ચાલીમાં રહેતો રવિ બોલિવૂડનો 'જમ્પિંગ જેક' બન્યો:હીરોઈન બનીને જીતેન્દ્રએ આગમાં છલાંગ લગાવી હતી, અઢી કરોડનું દેવું ચૂકવવા સતત 60 ફિલ્મો કરી
જીતેન્દ્રનો જન્મ 7 એપ્રિલ, 1942ના રોજ અમૃતસરના એક પંજાબી પરિવારમાં થયો હતો. માતા-પિતાએ તેમને રવિ કપૂર નામ આપ્યું હતું, પરંતુ ફિલ્મોમાં પ્રવેશ્યા પછી તેમનું નામ બદલીને જીતેન્દ્ર રાખવામાં આવ્યું. જીતેન્દ્ર થોડા મહિનાના હતા, ત્યારે પરિવાર મુંબઈ આવ્યો અને ગિરગાંવના શ્યામ સદન ચાલમાં રહેવા લાગ્યો. આઠ જણનો આખો પરિવાર 10 બાય 12ના રૂમમાં રહેતો હતો, જેનું ભાડું 6 રૂપિયા હતું. તેમના પિતા અમરનાથ ફિલ્મ સેટ માટે આર્ટિફિશિયલ ઘરેણાં સપ્લાય કરતા હતા. સમય જતાં પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થતાં, તેમના ઘરમાં ટ્યુબલાઇટ અને પંખો લગાવવામાં આવ્યો. ચાલીમાં ગરીબી એટલી ગંભીર હતી કે આખા વિસ્તારના લોકો તેના ઘરે પંખા અને ટ્યુબલાઇટ જોવા આવતા હતા. જીતેન્દ્રએ પોતાના જીવનના 20 વર્ષ તે જ ચાલીમાં વિતાવ્યા. પંજાબી પરિવારમાંથી આવતા હોવા છતાં, તેઓ આસપાસના વાતાવરણ સાથે ભળીને અસ્ખલિત મરાઠી બોલતા શીખ્યા. આ ઝૂંપડપટ્ટીમાં રહેતા જીતેન્દ્રનો પ્રિય તહેવાર ગણેશ ચતુર્થી હતો. સેટ પર ઘરેણાં પહોંચાડતા પહોંચાડતા જુનિયર આર્ટિસ્ટ બની ગયા જીતેન્દ્ર ભણવામાં સારા નહોતા, ન તો તેમની પાસે કોઈ ખાસ પ્રતિભા કે રુચિ હતી. કોઈક રીતે તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમના પિતાએ તેમને આર્ટિફિશિયલ જ્વેલરી (કૃત્રિમ ઘરેણાં)ના બિઝનેસમાં મૂક્યા, જ્યાં તે ફિલ્મ સેટ પર ઘરેણાં પહોંચાડતા હતા. 1959માં, જીતેન્દ્રને વી. શાંતારામની ફિલ્મ 'નવરંગ'ના સેટ પર ઘરેણાં પહોંચાડવાનું કામ મળ્યું. તેઓ દરરોજ બસમાં ધક્કામુક્કી કરીને સેટ પર જતા. તે લગભગ 17 વર્ષના હતા. એક દિવસ, આ ઝાકમઝાળ જોઈને જીતેન્દ્રને ફિલ્મ જોવાનું મન થયું. તેણે ત્યાં ઉભેલા લોકોને પૂછ્યું અને તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. બધાએ કહ્યું કે વી. શાંતારામ કોઈને શૂટિંગ જોવા દેતા નથી. જીતેન્દ્ર ઉદાસ ચહેરા સાથે ઘરે પાછા ફર્યા અને તેના કાકાને ફરિયાદ કરી. બીજા દિવસે, તેના કાકા તેને સેટ પર લઈ ગયા અને સહાયકને કહ્યું કે, 'મારો ભત્રીજો શૂટિંગ જોવા માંગે છે.' તેણે જવાબ આપ્યો, 'જો તમારે શૂટિંગ જોવું હોય, તો તમારે કામ કરવું પડશે.' તેણે જીતેન્દ્ર તરફ જોયું અને કહ્યું, ‘અમે તમને રાજકુમારનો રોલ આપીશું.’ જીતેન્દ્રની ખુશીનો કોઈ પાર નહોતો. જીતેન્દ્ર, જે સામાન્ય રીતે બસમાં મુસાફરી કરતા હતા, તે બીજા દિવસે ટેક્સીમાં સેટ પર પહોંચ્યા. ત્યાં પહોંચી તેમણે રાજકુમારનો કોસ્ચ્યુમ પહેર્યો. પરંતુ પછી તેમને એક ભયંકર આઘાત લાગ્યો. સેટ પર તે એકમાત્ર રાજકુમાર નહોતા; તેના બદલે, રાજકુમારોના પોશાકમાં 200 માણસો હતા. તેમને 'નવરંગ' ફિલ્મના 'તુ છુપી હૈ કહાં' ગીતમાં નાયિકાની પાછળ ઉભા રહેતા જુનિયર આર્ટિસ્ટ તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા. વી. શાંતારામ પાસેથી કામ માંગ્યું, તો હીરોઈનના બોડી ડબલ બનાવી દીધા 'નવરંગ' ફિલ્મના શૂટિંગ દરમિયાન, જીતેન્દ્રએ પોતે ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. જ્યારે તેમને 1963ની ફિલ્મ 'સેહરા'ના સેટ પર ઘરેણાં પહોંચાડવાનું કામ મળ્યું, ત્યારે એક દિવસ, પહેલી તક મળતાં જ તેમણે ડિરેક્ટર વી. શાંતારામને મરાઠીમાં કહ્યું, 'હું ફિલ્મોમાં કામ કરવા માંગુ છું.' વી. શાંતારામને એ વાતમાં વધુ રસ હતો કે, પંજાબી કપૂર સાહેબનો દીકરો મરાઠી ખૂબ જ સારી રીતે બોલે છે. આમ, વાતચીત શરૂ થઈ. જતાં જતાં તેમણે કહ્યું, ‘હું ગેરંટી આપતો નથી, પણ તારે પ્રયાસ કરતા રહેવું જોઈએ.’ આ એક જ પગલાથી જીતેન્દ્રને ફિલ્મ 'સેહરા'માં વધારાના કલાકાર તરીકે નોકરી મળી. તેમને ફક્ત સેટ પર હાજર રહેવાનું હતું, જેથી જો કોઈ જુનિયર કલાકાર ન આવે, તો તેઓ તેમની જગ્યાએ ઉભા રહી શકે. આ કામ માટે જીતેન્દ્રને દર મહિને 100 રૂપિયા પગાર મળતો હતો. એક દિવસ, એક્ટ્રેસ સંધ્યાને ફિલ્મના એક દ્રશ્ય માટે આગ પર કૂદવાનું કહેવામાં આવ્યું. સંધ્યા ડિરેક્ટર વી. શાંતારામના પત્ની હતાં. તે દિવસોમાં, ખતરનાક દ્રશ્યો માટે સામાન્ય રીતે બોડી ડબલ્સને રાખવામાં આવતા હતા, જેઓ એક્ટર અને એક્ટ્રેસિસનો પોશાક પહેરીને ખતરનાક સ્ટંટ કરતા હતા. તે દિવસે એક્ટ્રેસના બોડી ડબલ તરીકે કામ કરવા માટે એક છોકરીને બોલાવવામાં આવી હતી. આગની જ્વાળાઓ જોઈને છોકરી ગભરાઈ ગઈ અને ભાગી ગઈ. જ્યારે સેટ પર બીજી કોઈ છોકરી આ દ્રશ્ય કરવા માટે તૈયાર ન થઈ, ત્યારે વી. શાંતારામે જીતેન્દ્રને આ કાર્ય સોંપ્યું. જીતેન્દ્રને એક્ટ્રેસ સંધ્યાનો પોશાક પહેરાવવામાં આવ્યો, ત્યારબાદ તેણે નાયિકા તરીકે કામ કર્યું. જીતેન્દ્ર પહેલો જ ડાયલોગ ન બોલી શક્યા, ડિરેક્ટર ચિડાઈ ગયા આ ભૂમિકાથી જીતેન્દ્રએ વી. શાંતારામનું દિલ જીતી લીધું. ફિલ્મમાં તેમને એક સંવાદ પણ આપવામાં આવ્યો હતો: 'સરદાર, દુશ્મનોં કા દલ ટિડ્ડિયોં કી તરહ આગે બઢ રહા હૈ (સરદાર, દુશ્મન તીડની જેમ આગળ વધી રહ્યો છે.)' 25 રીટેક છતાં જીતેન્દ્ર યોગ્ય રીતે ડાયલોગ બોલી શક્યા નહીં. વી. શાંતારામે ખિજાઈને તે જ ખોટો ડાયલોગ ફિલ્મમાં ફાઇનલ કરી દીધો. તે વી. શાંતારામ જ હતા, જેમણે જીતેન્દ્રની પ્રતિભાને ઓળખી અને તેમને ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોં ને'માં મુખ્ય ભૂમિકા આપી. પહેલી ફિલ્મ જોવા માટે માતા-પિતા સાથે પહોંચ્યા, થિયેટર ખાલી હતું જીતેન્દ્રની હીરો તરીકેની પહેલી ફિલ્મ 'ગીત ગાયા પત્થરો'ને 1964માં રિલીઝ થઈ હતી. ચાલીમાં રહેતા જીતેન્દ્ર માટે તે ખાસ દિવસ હતો. તેમણે તેમના પિતા, અમરનાથ અને માતા, કૃષ્ણાને ફિલ્મ જોવા લઈ જવા માટે ચાલી પાસેના એક થિયેટરની ત્રણ ટિકિટ ખરીદી. થિયેટરમાં પહોંચ્યા પછી તેમણે ગેટ પર ઉભેલા વ્યક્તિને પૂછ્યું કે, તેઓ ક્યાં બેસે? જવાબ મળ્યો, 'આખું થિયેટર ખાલી છે; જ્યાં ઇચ્છો ત્યાં બેસો.' ફિલ્મ સારી ચાલી ન હતી. પરંતુ જીતેન્દ્ર ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે મક્કમ હતા. યુવતીને પ્રભાવિત કરવાની લ્હાયમાં મિત્ર પ્રેમ ચોપરાને ફસાવી દીધો તેમની પહેલી ફિલ્મ ફ્લોપ ગયા પછી જીતેન્દ્ર ભૂમિકાઓ શોધવા માટે વારંવાર પ્રોડ્યુસર્સની ઑફિસમાં જતા. તેમના સંઘર્ષના દિવસોમાં તેઓ કોલાબાના ઉષા સદન બિલ્ડિંગમાં રહેવા ગયા, જ્યાં એક્ટર પ્રેમ ચોપરા પણ રહેતા હતા. તે સમયે, ચોપરા પણ નોકરી કરતા હતા અને ફિલ્મમાં કામ શોધી રહ્યા હતા.
ફિલ્મોમાં નાની-મોટી નોકરીઓ કરતી વખતે જીતેન્દ્રએ એક કાર ખરીદી હતી, અને પ્રેમ ચોપરા પાસે પણ એક કાર હતી. તેઓ ઘણીવાર એક જ સમયે પ્રોડ્યુસર્સની ઓફિસની બહાર એકબીજા સાથે અથડાતા. પરંતુ તેઓ એકબીજાની સામે શ્રીમંત અને વ્યસ્ત હોવાનો ડોળ કરતા. એક દિવસ, પ્રેમ ચોપરાએ જીતેન્દ્રને પૂછ્યું, 'આપણે બંને સાથે મુસાફરી કરીએ છીએ, આપણે એક જ જગ્યાએ જઈએ છીએ. આપણે આ ઢોંગ છોડીને એક જ કારમાં મુસાફરી કેમ ન કરીએ? તેનાથી પૈસા બચશે.' જીતેન્દ્ર, જે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, તે સહમત થયા. ત્યારથી, તેઓ એકસાથે ઘરેથી નીકળવા લાગ્યા. એવું નક્કી થયું કે, એક દિવસ એક વ્યક્તિ ખર્ચ ઉઠાવશે, અને બીજો બીજા દિવસે ખર્ચ કરશે. 1965માં એક દિવસ ડ્રાઇવિંગ કરતી વખતે તેમણે એક સુંદર યુવતી જોઈ. તે તેના મિત્ર સાથે મુસાફરી કરી રહી હતી. તેમણે હિંમત ભેગી કરીને તેને લિફ્ટ આપી, અને તે સંમત થઈ ગઈ. જીતેન્દ્રએ ચતુરાઈથી સુંદર યુવતીને પોતાની સાથે પાછળની સીટ પર બેસાડી દીધી, અને તેની બહેનપણીને ડ્રાઇવિંગ કરી રહેલા પ્રેમ ચોપરાની બાજૂવાળી સીટ પર બેસાડી. આ જોઈને પ્રેમ ચોપરા ગુસ્સે થઈ ગયા અને બડબડતા ગાળો આપવા લાગ્યા. પાછળ બેઠેલી સુંદર યુવતીએ જીતેન્દ્રને પૂછ્યું, 'તે શું કહી રહ્યા છે?' જીતેન્દ્ર તો જીતેન્દ્ર હતા, તેમણે જવાબ આપ્યો કે પ્રેમ ચોપરાને આગળ બેઠેલી યુવતી પસંદ છે. આ સાંભળીને પ્રેમ ચોપરાનો ગુસ્સો સાતમા આકાશમાં પહોંચી ગયો. પરંતુ તે યુવતીઓને ખરાબ ન લાગે, તેથી પ્રેમ ચોપરાને અનિચ્છાએ સંમત થવું પડ્યું. યુવતીઓને ફિલ્મ દેખાડવા લઈ ગયા, જમાડવાના પૈસા ન હોવાથી ઇન્ટરવલમાં ભાગી નીકળ્યા લીફ્ટના ચક્કરમાં જીતેન્દ્રએ બંને યુવતીઓને સાથે ફિલ્મ જોવા માટે રાજી કરી લીધી. ચારેય સાથે ધર્મેન્દ્રની ફિલ્મ 'નીલા આકાશ' જોવા માટે થિયેટરમાં ગયાં. રમઝાન મહિનો હતો અને બંને યુવતીઓ મુસ્લિમ હતી અને તે દિવસે તેમના રોઝા હતા. તેમણે જીતેન્દ્રને કહ્યું કે ફિલ્મ જોયા પછી, તેઓ તેમની સાથે રોઝા તોડશે અને કંઈક ખાશે. ઇન્ટરવલ પૂરો થતાં જ પ્રેમ ચોપરા જીતેન્દ્રને બહાર લઈ ગયા. તેમણે કહ્યું, 'મારી પાસે પૈસા નથી, કેવી રીતે ખવડાવીશ?' જીતેન્દ્રએ જવાબ આપ્યો, 'મારી પાસે પણ પૈસા નથી.' તેમણે થોડીવાર વિચાર કર્યો, અને અપમાનથી બચવા માટે, તેઓ ઇન્ટરવલ દરમિયાન બંને છોકરીઓને થિયેટરમાં છોડીને ભાગી ગયા. આ ઘટનાના પચાસ વર્ષ પછી પણ પ્રેમ ચોપરા અને જીતેન્દ્રની મિત્રતા હજુ પણ ટકી રહી છે. બી-ગ્રેડ ફિલ્મોમાંથી આવેલી મુમતાઝ સાથે કામ કરવા માંગતા નહોતા લાંબા સંઘર્ષ પછી જીતેન્દ્રને વી. શાંતારામની આગામી ફિલ્મ 'બૂંદ જો બન ગઈ મોતી'માં ભૂમિકા મળી. વી. શાંતારામ તેમની દીકરી રાજશ્રીને જીતેન્દ્રની સામે લેવાનું વિચારી રહ્યા હતા, પરંતુ રાજશ્રીના લગ્નને કારણે છેલ્લી ઘડીએ તેમને ફિલ્મ છોડી દેવી પડી. ત્યારબાદ વી. શાંતારામે મુમતાઝને કાસ્ટ કરી, જે કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યા પછી મુખ્ય પ્રવાહના સિનેમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે અગાઉ વી. શાંતારામની ફિલ્મો 'સ્ત્રી' (1961) અને 'સેહરા' (1963) માં નાની ભૂમિકાઓ ભજવી હતી. જીતેન્દ્રને આ વાતની જાણ થતાં જ તેમણે ડિરેક્ટરને સ્પષ્ટપણે કહી દીધું કે, તે મુમતાઝ સાથે કોઈ ફિલ્મમાં કામ કરશે નહીં. જીતેન્દ્રને સમાચાર મળતાં જ તેમણે વી. શાંતારામને પૂછ્યું, ‘તમે મુમતાઝને કેમ લઈ જઈ રહ્યા છો?’ વી. શાંતારામે કહ્યું, ‘કેમ નહીં? તેનામાં હીરોઈન બનવાના બધા જ ગુણો છે. તે સુંદર છે, સારી ડાન્સર છે અને સારી એક્ટ્રેસ છે.’ આ સાંભળીને જીતેન્દ્રએ ફરીથી કહ્યું, ‘ના, શું તમે બીજા કોઈને કાસ્ટ ન કરી શકો?’ આનો જવાબ હતો, ‘ના, હું મુમતાઝને જ લઈશ, જો તમને તે પસંદ ન હોય તો ફિલ્મ છોડી દો.’ જીતેન્દ્ર, જે પહેલાથી જ સંઘર્ષ કરી રહ્યા હતા, તેમને ફિલ્મ કરવી પડી. જીતેન્દ્રને હસાવવા માટે મહેમૂદે પેન્ટ ઉતારી દીધું એક દિવસ જીતેન્દ્ર અરુણા ઈરાની સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. શોટ દરમિયાન તેમને જોર જોરથી હસવાનું હતું, પરંતુ વારંવાર પ્રયાસ કરવા છતાં, તેમને હસવું આવતું નહોતું. આ જોઈને કોમેડિયન મહેમૂદ તેમની પાસે આવ્યો અને કહ્યું, 'શોટ શરૂ થાય ત્યારે મારી સામે જોજે.' મહેમૂદ નજીકના દરવાજા પાછળ ઉભા રહ્યા. શોટ શરૂ થતાં જ જીતેન્દ્રની નજર દરવાજા પર પડી અને તે હસવા લાગ્યા. મહેમૂદ પોતાનું પેન્ટ ઉતારીને ઊભા હતા. જીતેન્દ્રએ 'ધ કપિલ શર્મા શો'માં આ ઘટનાનું વર્ણન કર્યું હતું. ફિલ્મ ફ્લોપ જવાના ડરથી પોતે જ બધી ટિકિટો ખરીદી લીધી 1967માં જીતેન્દ્રની ત્રણ ફિલ્મો, 'બુંદ જો બન ગઈ મોતી', 'ગુનાહોં કા દેવતા' અને 'ફર્ઝ' રિલીઝ થઈ. 'ગુનાહોં કા દેવતા' મે 1967માં રિલીઝ થઈ હતી અને તે સારી કમાણી કરી શકી ન હતી. તેમની બીજી ફિલ્મ 'ફર્ઝ' ઓક્ટોબર 1967માં રિલીઝ થઈ હતી. જીતેન્દ્ર શરૂઆતમાં આ ફિલ્મ સાઇન કરવામાં ખચકાટ અનુભવતા હતા. કારણ એ હતું કે, ફિલ્મના ડિરેક્ટર રવિકાંત નાગાઇચ હતા. તેઓ સાઉથ ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર હતા અને 'ફર્ઝ' સાથે બોલિવૂડ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવાના હતા. કલાકારોએ પહેલાથી જ નવા ડિરેક્ટર સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો, તેથી જીતેન્દ્રને ફિલ્મ મળી ગઈ. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે થોડા દિવસો સુધી થિયેટરો ખાલી રહ્યા. જીતેન્દ્ર ડરી ગયા કે તેમની કારકિર્દી હમણાં જ શરૂ થઈ છે અને જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સમાચાર ફેલાઈ ગયા કે, જીતેન્દ્રની આ ફિલ્મ પણ ફ્લોપ થઈ ગઈ છે, તો ભવિષ્યમાં કોઈ તેને સાઈન કરશે નહીં. તે દિવસોમાં જ્યારે ટિકિટના ભાવ 60 પૈસા જેટલા ઓછા હતા, ત્યારે જીતેન્દ્રએ 5 હજાર રૂપિયા ખર્ચ કરીને તેની ફિલ્મની બધી ટિકિટો ખરીદી લીધી. આનાથી લોકોને લાગ્યું કે થિયેટરમાં ટિકિટ ઉપલબ્ધ નથી. આવું જ થયું. જ્યારે લોકોને ખબર પડી કે ફિલ્મ હાઉસફુલ છે, ત્યારે તેમનામાં ફિલ્મ જોવાનો ક્રેઝ વધી ગયો અને લોકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા જવા લાગ્યા. થોડા સમય પછી, ફિલ્મ ખરેખર હાઉસફુલ થવા લાગી. આ ફિલ્મે જીતેન્દ્રને રાતોરાત ખ્યાતિ અપાવી. તેનું કારણ ફિલ્મના સુપરહિટ ગીતો અને જીતેન્દ્રની નવીન શૈલી હતી. 'મસ્ત બહારોં કા મેં આશિક' ગીત ખૂબ જ હિટ થયું હતું. ફિલ્મમાં તેમણે પહેરેલા કપડાં અને જૂતાએ પણ નવા ટ્રેન્ડ સેટ કર્યા. હેમા માલિની પસંદ આવી ગયા તો સંજીવ કુમારના લવ લેટરમાં પોતાનું નામ લખી નાખ્યું એક્ટર સંજીવ કુમારને એક સમયે 'ડ્રીમ ગર્લ' હેમા માલિની પર ક્રશ હતો. તે પહેલાથી જ ધર્મેન્દ્ર સાથે રિલેશનશિપમાં હતાં. પરિવારના વાંધાને કારણે, હેમા માલિનીએ ધર્મેન્દ્રથી દૂરી બનાવી દીધી. સંજીવ કુમારે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે તેમને એક પ્રેમપત્ર લખ્યો. પત્ર પહોંચાડવામાં ખચકાટ અનુભવતા હોવાથી તેમણે તેમના મિત્ર જીતેન્દ્રને જવાબદારી સોંપી. જીતેન્દ્ર પત્ર લઈને પહોંચ્યા, પણ હેમાને જોઈને તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તકનો લાભ લઈને, તેમણે પત્રમાંથી સંજીવ કુમારનું નામ કાઢી નાખ્યું અને પોતાનું નામ ઉમેર્યું. તે પત્ર લઈને પાછા ફર્યા. જ્યારે હેમા માલિનીના પરિવારને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે જીતેન્દ્ર સાથેના તેમના લગ્નની ચર્ચા શરૂ કરી. કારણ એ હતું કે હેમા માલિનીનો પરિવાર ઇચ્છતો ન હતો કે તેઓ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરે અને સંજીવ કુમાર પણ પરિવારને પસંદ નહોતા. જોકે, હેમાનું ધ્યાન બંનેથી દૂર રાખવા માટે પરિવારે જીતેન્દ્ર સાથે તેના લગ્ન ગોઠવી દીધા. તે સમયે જીતેન્દ્રની સગાઈ એર હોસ્ટેસ શોભા કપૂર સાથે થઈ ગઈ હતી. એક દિવસ હેમા-જીતેન્દ્રના લગ્ન માટે એક પંડિતને બોલાવવામાં આવ્યા, આ સમાચાર ધર્મેન્દ્રને મળતાં જ તેઓ શોભા કપૂર સાથે ત્યાં પહોંચી ગયા અને લગ્ન અટકાવી દીધા. જીતેન્દ્રએ 1974માં એર હોસ્ટેસ શોભા કપૂર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા, તેઓ ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં હતા. એવું કહેવાય છે કે, તેઓ વર્ષો પહેલા મરીન ડ્રાઇવ પર મળ્યા હતા, જ્યારે શોભા માત્ર 14 વર્ષની હતી. તેઓ મિત્રો બન્યા અને વારંવાર મળવા લાગ્યા. આ દંપતીને બે બાળકો છે, એકતા કપૂર અને તુષાર કપૂર. કરવા ચોથ પર પત્નીની જીદે તેમનો જીવ બચાવ્યો 1975માંની વાત છે, જ્યારે શોભાએ જીતેન્દ્રના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. તે દિવસે જીતેન્દ્ર શૂટિંગ માટે જવાના હતા. ફ્લાઇટ મોડી પડતાં જીતેન્દ્ર શોભાને ઉપવાસ તોડવવા ઘરે આવી ગયા. ફ્લાઇટનો સમય નજીક આવતાં જીતેન્દ્ર જવાની તૈયારી કરી, પરંતુ શોભાએ જીદ કર્યો અને તેમને ઘરે જ રોકી દીધા. પત્નીની જીદ જોઈને જીતેન્દ્રએ પોતાના મેકઅપ આર્ટિસ્ટને પાછા બોલાવી લીધા અને કહ્યું કે તે બીજા દિવસે જતા રહેશે. થોડા સમય પછી, જીતેન્દ્રની નજર એરપોર્ટ તરફ ગઈ, જે પાલી હિલ વિસ્તારમાંથી દેખાતું હતું. તેમણે ત્યાં આગ જોઈ. થોડા સમય પછી સમાચાર આવ્યા કે, ઇન્ડિયન એરલાઇન્સની જે ફ્લાઇટમાં તે જવાના હતા, તે ક્રેશ થઈ ગઈ છે. જીતેન્દ્રએ 'ધ કપિલ શર્મા શો'માં આ ઘટનાનું વર્ણન કર્યું. એકતા કપૂરે જીતેન્દ્રનો ઓટોગ્રાફ લેવા આવેલા બાળકોને માર માર્યો હતો દર વર્ષે, જીતેન્દ્ર તેમના બાળકો, તુષાર અને એકતાને એક મહિનાની વિદેશ યાત્રા પર લઈ જતા. એકવાર, પરિવાર ઝિમ્બાબ્વે ગયો. જીતેન્દ્ર એરપોર્ટ પરથી બહાર નીકળ્યા, તો કેટલાક બાળકો તેમનો ઓટોગ્રાફ લેવા દોડ્યા. આ જોઈને દીકરી એકતાએ તેના જૂતા ઉતાર્યા અને તેમને મારવા લાગી. ફિલ્મી સફર પર એક નજર- જીતેન્દ્રએ છ દાયકાની કારકિર્દીમાં લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 'કારવાં', 'બિદાઈ', 'ધરમ વીર', 'સ્વર્ગ નર્ક', 'જાની દુશ્મન', 'ફર્ઝ', 'હિમ્મતવાલા', 'તોહફા', 'સ્વર્ગ સે સુંદર', 'ખુદગર્જ' અને 'થાનેદાર' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. 1972થી 1974ની વચ્ચે, જીતેન્દ્રનું ફિલ્મી કામ ઘટ્યું, જેના કારણે તેઓ બેરોજગાર થઈ ગયા. તેમણે 1982માં પોતાની વર્ષોની કમાણી લાગવીને ફિલ્મ 'દીદાર-એ-યાર' બનાવી, જે ખરાબ રીતે નિષ્ફળ ગઈ. જીતેન્દ્રને ₹2.5 કરોડનું નુકસાન થયું, જેના કારણે તેઓ પાયમાલ થઈ ગયા. આ નુકસાનમાંથી બહાર નીકળવા માટે જીતેન્દ્રએ સતત 60 ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાંથી મોટાભાગની રિમેક હતી. 2002થી 2012 સુધી, જીતેન્દ્રને પાંચ વખત લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જીતેન્દ્રને 22 ફિલ્મોમાં વિજય અને 26માં રવિનું નામ આપવામાં આવ્યું હતું. જીતેન્દ્રનું સાચું નામ પણ રવિ છે. 2014માં જીતેન્દ્રને દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Read Original Article →