બાળપણથી જ મોડલ બનવાનું બીજ રોપાયું:સંબંધીઓનો સપોર્ટ નહીં, માત્ર કોન્ગ્રેચ્યુલેશન કહેવા આવે છે; 'મિસ ગુજરાત 2026' મૈત્રી ચાવડાએ કહ્યું- ફેશન ઇન્ડસ્ટ્રી અંદરથી ગંદી છે

DvB Original3/28/2026, 12:30:00 AM
બાળપણથી જ મોડલ બનવાનું બીજ રોપાયું:સંબંધીઓનો સપોર્ટ નહીં, માત્ર કોન્ગ્રેચ્યુલેશન કહેવા આવે છે; 'મિસ ગુજરાત 2026' મૈત્રી ચાવડાએ કહ્યું- ફેશન ઇન્ડસ્ટ્રી અંદરથી ગંદી છે
જ્યારે આંખોમાં સપના ઝળહળે અને દિલમાં દ્રઢ નિશ્ચય વસે, ત્યારે રસ્તાઓ પોતે રચાઈ જાય- આ વાતને જીવંત સાબિત કરી છે તાજેતરમાં ‘મિસ ગુજરાત’નો ખિતાબ જીતનાર મૈત્રી ચાવડાએ. આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને હાજરજવાબીપણે તેણે માત્ર જજિસ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના દિલ જીત્યાં છે. ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ વાતચીતમાં મૈત્રીએ પોતાની સફર, સંઘર્ષ અને સપનાઓને શબ્દ આપ્યા- એક એવી સફર, જે પ્રેરણાથી ભરપૂર છે. બાળપણના વખાણથી શરૂ થયેલી સફર મૈત્રી કહે છે કે, નાનપણથી જ લોકો તેને “મોડલ જેવી” કે “હીરોઈન જેવી” કહેતાં. આ શબ્દો માત્ર વખાણ નહોતા તે તેની અંદર એક બીજ સમાન વાવ્યા. સમય સાથે એ બીજ સપનામાં અને પછી નિશ્ચયમાં બદલાયું. તેણે કહ્યું- “મારા અંદર મોડલિંગ માટેનો લુક અને વિચાર બંને હતા, તેથી મેં આ ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.” સોશિયલ મીડિયા: પ્રથમ મંચ થોડાં વર્ષો પહેલાં મૈત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું પેજ શરૂ કર્યું, જ્યાં તે ડાન્સ અને બ્યુટી-ટિપ્સના વીડિયો શેર કરતી. લોકોને તેનું કન્ટેન્ટ ગમ્યું, ફોલોઅર્સ વધ્યાં અને એડ શૂટ તથા બ્રાન્ડ પ્રમોશનની તકો પણ મળી. પરંતુ તે કહે છે- “મને લાગતું હતું કે ટાઈટલ વગર ઈન્ડસ્ટ્રીમાં મને ગંભીરતાથી નહીં લેવાય, ખાસ કરીને હું માત્ર 19 વર્ષની છું.” આ વિચારે જ તેને ફેશન કોમ્પિટિશનમાં ભાગ લેવા પ્રેરિત કરી. ચાર મહિનાની કઠોર પરીક્ષા મૈત્રીએ કોમ્પિટિશનની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તૃત રીતે જણાવ્યું- “ફાઈનલ પહેલાં બે મહિનાનો સમય મળ્યો, જેમાં મેં યૂટ્યુબ પરથી વૉક શીખ્યું અને પ્રશ્નોત્તરીની તૈયારી કરી.” એકંદરે આ સ્પર્ધા ચાર મહિના સુધી ચાલે છે. જેમાં દરેક ક્ષણ પરીક્ષા સમાન હોય છે. વિનર લુક પાછળની સમજદારી મૈત્રીએ પોતાના વિનિંગ આઉટફિટ વિશે કહ્યું કે- લગભગ 10 ગાઉન જોયા, પરંતુ એક ગાઉન જે મારી નજરે ચડી ગયું. મેં મારા બોડી ટોન પ્રમાણે કલર પસંદ કર્યો. બોડીકોન ડ્રેસ હોવાને કારણે તે મારી બોડી સ્ટ્રક્ચરને હાઇલાઇટ કરતો હતો અને તેમાં વૉક કરતી વખતે ખૂબ જ કમ્ફર્ટ લાગતું હતું. આ પસંદગી માત્ર ફેશન નહોતી, તે એક વ્યૂહરચના હતી. પ્રશ્ર-જવાબ રાઉન્ડમાં શું પૂછવામાં આવે છે? મૈત્રી જણાવે છે કે- ફાઈનલમાં એક પ્રશ્ર-જવાબ રાઉન્ડ હોય છે. જેમાં કરન્ટ અફેર્સ પરના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે માત્ર ફેક્ટ્સ જાણવા માટે નથી હોતા, પરંતુ તે તમારી વૈચારિક દ્રષ્ટિ ચકાસવા માટે હોય છે. પ્રશ્નો એવા હોય છે કે તમે વર્તમાનમાં શું બની રહ્યું છે અને ભૂતકાળમાં શું બન્યું હતું તે વિશે કેટલા જાગૃત છો. નિર્ણાયકો એ જાણવા માંગે છે કે જો તમને તક મળે, તો તમે સમાજ કે દેશમાં શું પરિવર્તન લાવવા માંગો છો. ઉદાહરણ તરીકે કેવા પ્રશ્નો પૂછાઈ શકે? મૈત્રીએ કેટલાક ઉદાહરણો આપીને સમજાવ્યું કે સ્પર્ધકોએ કેવા પ્રકારની તૈયારી રાખવી પડે છે: મૈત્રીની ટિપ્સ: "તમારે માત્ર માહિતી નથી આપવાની, પણ એ માહિતી પાછળ તમારો પોતાનો મૌલિક વિચાર શું છે તે રજૂ કરવાનું છે. તમારી પાસે સમસ્યાનું સમાધાન હોવું જોઈએ." પરિવારનો સાથ, સમાજની શંકા મૈત્રીના પિતા અશોક ચાવડા, જે જાણીતા ગુજરાતી લેખક છે, શરૂઆતમાં ઈચ્છતા હતા કે તે ફોરેન્સિક સાયન્સમાં આગળ વધે. તેણે ગૌરવ સાથે કહ્યું- “હાલમાં હું તે અભ્યાસ પણ કરી રહી છું. મારા પપ્પાએ મારા દરેક સપનામાં વિશ્વાસ રાખ્યો છે. પરંતુ સમાજ હંમેશા શંકાની નજરેથી જોવે છે. તેણે અનુભવ જણાવતાં કહ્યું કે- “રિલેટિવ્સ તરફથી ક્યારેય સપોર્ટ મળ્યો નથી. જ્યારે તમે સફળ થાઓ, ત્યારે જ લોકો અભિનંદન આપે છે.” ચમકતી દુનિયાનો અંધકાર ફેશન ઈન્ડસ્ટ્રી બહારથી જેટલી સુંદર છે, અંદરથી એટલી જ ગંદી. મૈત્રી ખુલીને કહ્યું- સોશિયલ મીડિયા પર અશ્લીલ કોમેન્ટ્સ, ખોટી ઓફર્સ અને ખરાબ ઈરાદા સાથેના મેસેજ આવે છે. આ બધું તો સહન કરી ઈગ્નોર કરી દઉં છું પણ મોડી રાત્રે બહાર જતાં પણ ક્યારેક અસુરક્ષા લાગે છે. આ એક કડવી વાસ્તવિકતા છે. ભવિષ્યના ઊંચા સપના મૈત્રીનું લક્ષ્ય માત્ર ‘મિસ ગુજરાત’ સુધી સીમિત નથી. તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે- “હું મિસ ઈન્ડિયા, મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ સુધી પહોંચવા માંગું છું.” સાથે જ તે પોતાની ડિઝાઇનર બ્રાન્ડ શરૂ કરવાની પણ ઈચ્છા રાખે છે અને ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ ચાલુ રાખશે. મૈત્રી ચાવડાની કહાની માત્ર એક ખિતાબ જીતવાની નથી; તે એક યુવાનીની ઇચ્છાશક્તિ, સંઘર્ષ અને આત્મવિશ્વાસની ગાથા છે. સપનાઓ જોવાને કરતાં તેને જીવવાની હિંમત મોટી હોય છે અને મૈત્રીએ એ હિંમત દાખવી છે.
Read Original Article →