કૃતિ સેનને કહ્યું- બોલિવૂડમાં હજુ પણ પુરુષોનું વર્ચસ્વ:મહિલા કલાકારો સરખી મહેનત કરે છે, છતાં પણ ફીમાં મોટો તફાવત
બોલિવૂડમાં એક્ટર્સની ફી અને વધતા પ્રોડક્શન કોસ્ટને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે એક્ટ્રેસ અને પ્રોડ્યુસર કૃતિ સેનને પણ ઇન્ડસ્ટ્રીમાં મોજુદ જેન્ડર પે ગેપ અને પેટ્રિઆર્કી પર ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે આજે પણ ફિલ્મોમાં બજેટ ઓછું પડે ત્યારે સૌથી પહેલા એક્ટ્રેસની ફી ઓછી કરવામાં આવે છે, જ્યારે મેલ સ્ટાર્સની ફી પર વધુ અસર થતી નથી. કૃતિએ GQ India સાથેની વાતચીતમાં કહ્યું કે બોલિવૂડમાં પેટ્રિઆર્કી હજુ પણ ઊંડાણપૂર્વક મોજુદ છે. તેમના મતે, ફીમેલ-લીડ ફિલ્મોને લઈને મેકર્સ આજે પણ રિસ્ક લેવાથી ડરે છે, કારણ કે તેમને લાગે છે કે આવી ફિલ્મો મેલ-લીડ ફિલ્મો જેટલો બિઝનેસ કરી શકશે નહીં. કૃતિએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે બંને કલાકારો સરખી મહેનત કરે છે તો ફીમાં આટલો મોટો ફરક કેમ હોય છે. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે ઘણીવાર ફિલ્મનું બજેટ નિયંત્રિત કરવાના નામે અભિનેત્રીઓને ફી ઓછી કરવાનું કહેવામાં આવે છે. જ્યારે મોટા પુરુષ સ્ટાર્સની ફી અને તેમની માંગણીઓ પર ઓછા સવાલો ઉઠે છે. ઇન્ડસ્ટ્રીમાં વધતી સ્ટાર ફી અને એન્ટુરાજ કોસ્ટને લઈને પહેલા પણ ઘણા ફિલ્મમેકરો ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. કૃતિએ પહેલા પણ કહ્યું હતું કે સ્ટાર્સ સાથે ચાલતા લોકો અને બીજી બિનજરૂરી વસ્તુઓ પર ઘણો ખર્ચ થાય છે, જ્યારે ધ્યાન ફિલ્મની વાર્તા પર હોવું જોઈએ. તેમણે કહ્યું હતું કે કોઈ પાત્રની જરૂરિયાત મુજબનો ખર્ચ સમજાય છે, પરંતુ ઘણીવાર લક્ઝરી અને બિનજરૂરી ખર્ચ પણ પ્રોડ્યુસર્સ પર નાખી દેવામાં આવે છે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે એક સ્ટાર માટે બે કૂક અને એક શેફ રાખવા જરૂરિયાત કરતાં વધારે છે. હવે પ્રોડ્યુસર બન્યા પછી કૃતિ ઇન્ડસ્ટ્રીના આર્થિક દબાણને વધુ નજીકથી સમજી રહી છે. તેમનું કહેવું છે કે તેઓ એવી ફિલ્મો બનાવવા માંગે છે જ્યાં કન્ટેન્ટ અને ટેલેન્ટને પ્રાધાન્ય મળે, ન કે માત્ર સ્ટાર સિસ્ટમને. સોશિયલ મીડિયા પર પણ કૃતિના નિવેદનને લઈને ચર્ચા છંછેડાઈ છે. ઘણા યુઝર્સે તેમના નિવેદનને સમર્થન આપ્યું, જ્યારે કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા કે ઇન્ડસ્ટ્રીમાં બદલાવની શરૂઆત મોટા કલાકારોએ પોતે કરવી જોઈએ.
Read Original Article →