'મારું એકાઉન્ટ હેક થયું હતું':'તારક મહેતા' ફેમ એક્ટ્રેસને ગંદા મેસેજ બાબતે 'લાલો' ફેમ કરણ જોષીની સ્પષ્ટતા; કહ્યું- મને ફસાવવા જૂનો મામલો ઉછળાયો
ગુજરાતી સિનેમા જગતમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી ભારે ખળભળાટ મચી ગયો છે. ફિલ્મ ‘લાલો’ના લીડ એક્ટર કરણ જોષી અને લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ એક્ટ્રેસ નેહલ વડોલિયા વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. નેહલ વડોલિયા દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ આ મામલે એક્ટર કરણ જોષી પણ મેદાનમાં આવ્યો છે અને વીડિયો જાહેર કરીને સત્તાવાર સ્પષ્ટતા રજૂ કરી છે. ‘5 મહિના જૂની વાત, સોશિયલ મીડિયાનો ખોટો ફાયદો ઉઠાવાય છે’ નેહલના એક્ટર પર બીભત્સ માગણીના ગંભીર આરોપો બાદ એક્ટર કરણ જોષીએ સોશિયલ મીડિયા પર આવીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. કરણ જોષીએ આ સમગ્ર મામલાને નવો વળાંક આપતા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કરણે જણાવ્યું કે આ ઘટના અત્યારની નથી, પરંતુ લગભગ પાંચ મહિના જૂની એટલે કે જાન્યુઆરી મહિનાની છે. તે સમયે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. એકાઉન્ટ હેક થયા બાદ તેના મિત્રોને પણ પૈસાની માગણી કરતા અથવા કામ સંબંધિત ઘણા અયોગ્ય મેસેજ ગયા હતા. મિત્રોના માધ્યમથી જ તેને પોતાનું એકાઉન્ટ હેક થયાની ખબર પડી હતી. જુઓ વીડિયો:- કરણના કહેવા પ્રમાણે, નેહલે જે સ્ક્રીનશોટ શેર કર્યા છે તેના વિશે તે સમયે જ (જાન્યુઆરીમાં) સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી. તેમ છતાં હવે આ જૂના વીડિયો અને મેસેજને અલગ રીતે રજૂ કરીને વિવાદ ઊભો કરાઈ રહ્યો છે. એક્ટરે 'ગંદી માગ' કરી હોવાનો એક્ટ્રેસનો આરોપ નેહલ વડોલિયાએ સોશિયલ મીડિયા પર અંદાજિત પાંચ મિનિટનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં એક્ટ્રેસ ગંભીર આરોપ લગાવતા કહી રહી છે કે, એક્ટર કરણ જોષી દ્વારા સોશિયલ મીડિયા પર તેની પાસે અત્યંત બીભત્સ અને 'ગંદી માગ' કરવામાં આવી હતી. જોકે, જ્યારે એક્ટ્રેસે આ પ્રકારના મેસેજ સામે સખત વાંધો ઉઠાવ્યો, ત્યારે એક્ટરે પલટી મારી લીધી હતી અને બહાનું બનાવતા જણાવ્યું હતું કે આ હરકત તેના કોઈ મિત્રએ કરી છે, જેની તેને કોઈ જાણ નહોતી. વીડિયોના અંતમાં મામલો વધુ ગંભીર ત્યારે બને છે જ્યારે એક્ટ્રેસ રડતાં-રડતાં એક્ટર કરણ જોષીને મોકલેલી એક ઓડિયો વોઈસનોટ પણ સંભળાવી રહી છે, જેમાં તેની પીડા અને આક્રોશ સાંભળી શકાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ વિવાદ ગરમાયો હતો. એક્ટ્રેસે વાઇરલ કરેલી ચેટ જુઓ: નેહલે આક્રોશ સાથે લખ્યું હતું કે- ‘હું આ બધું ફેમસ થવા માટે નહીં, પણ માત્ર સાબિતી આપવા માટે પોસ્ટ કરી રહી છું. પહેલાં તો આ લોકોએ એવું કહ્યું કે મેસેજ કોઈ મિત્રએ લખ્યો હતો, પછી ન્યૂઝમાં અને સ્ટોરીમાં કહ્યું કે હેકરે લખ્યો છે. ત્યારપછી, એક કોમન ફ્રેન્ડ, આ છોકરો (કરણ જોષી) પોતે, એક પ્રોડ્યુસર અને ડિરેક્ટર એમ કુલ પાંચ લોકોએ ભેગા મળીને મને મનાવવાની કોશિશ કરી હતી. તે મને ઇમોશનલ બ્લેકમેલ કરતા કહ્યું કે- તમે તો ભગવાન કૃષ્ણને આટલું માનો છો, પ્લીઝ આ બધું ડિલીટ કરી દો નહીંતર ભગવાનનું નામ ખરાબ થશે. વાહ! કાંડ તમે કરો અને નામ ભગવાનનું ખરાબ થાય?’ એક્ટ્રેસે બંધ બારણે થયેલા સમાધાનનો પર્દાફાશ કરતા વધુમાં જણાવ્યું હતું કે- 'મેં કોલ પર વાત કરવા માટે હા પાડી હતી, પણ તેની શરત એ હતી કે હું કોઈને ન કહું કે તે મારી માફી માગી છે. મેં ત્યારે હા પાડી દીધી હતી અને ગામની પંચાયતની જેમ પાંચ લોકોએ ભેગા મળીને આ સમાધાન કરાવ્યું હતું.' નેહલના આ લખાણથી સ્પષ્ટ થાય છે કે આ વિવાદને દબાવવા માટે પડદા પાછળ મોટો ખેલ ખેલાયો હતો. કોણ છે નેહલ વડોલિયા? કરણ જોષી પર ગંભીર આરોપ કરનાર એક્ટ્રેસ નેહલ વડોલિયા જાણીતો ચહેરો છે. તેણે લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા જીની ફ્રેન્ડ 'નેહા'નું પાત્ર ભજવ્યું હતું અને તે એપિસોડ 2896માં નજરે પડી હતી. આ સિવાય નેહલ OTT પ્લેટફોર્મ પર 'ગંદી બાત 3', 'જૂલી', 'મસ્તરામ', 'ટાઈપરાઈટર', 'મિસ્ટ્રી ગર્લ્સ', 'દુનાલી' અને 'અમર પ્રેમ' જેવા બોલ્ડ અને ચર્ચિત પ્રોજેક્ટ્સમાં પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી ચૂકી છે. નેટીઝન્સમાં ચર્ચા અને આખી ઇન્ડસ્ટ્રીની નજર એક્ટ્રેસ દ્વારા વીડિયો ડિલીટ કરવા અને એક્ટર કરણ જોષીની આ સત્તાવાર સ્પષ્ટતા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક લોકો કલાકારના આ વર્તનની આકરી ટીકા કરી રહ્યા છે, તો મોટા ભાગના લોકોનું કહેવું છે કે કરણ જોષી નિર્દોષ છે અને તેને ચોક્કસથી આવું કંઈ નથી કર્યું. હાલમાં તો આ 'હેકિંગ વિવાદ' અને 'ગંદી માગ'ના આક્ષેપોએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
Read Original Article →