'જુબિન નૌટિયાલે દોઢ વર્ષ પહેલા લગ્ન કરી લીધા છે':સિંગરના સિક્રેટ વેડિંગ પર પિતાનો મોટો ખુલાસો- 'પરંપરાગત રીતે બાળપણની મિત્ર સાથે સાત ફેરા લીધા હતા'

Entertainment4/17/2026, 5:30:11 AM
'જુબિન નૌટિયાલે દોઢ વર્ષ પહેલા લગ્ન કરી લીધા છે':સિંગરના સિક્રેટ વેડિંગ પર પિતાનો મોટો ખુલાસો- 'પરંપરાગત રીતે બાળપણની મિત્ર સાથે સાત ફેરા લીધા હતા'
બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલના લગ્નને લઈને ચર્ચાઓ તેજ બની છે. તેવામાં તેના પિતા રામશરણ નૌટિયાલે દિવ્ય ભાસ્કરને માહિતી આપી છે કે, જુબિનના લગ્ન દોઢ વર્ષ પહેલાં થઈ ચૂક્યા છે. બાળપણની મિત્ર સાથે લગ્ન કર્યા તેમણે કહ્યું કે, 'જુબિને ખૂબ જ પરંપરાગત રીતે પોતાની બાળપણની મિત્ર સાથે સાત ફેરા લીધા હતા.' 'લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના લોકો જ સામેલ થયા હતા, જેની જાણકારી હવે શેર કરવામાં આવી છે.' જુબિન નૌટિયાલના લગ્ન બહાર કરવામાં આવ્યા હતા. જુબિનના પિતા દેહરાદૂનમાં જ રહે છે. તેમણે કહ્યું કે, 'હાલમાં આ વિષય પર વધુ કંઈ કહેવું યોગ્ય રહેશે નહીં.' લગ્નનો ફોટો વાયરલ થતાં ચર્ચાઓએ જોર પકડ્યું વાસ્તવમાં, 'ફેમિના ઇન્ડિયા' દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેક કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જુબિન નૌટિયાલે તેની બાળપણની મિત્ર સાથે ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા છે. આ ફોટો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, હજુ સુધી જુબિન કે તેમના પરિવાર દ્વારા તેમની પત્નીનું નામ જાહેર કરાયું નથી. પરંતુ ‘જાગરણ’એ સૂત્રોને ટાંકીને લખ્યું છે કે, જુબિનની પત્નીનું નામ રિચા ચંદેલ છે. રિચા ચંદેલ જુબિનની જૂની મિત્ર, અગાઉ ઘણા ફોટો સામે આવ્યા હતા સોશિયલ મીડિયા પર જુબિન નૌટિયાલના ફેન પેજ દ્વારા અગાઉ અનેકવાર રિચા ચંદેલ નામની યુવતીના જુબિન નૌટિયાલ સાથે ફોટો શેર કરવામાં આવ્યા છે. કોણ છે જુબિન નૌટિયાલ? જુબિન નૌટિયાલ દેહરાદૂનના જૌનસાર-બાવર ક્ષેત્રના ક્યારી ગામના રહેવાસી છે. જુબિનના પિતા રામ શરણ નૌટિયાલ BJPના નેતા અને બિઝનેસમેન છે, જ્યારે તેમની માતા નીના નૌટિયાલ એક બિઝનેસ વુમન છે. જુબિનનો પ્રારંભિક અભ્યાસ દેહરાદૂનની સેન્ટ જોસેફ એકેડમીમાં થયો હતો, ત્યારબાદ તેમણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી મ્યુઝિક ટ્રેનિંગ લીધી હતી. જુબિનને ‘સોનાલી કેબલ’ ફિલ્મના ગીત 'એક મુલાકાત'થી બોલિવૂડમાં ઓળખ મળી હતી. બાદમાં તેણે 'રાતાં લંબિયા', 'લુટ ગયે', 'તુમ્હી આના' સહિતના અનેક ગીતો ગાયા છે. જુબિનના પિતાએ 2014માં કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કરી જુબિન નૌટિયાલના પિતાએ દેહરાદૂન જિલ્લાની ચકરાતા વિધાનસભા બેઠક પરથી 2022ની વિધાનસભા ચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી, પરંતુ તેમને કોંગ્રેસના પ્રીતમ સિંહે 9,436 મતોથી હરાવ્યા હતા. આ પહેલા રામશરણ નૌટિયાલ દેહરાદૂન જિલ્લા પંચાયતના અધ્યક્ષ પદ પર બે વાર (લગભગ 10 વર્ષ) રહ્યા હતા. તેમણે 6 નવેમ્બર 1997ના રોજ અવિભાજિત ઉત્તર પ્રદેશના સમયમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ તરીકે 'નવીન ચકરાતા' ટાઉનશીપનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તરાખંડ રાજ્ય બન્યા પછી પણ તેઓ આ પદ પર રહ્યા હતા. રામશરણ નૌટિયાલ તેમની રાજકીય કારકિર્દીના શરૂઆતના તબક્કાથી જ કોંગ્રેસના સક્રિય સભ્ય રહ્યા હતા. ત્યારબાદ તેમણે એપ્રિલ 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
Read Original Article →