'ધુરંધર' ગર્લ જેસ્મિન સેંડલસની સંઘર્ષ-એ-દાસ્તાન!:ક્લબમાં 15 લોકો વચ્ચે ગાતી છોકરી, આજે લાખોને 'શરારત' પર નચાવે છે; સફળતા પાછળ સલમાનનું પણ યોગદાન
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવિંજ’ હાલ બોક્સ ઓફિસ પર સુનામી લાવી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે માત્ર 16 દિવસમાં જ ભારતમાં ₹939 કરોડથી વધુની કમાણી કરી ઇતિહાસ રચી દીધો છે. પણ આ સફળતા પાછળ માત્ર એક્શન નથી, પંજાબી સિંગર જેસ્મિન સેંડલસનો અવાજ પણ ફેન્સના માથે ચડીને બોલી રહ્યો છે. જેસ્મિનનું લેટેસ્ટ ગીત 'જાઈએ સજના' અત્યારે મ્યુઝિક ચાર્ટ્સ પર નંબર-2 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગ્લોબલ સક્સેસની વચ્ચે સિંગરે સોશિયલ મીડિયા પર પોતાની સંઘર્ષ સ્ટોરી શેર કરી. સિંગરે 'ધુરંધર'ના પહેલા ભાગમાં પણ 'શરારત' ગીત ગાઈ સૌને ડાન્સ કરવા મજબૂર કર્યા હતા. જ્યારે માત્ર 15 લોકો જ હતા શ્રોતાઓ જેસ્મિને તાજેતરમાં તેની એક ખૂબ જ જૂની તસવીર શેર કરી છે, જે વર્ષ 2012ની છે. આ ફોટામાં તે દિલ્હીના એક નાના ક્લબમાં પર્ફોર્મ કરતી જોવા મળે છે. આ ફોટો શેર કરતા તેણે જણાવ્યું કે: એ સમયે મારી સામે માત્ર 15 લોકો જ હતા. મેં આટલા ઓછા લોકોની સામે ગાયું હતું, પરંતુ મારા અવાજમાં અને મારા આત્મવિશ્વાસમાં એ જ જોશ હતો જે આજે લાખોની વચ્ચે ગાતી વખતે હોય છે. પ્રશંસા અને પૈસા તમને બદલતા નથી, પણ તમારું વ્યક્તિત્વ વધુ નિખારે છે. મારી આ સફરના સાક્ષી બનવા બદલ આભાર. જ્યારે હું આટલી ગ્લેમરસ નહોતી ત્યારે પણ તમે મને પ્રેમ આપ્યો. મેં મારી નવી જિંદગી મેળવવા માટે મારી જૂની જિંદગીનું બલિદાન આપ્યું છે. ભારતથી કેલિફોર્નિયા સુધીની કપરી સફર જેસ્મિન માટે સિંગર બનવાનો માર્ગ કાંટાઓથી ભરેલો હતો. માત્ર 13 વર્ષની નાની ઉંમરે તેણે ભારત છોડીને પરિવાર સાથે કેલિફોર્નિયા સ્થાયી થવું પડ્યું હતું. એક નવા દેશમાં, જ્યાં કોઈ ઓળખીતું નહોતું, ત્યાં તે ખૂબ જ એકલતા અનુભવતી હતી. આ એકલતાને દૂર કરવા માટે તેણે ગીતો લખવાનું શરૂ કર્યું. તેની ગાયકીમાં પંજાબી લોક સંગીત અને વિદેશી હિપ-હોપનું જે ફ્યુઝન જોવા મળે છે, તે આ કેલિફોર્નિયાના દિવસોની જ દેન છે. સ્ટ્રગલના દિવસો: જાતે CD વેચવી પડતી હતી આજે જેની પાસે લક્ઝરી લાઈફ છે, તે જેસ્મિન એક સમયે પોતે રેકોર્ડ કરેલી સીડીઓ (CDs) લઈને ક્લબની બહાર ઉભી રહેતી હતી. તે આવતા-જતા લોકોને વિનંતી કરતી કે એકવાર તેનો અવાજ સાંભળે. વર્ષ 2008માં તેનું પહેલું પંજાબી ગીત 'મુસ્કાન' હિટ રહ્યું, પણ તેને અસલી ઓળખ બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિક' થી મળી. સલમાન ખાનની ફિલ્મથી મળી હતી મોટી ઓળખ જેસ્મિનનું નસીબ ત્યારે ચમક્યું જ્યારે વર્ષ 2014માં સલમાન ખાનની ફિલ્મ ‘કિક’માં તેને 'યાર ના મિલે' ગીત ગાવાની તક મળી. આ ગીતે તેને બોલિવૂડમાં રાતોરાત સ્ટાર બનાવી દીધી. ત્યારબાદ તેણે 'નામ શબાના', 'સ્ટ્રીટ ડાન્સર 3D', 'મુંજ્યા' અને 'રેડ 2' જેવી ઘણી ફિલ્મોમાં હિટ ગીતો આપ્યા છે. અત્યારે 'ધુરંધર-૨' ની ભવ્ય સફળતાએ જેસ્મિન સેન્ડલસને ગ્લોબલ આઈકોન બનાવી દીધી છે. જે છોકરી ક્યારેક 15 લોકો માટે ગાતી હતી, આજે તેના અવાજ પર આખું વિશ્વ ઝૂમી રહ્યું છે!
Read Original Article →