ઈશા અંબાણીએ ઝિયાણાંમાં મળેલા દાગીનામાંથી બનેલું બ્લાઉઝ પહેર્યું:ગુજરાતી જ્વેલર્સે 2000 કલાકે ₹200 કરોડનું બ્લાઉઝ બનાવ્યું; ચાંદનીચોકના મટિરિયલવાળું બેગ લટકાવ્યું
ગુજરાતી બિઝનેસવુમન ઈશા અંબાણીએ વિવિધ ભારતીય કળાઓને અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાયેલા 'મેટ ગાલા 2026'ના પ્રી-પાર્ટી અને મુખ્ય ઇવેન્ટમાં નવી ઓળખ અપાવી છે. ખાસ કરીને, મેટ ગાલા 2026ની મુખ્ય ઇવેન્ટમાં ઈશાનું હીરા-જવેરાતથી જડિત બ્લાઉઝ અને સોનાના દોરાથી બનેલી સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ બ્લાઉઝને ગુજરાતી જ્વેલર્સના કારીગરોની 2000 કલાકની મહેનતે તૈયાર કરવામાં આવ્યું હતું, જેની ખાસ વાત એ હતી કે બ્લાઉઝ પર ઈશાને ઝિયાણાંમાં મળેલા દાગીનાનો ઉપયોગ થયો હતો. લાગણીસભર ટુકડાઓથી ભરેલું છે બ્લાઉઝ વાસ્તવમાં ઇવેન્ટ દરમિયાન ઈશા અંબાણીએ પોતાના ડ્રેસ વિશે ખુલાસો કર્યો હતો. ઈશાએ કહ્યું કે, 'આ બ્લાઉઝ મારી માતાના દાગીનાઓથી લાદેલું છે. તેમાં અલગ-અલગ લાગણીસભર ટુકડાઓ છે. આમાંથી ઘણા દાગીના એ છે, જે મને ત્યારે મળ્યાં હતાં, જ્યારે મારા બાળકોનો જન્મ થયો હતો. તે મારા માટે ઘણું ભાવનાત્મક છે.' ગુજરાતી જ્વેલર્સના દાગીના પહેર્યાં વાસ્તવમાં ઈશા અંબાણીએ 'કાંતિલાલ છોટાલાલ જ્વેલર્સ'ના દાગીનાથી જડેલું બ્લાઉઝ પહેર્યું હતું. દિવંગત કાંતિલાલ છોટાલાલ મૂળ ગુજરાતના પાલનપુરના વતની છે. તેમણે 1948માં પાલનપુરમાં 'પાલનપુર શિશુશાળા બાલમંદિર'ની સ્થાપના કરી હતી. ઈશાના માતા નીતા અંબાણીની કલ્પના અને 'કાંતિલાલ છોટાલાલ'ની 2000 કલાકની કારીગરીએ આ ભવ્ય લુકને સાકાર કર્યો હતો. ડિઝાઈનર ગૌરવ ગુપ્તાના હાઉટ કૂટ્યોર બ્લાઉઝના ભાગ પર 200થી વધુ ઓલ્ડ-માઇન-કટ હીરા લગાવવામાં આવ્યા છે. 1,800+ કેરેટ બ્લાઉઝની અંદાજિત કિંમત આશરે ₹200 કરોડ હોવાનું જાણવા મળે છે. ઈશાએ ગળામાં બે ઓલ્ડ-માઇન-કટ હીરાના હાર પહેર્યાં છે, જે 250 કેરેટથી પણ વધુના છે. આ હીરા નીતા અંબાણીના પર્સનલ કલેક્શનમાંથી લેવામાં આવ્યા છે. આ સમગ્ર લુકને અનાયતા શ્રોફ અદાજાનિયાએ સ્ટાઇલ કર્યો છે. સાડી પર 'પિછવાઈ' પેઇન્ટિંગ કરી ભરતકામ કરાયું ઈશાએ સાડી વિશે કહ્યું કે, 'આ હાથવણાટની સાડી છે, તેના પર આ કેવ બનાવવામાં આવી છે, જે સાડીમાં સ્કલ્પ્ચરલ એલિમેન્ટ ઉમેરે છે. એક ભારતીય તરીકે સાડી મારા માટે એક આર્ટફોમ છે.' નોંધનીય છે કે, ઈશાએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા તૈયાર કરેલી સ્પેશિયલ સાડી પહેરી હતી, જેમાં સોનાના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાડી પર 'પિછવાઈ' પેઇન્ટિંગથી પ્રેરિત ડિઝાઇન બનાવવામાં આવી હતી, જેના માટે ખાસ રાજસ્થાનના પિછવાઈ આર્ટિસ્ટને બોલાવવામાં આવ્યા હતા. હાથથી સાડી પર પિછવાઈ પેઇન્ટિંગ કર્યાં બાદ તેના પર હાથેથી ભરતકામ કરવામાં આવ્યું હતું. આ લુક તૈયાર કરવા માટે 50 કારીગરોએ 1200 કલાકથી વધુ સમય આપ્યો હતો. અજન્તા-ઇલોરાની ગુફાઓથી પેઇન્ટિંગ પ્રેરિત ડિઝાઈનર ગૌરવ ગુપ્તા અને અનાયતાએ જણાવ્યું કે, 'અમે 'સ્વદેશ'થી પિછવાઈ આર્ટિસ્ટને આમંત્રણ આપ્યું હતું, જેમણે સાડી પર અજંતા-ઇલોરાની ગુફા અને ભારતના જંગલોથી પ્રેરિત પેઇન્ટિંગ બનાવી.' ઈશાએ હાથમાં રાખેલી ખાસ કેરી વિશે ફોડ પાડતા કહ્યું કે, 'આ સાચી કેરી નથી. આ સુબોધ ગુપ્તાએ બનાવેલું સ્કલ્પ્ચર છે. વાસ્તવમાં આ 20 વર્ષ જૂનું છે. ચાંદની ચોકમાંથી લાવેલા મટિરિયલમાંથી ઈશાની બેગ બનાવી નોંધનીય છે કે, ઈશાએ જે ક્રોશેટ જાળી બેગમાં આ બે દાયકા જૂની કેરીને રાખી છે, તે કોઈ મોટા ફેશન લેબલનું નથી પરંતુ દિલ્હીના એક નાનકડા સ્ટાર્ટઅપનું છે, જે મહિલાઓ દ્વારા સંચાલિત છે. વાસ્તવમાં ઈશાએ પકડેલા આ ક્રોશેટ જાળી બેગને 3.10byguggi નામની બ્રાન્ડે બનાવ્યું છે. આ બેગમાં ઉપયોગમાં લેવાયેલા દોરા દિલ્હીના ચાંદની ચોકમાંથી લાવવામાં આવ્યા હતા. ઇવેન્ટ દરમિયાન જ્યારે ઈશાને તેના જોડિયા બાળકો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે, 'તે બંને હોટેલમાં છે. તેમણે મને તૈયાર થતાં જોઈ અને પછી તેઓ મને અહીં ડ્રોપ કરવા આવવા ઇચ્છતા હતા. મેં તેમને પૂછ્યું કે, હું પાર્ટીમાં જઈશ ત્યારે તમે પાક્કું રડશો નહીં?, તો તેમણે કહ્યું, નહીં અમે રડીશું. તો મેં તેમને કહ્યું, તમે પાર્ટીમાં નહીં આવી શકો.' આટલું કહેતાં કહેતાં તે હસી પડી.
Read Original Article →