ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થયા હેમા માલિની:કહ્યું- મને તેમની યાદ આવે છે, તેમના વિના જીવન કેવી રીતે જીવીશ નથી જાણતી
એક્ટ્રેસ હેમા માલિની ગુરુવારે તેમના પતિ અને એક્ટર ધર્મેન્દ્રને યાદ કરતા ભાવુક થઈ ગયા. મુંબઈમાં એક ઇવેન્ટનો વીડિયો સામે આવ્યો, જેમાં હેમા માલિનીએ કહ્યું, ‘તેમની સફર જુસ્સો, સમર્પણ અને પ્રેક્ષકો માટે ખૂબ જ પ્રેમથી ભરેલી હતી. તેઓ હંમેશા કહેતા હતા કે ફિલ્મ દિલથી જોડાવાનું માધ્યમ છે. તેઓ ફિલ્મો અને કેમેરા પ્રત્યે ઉત્સાહી હતા. તેમના જીવનસાથી તરીકે, મેં જોયું કે તેઓ કેટલા ઉત્સાહી હતા અને તેમણે લાખો લોકોના દિલને સ્પર્શ કર્યો છે અને બધા સાથે તેમનો વ્યવહાર આવો હતો.’ એક્ટ્રેસે આગળ કહ્યું, 'તેમણે એક એક્ટર, એક મિત્ર, એક પિતા તરીકે ઘણા લોકોને, અહીં સુધી કે યુવાનોને પણ પ્રેરણા આપી છે. તેઓ એક મહાન વ્યક્તિ હતા અને હું ખૂબ નસીબદાર હતી કે તેમની સાથે રહી. મને તેમની યાદ આવે છે. મને ખબર નથી કે હું તેમના વિના જીવન કેવી રીતે જીવીશ, પણ તે બીજી વાત છે.' ધર્મેન્દ્રનું નિધન ગયા વર્ષે થયું હતું ધર્મેન્દ્રનું 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું. ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી હેમા માલિનીએ તેમના માટે ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે ધર્મેન્દ્ર તેમના માટે બધું જ હતા અને તેમના જવાથી જે ખાલીપો સર્જાયો, તે આજીવન રહેશે. હેમાએ ધર્મેન્દ્ર સાથે તસવીર શેર કરીને ભાવુક થઈને લખ્યું હતું- ધર્મ જી. તેઓ મારા માટે ઘણું બધું હતા, એક પ્રેમાળ પતિ, અમારી બે દીકરીઓ ઈશા અને અહાનાના સ્નેહાળ પિતા, એક મિત્ર, દાર્શનિક, માર્ગદર્શક, કવિ, જરૂરિયાતના દરેક સમયે મારા 'ગો-ટુ' વ્યક્તિ. સાચું કહું તો, તેઓ મારા માટે બધું જ હતા. સારા અને ખરાબ દરેક સમયમાં તેઓ હંમેશા મારી સાથે રહ્યા. તેમણે પોતાના સહજ, મૈત્રીપૂર્ણ સ્વભાવથી મારા પરિવારના દરેક સભ્યનું દિલ જીતી લીધું હતું, હંમેશા બધાને સ્નેહ અને આત્મીયતા આપતા. આગળ તેમણે લખ્યું હતું, એક જાહેર હસ્તી તરીકે, તેમની પ્રતિભા, તેમની લોકપ્રિયતા છતાં તેમનો નમ્ર સ્વભાવ, અને તેમનું સાર્વત્રિક આકર્ષણ, આ બધાએ તેમને એક એવા અનોખા અને અતુલનીય આઇકન બનાવી દીધા, જેનું ઉદાહરણ ભાગ્યે જ કોઈ દિગ્ગજમાં મળે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની કીર્તિ અને સિદ્ધિઓ હંમેશા યાદ રાખવામાં આવશે. મારી અંગત ખોટ શબ્દોથી પર છે, અને જે ખાલીપો સર્જાયો છે, તે મારી આખી જિંદગી સાથે રહેશે. વર્ષોના સાથ-સફર પછી હવે હું ફક્ત અગણિત યાદોના સહારે તે ખાસ પળોને ફરી-ફરી જીવીશ. આ ઉપરાંત હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે વિતાવેલી કેટલીક યાદગાર પળોની તસવીરો શેર કરીને લખ્યું હતું, વર્ષોની સાથ-સંગત, હંમેશા અમારા માટે હાજર રહ્યા. કેટલીક ખાસ પળો.
Read Original Article →