પૌરાણિક કથા જાગૃત થશે!:માયથોલોજી અને હોરરનો ડબલ ડોઝ, 29 મેના રોજ 'કબંધ'ના ડરથી થરથરશે દુનિયા
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અત્યારે તેના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહી છે. અવનવા વિષયો અને પ્રયોગો સાથે મેકર્સ પ્રેક્ષકોને ચોંકાવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર એક એવી ફિલ્મ આવી રહી છે જે પૌરાણિક કથા અને હોરરનો અદભૂત સંગમ હશે. ‘ફેબ્રુઆરી ૩૦એન્ટરટેઈનમેન્ટ’ પ્રસ્તુત અને રેહાન ચૌધરી ડિરેક્ટેડ ફિલ્મ ‘કબંધ: અ મિથ અવેકન્સ’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શું છે ફિલ્મની ખાસિયત? આ ફિલ્મની ટેગલાઈન જ સૌનું ધ્યાન ખેંચી રહી છે: "એક મોહક રાજકુમારની વાર્તા... જે ભયાનક રાક્ષસ તરીકે પાછો ફરે છે." ફિલ્મની વાર્તા પૌરાણિક રહસ્યો પર આધારિત હશે, જે પ્રેક્ષકોને ડર અને રોમાંચનો એક અલગ જ અનુભવ કરાવશે. ગુજરાતમાં અત્યાર સુધી અનેક થ્રિલર ફિલ્મો બની છે, પરંતુ 'માયથોલોજિકલ હોરર' જોનરમાં લગભગ પહેલું સાહસ છે. સ્ટાર કાસ્ટ અને નિર્માણ ફિલ્મનું નિર્માણ વેદાંત મહેશ્વરી અને રેહાન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે. રેહાન ચૌધરીએ જ આ ફિલ્મનું ડિરેક્શન, લેખન અને એડિટિંગ સંભાળ્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારો જોવા મળશે, જેમાં શ્યામ નાયર, તર્જની ભાદલા, બ્રિન્દા ત્રિવેદી, રૂચિ પ્રજાપતિ, હેમાંગ દવે, અંકિત બ્રહ્મભટ્ટ અને રવિ સોલંકીનો સમાવેશ થાય છે. ટેકનિકલ પાસું અને VFX આ પ્રકારની ફિલ્મ માટે મજબૂત વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ખૂબ જરૂરી હોય છે. ફિલ્મમાં VFX સુપરવાઈઝર તરીકે 'હિમાલયન નિર્માતા' અને ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું છે, જે પડદા પર પૌરાણિક કાળ અને ભયાનક દ્રશ્યોને જીવંત કરશે. જીગ્નેશ પંડ્યાના સિનેમેટોગ્રાફી અને પલ્લવ બરુઆના સંગીતે પ્રેક્ષકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. ક્યારે રિલીઝ થશે? 'કબંધ' સમગ્ર વિશ્વમાં 29 મે, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના પોસ્ટરે સોશિયલ મીડિયા પર અત્યારથી જ ધૂમ મચાવી દીધી છે અને ફિલ્મ રસિકો આતુરતાથી ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતી ફિલ્મો હવે માત્ર કોમેડી કે ફેમિલી ડ્રામા પૂરતી મર્યાદિત નથી રહી, પણ 'કબંધ' જેવી ફિલ્મો વૈશ્વિક સ્તરે ગુજરાતી સિનેમાનું કદ વધારવા તૈયાર છે.
Read Original Article →