ LPG સુધારા દરમિયાન RBIના તત્કાલીન ગવર્નર હતા.’ અન્ય એક યુઝરે કહ્યું કે, ‘મનોજ બાજપેયી જ્યારે પણ આવા ગંભીર રોલ કરે છે, ત્યારે હંમેશાં એક અલગ જ લેવલ પર હોય છે.’ આર્થિક સંકટમાંથી દેશને બહાર કાઢવામાં મુખ્ય ભૂમિકા અહેવાલો અનુસાર, ફિલ્મમાં મનોજ બાજપેયીનું પાત્ર પૂર્વ RBI ગવર્નર એસ. વેંકટરામનનથી પ્રેરિત હોઈ શકે છે. તેઓ 1991ના આર્થિક સંકટ દરમિયાન RBIના ગવર્નર હતા અને તે સમયે દેશને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની માનવામાં આવે છે. જોકે, ફિલ્મના મેકર્સે હજી સુધી સત્તાવાર રીતે પુષ્ટિ નથી કરી કે આ વાર્તા સંપૂર્ણપણે તેમના પર જ આધારિત છે કે કેમ. વિપુલ અમૃતલાલ શાહે પ્રોડ્યુસ કરી છે ફિલ્મ આ ફિલ્મને સનશાઇન પિક્ચર્સ પ્રસ્તુત કરી રહી છે. તેને વિપુલ અમૃતલાલ શાહે પ્રોડ્યુસ કરી છે, જ્યારે નિર્દેશન ચિન્મય માંડલેકર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર આશિન એ. શાહ છે. આ ગંભીર કહાની સુવેન્દુ ભટ્ટાચાર્ય, સૌરભ ભારત, રવિ અસરાની અને વિપુલ અમૃતલાલ શાહે મળીને લખી છે. ક્યારે રિલીઝ થશે 'ગવર્નર'? ફિલ્મના સંગીત પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ફિલ્મના ગીતોના બોલ પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે લખ્યા છે, જ્યારે સંગીત અમિત ત્રિવેદીએ તૈયાર કર્યું છે. ટ્રેલરમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વાર્તાના તણાવ અને ગંભીર માહોલને વધુ મજબૂત બનાવતું દેખાય છે. દેશભક્તિ અને ઈકોનોમિક થ્રિલરથી ભરપૂર ફિલ્મ 'ગવર્નર' 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જુઓ સંપૂર્ણ ટ્રેલર:-
Read Original Article →